રાજકોટમાં બેફામ બનેલા વ્યાજખોરોના ત્રાસથી અનેક લોકોના પરિવારનો માળો પિંખાઈ ગયો છે. પઠાણી ઉઘરાણી સાથે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી અનેક લોકોએ આપઘાત કરવા મજબૂર થવું પડ્યું છે અને પોલીસની પણ વરવી ભૂમિકા હોવાના આક્ષેપ થયા છે. ત્યારે વ્યાજખોરોથી લોકોને બચાવવા પોલીસ દ્વારા આજે લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં બે માસૂમ બાળકો દિવંગત પિતાની તસવીર સાથે આવ્યાં હતાં. તેમની વ્યથા વ્યક્ત કરી હતી.
સિનિયર સિટિઝન પણ વ્યાજખોરોના શિકાર
આજે રાજકોટ શહેરના ટાગોર રોડ પર હેમુ ગઢવી હોલ ખાતે રાજકોટ શહેર પોલીસ દ્વારા વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવાના ભાગરૂપે લોકો પાસે સામે ચાલી પહોંચી લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું છે. આજે યોજાયેલા લોકદરબારમાં વ્યાજખોરોના ત્રાસથી પીડાતા લોકો પોતાની અરજી અને ફરિયાદ સાથે તેમનાં નાનાં નાનાં બાળકો સાથે આવી પહોંચ્યા હતા તો કેટલાક સિનિયર સિટિઝનો પણ વ્યાજખોરોથી બચવા માટે ન્યાયની માગ સાથે પોલીસ પાસે પહોંચ્યા હતા.
વ્યાજખોરોએ જામીન પર છૂટ્યા બાદ પણ પરેશાન કર્યા
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર, રાજકોટના આજીડેમ ચોક નજીક માન સરોવર પાર્ક પાસે રામેશ્વર પાર્ક-2માં રહેતા ફ્રૂટ્સના ધંધાર્થી મનોજભાઇ જયંતીલાલ વૈઠાએ 7 મહિના પહેલાં ઝેર પી આપઘાત કરી લીધાના બનાવમાં તેને મરી જવા મજબૂર કરનારા અને વ્યાજખોરી આચરનારા 4 શખસ વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો હતો, જોકે આ વ્યાજખોરો જામીન પર છૂટ્યા બાદ મૃતકની પત્ની અને પરિવારજનો પાસે રૂપિયાની માગણી કરતા હોવાથી આજે મૃતકની પત્નીએ તેનાં બે માસૂમ બાળકો સાથે તેના પતિના ફોટા સાથે લોકદરબારમાં આવી ન્યાયની માગ કરી હતી.
પોલીસ અમને ન્યાય અપાવે એવી અમારી માગ
આટકોટના વીરનગર ખાતે રહેતા અલ્પેશ રાદડિયા નામના ખેડૂતે જણાવ્યું હતું કે પત્નીના ડિલિવરી સમયે બે વર્ષ પૂર્વે પૈસાની જરૂર હતી, માટે રાજકોટના જગદીશભાઇ રાયધનભાઈ ડવ પાસેથી 1 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા, જેની સામે 1.25 લાખ આપી દીધા છતાં પણ મારા ચેક મેળવી એમાં 2.70 લાખની ખોટી રકમ ભરી અમને હેરાન કરી ત્રાસ આપી રહ્યા છે. આજે લોકદરબારમાં અમારાં નાનાં બે બાળકોને લઇ આવ્યાં છીએ, અમારે ન્યાય જોઈએ છે. પોલીસ અમને ન્યાય અપાવે એવી અમારી માગ છે.
