ધરપકડ:ATMમાં ગ્રાહકનું કાર્ડ બદલાવી પિન નંબર મેળવી ઠગાઇ કરતી ગેંગના બે શખ્સ ઝબ્બે

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ઠગાઇ કરતી ગેંગના બંને સાગરીતો. - Divya Bhaskar
ઠગાઇ કરતી ગેંગના બંને સાગરીતો.
  • બે શખ્સ ફરાર : ગ્રાહક જતો રહે તે સાથે જ રકમ ઉપાડી નાસી જતા

શહેરની ભાગોળે મોટામવા સ્માશાન પાસે દ્વારકાધીશ હોટેલની બાજુમાં આવેલા બેંકના એટીઅએમ સેન્ટર પાસે કારમાં બેસી ચાર શખ્સ એટીએમમાં જતા લોકો પર વોચ કરી રહ્યાની તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઇ આર.બી.જાડેજાને માહિતી મળતાં પીઆઇ ધોળા સહિતની ટીમ દોડી ગઇ હતી. પોલીસ પહોંચી ત્યારે દિલ્હી પાસિંગની કારમાં વલસાડના વૈશાલીપાર્કમાં રહેતો રાજુ ઉર્ફે કડી રામબલી યાદવ (ઉ.વ.40)અને પવનકુમાર રામચંદ્ર યાદવ (ઉ.વ.30) મળી આવ્યા હતા.

પોલીસે બંનેની તલાશી લેતા બંને પાસેથી અલગ અલગ બેન્કના 10 એટીએમ કાર્ડ, રૂ.500ના દરની 26 નોટ મળી આવ્યા હતા. પોલીસે બંનેની આગવીઢબે પૂછપરછ કરતા મૈથ્યુ ગેંગનો પર્દાફાશ થયો હતો. બંને શખ્સે કબૂલાત આપી હતી કે, પોતે વલસાડની નામચીન મૈથ્યુ ગેંગના સભ્યો છે અને પોતાની સાથે સુરજસીંગ તથા ગોવિંદ સુદર્શન પણ આવ્યા હતા, પરંતુ પોલીસ આવી રહ્યાની ભણક લાગતા બંને નાસી ગયા હતા.

મૈથ્યુ ગેંગના ચારેય સભ્ય પાવાગઢ અને ચોટીલામાં ઓપરેશન પાર પાડીને રાજકોટ આવ્યા હતા અને રાજકોટમાં શિકાર કરી સોમનાથ જવાના હતા પરંતુ તે પહેલા જ પોલીસના હાથે પકડાઇ ગયા હતા. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, કોઇ શ્રમિક કે અશિક્ષિત જેવી લાગતી વ્યક્તિ પૈસા ઉપાડવા માટે સેન્ટરમાં જાય ત્યારે તે વ્યક્તિને પૈસા ઉપાડવામાં મદદ કરવાનું કહી તેની પાસેથી પિન નંબર જાણી લેતા હતા અને ત્યારબાદ તે વ્યક્તિનું એટીએમકાર્ડ પોતાની પાસે રાખી એ જ બેંકનું અન્ય કાર્ડ તે વ્યક્તિને આપી દેતા હતા, એટીએમ ચાલતું નથી તેમ કહી તે વ્યક્તિને રવાના કરી બાદમાં પૈસા ઉપાડી લેતા હતા.

એટીએમમાંથી એક સાથે રૂ.20 હજાર રકમ ઉપાડી શકાતી હોવાથી મૈથ્યુ ગેંગ યાત્રધામ વાળા શહેરોમાં પડી પાથરી રહેતી હતી, યાત્રાધામે અન્ય શહેરો ગામોમાંથી લોકો આવતા હોય અને રૂ.20 હજાર જેવી રકમની છેતરપિંડી થાય ત્યારે અજાણ્યા શહેરમાં ઓછી રકમમાં ફરિયાદ કરી પોલીસમથકના દોડા ક્યા કરવા તેવી માનસિકતા સાથે ફરિયાદ કરતા નહીં હોવાથી ચીટર ગેંગ આવા સ્થળો વધુ પસંદ કરતી હતી.

અન્ય સમાચારો પણ છે...