યુવા વર્ગ વ્યાજના ચક્કરમાં ફસાય છે: CP
રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જણાવ્યું હતું કે યુવા વર્ગ તેમના મોજશોખ માટે પણ વ્યાજના ચક્કરમાં ચડી જતા હોય છે. રાજકોટના મોરબી રોડ પર આવેલી મારવાડી યુનિવર્સિટીમાં ભણતો એક વિદ્યાર્થી, જેને આઇફોન ખરીદવા માટે કોઈ વ્યક્તિ પાસેથી 25,000 લીધા હતા, જેની સામે 30,000 ચૂકવી દીધા હતા. આ પછી આઇફોન મોડલ બદલી રહ્યા હતા, નવા ફોન ખરીદવા 2 લાખ વ્યાજે લીધા અને એ પછી ધીમે ધીમે વ્યાજની રકમ આગળ વધતી ગઈ.
કેન્ટીનમાં 2 લાખ ચૂકવ્યા છે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે એક દિવસ એવો આવ્યો કે તેને રોજ 1000 રૂપિયા અને આ ઉપરાંત 45,000 આપવાનું નક્કી થયું. એ પછી તેના પિતાને ખબર પડી તે તેઓ મારી પાસે આવ્યા. આ સમયે એ વિદ્યાર્થીએ જણાવ્યું કે કેન્ટીનમાં 2 લાખ ચૂકવ્યા છે. છોકરીઓ લઇ કેન્ટીનમાં નાસ્તો કરતો, છોકરીઓ લઇ રાજસ્થાન ફરવા ગયો, ત્યાં 4 લાખ વાપર્યા હતા. આમ, 2 લાખ સામે પિતાને 40 લાખ ચૂકવવાનો વારો આવ્યો હતો.
લોકો ફરિયાદ કરવાનું ટાળી રહ્યા છે
આ સાથે તેમણે વધુમાં જણાવ્યું હતું કે વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવા માટે પોલીસ તૈયાર છે, પરંતુ લોકો ફરિયાદ કરવાનું ટાળી રહ્યા છે. અરજદારોની અરજીના આધારે આરોપીને બોલાવવામાં આવે છે. પછી આરોપીઓ પૈસા પરત આપવાનું અથવા તેમના ચેક પરત આપવાનું કહે તો અરજદારો ફરિયાદ કરતા નથી અને સમાધાન કરી લેતા હોય છે. ફરિયાદ કરવામાં આવે તો અમે કડક કાર્યવાહી કરી શકીએ.
5 દિવસમાં 25 ફરિયાદ નોંધાઈ
તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમે છેલ્લા 5 દિવસમાં 25 ફરિયાદ નોંધી કડક કાર્યવાહી હાથ ધરી છે. એટલું જ નહિ, ગત વર્ષે 6 વ્યાજખોરો સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે અને હજુ પણ આગામી દિવસોમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ સાથે આગામી દિવસોમાં દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ લોકદરબારનું આયોજન કરવામાં આવશે.
60 અરજદાર આવ્યા
તોતિંગ વ્યાજ વસૂલતા વ્યાજખોરો નાણાં વસૂલવા માટે કાયદો હાથમાં લેતા પણ ખચકાતા નથી. કેટલાક કિસ્સામાં વ્યાજખોરો રૂપિયા વ્યાજે લેનારને માર મારી ઘર કે ઓફિસ પહોંચી ધાક-ધમકી આપતા હોય છે, જેથી ગભરાઈને અગાઉ અનેક લોકોએ આપઘાત કર્યાની ઘટના બની છે. વ્યાજખોરો સામે ફરિયાદ નોંધવામાં પોલીસ સ્ટેશન સ્ટાફ દ્વારા ગલ્લા-તલ્લા કરવામાં આવતા હોવાના પણ આક્ષેપો થયા છે. ત્યારે લોકો બિનધાસ્તપણે વ્યાજખોરો અંગે ફરિયાદ કરી શકે એ માટે પોલીસ કમિશનર દ્વારા લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું છે. આજે યોજાયેલા લોકદરબારમા 60 અરજદાર આવ્યા હતા, જેમની અરજી પોલીસે સ્વીકારી હતી અને ફરિયાદ આપવા ઈચ્છતા લોકોની ફરિયાદ લઇ વ્યાજખોર સામે ફરિયાદ નોંધવા કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.