તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અત્યાચારનો આક્ષેપ:સેન્ટ્રલ જેલમાં ભૂખ હડતાળ પર રહેલા બે કેદીની તબિયત લથડી

રાજકોટ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • અગાઉ પણ ચાર વખત હડતાળ કરી ચૂક્યા છે, જાપ્તો ગોઠવાયો
  • જેલતંત્ર અત્યાચાર ગુજારતો હોવાનો આક્ષેપ કરી હડતાળ શરૂ કરી’તી

રાજકોટ સેન્ટ્રલ જેલમાં રહેલા બે કેદીઓ દ્વારા કેટલાક દિવસથી શરૂ કરાયેલી ભૂખ હડતાળને પગલે બંનેની તબિયત લથડતાં બંનેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. એક કેદીએ પોતે પેરોલ પર છૂટ્યો હતો ત્યારે તેનું અપહરણ થયું હતું જેની પોલીસ ફરિયાદ નોંધતી નહીં હોવાના આક્ષેપ સાથે તો બીજાએ જેલતંત્ર અત્યાચાર ગુજારતું હોવાના આક્ષેપ સાથે હડતાળ શરૂ કરી હતી.

સેન્ટ્રલ જેલમાં રહેલા સુરેશ ધનજી (ઉ.વ.38)ને શનિવારે રાત્રે 9.30 વાગ્યે જેલથી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો તો બીજા એક કેદી રમેશ ઉર્ફે રામજી જેઠા ચાવડા (ઉ.વ.40)ને રવિવારે સિવિલમાં ખસેડાયો હતો. બંનેએ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફ સમક્ષ કહ્યું હતું કે, કેટલાક દિવસથી પોતે જેલમાં ભૂખ હડતાળ પર છે અને તબિયત લથડતાં જેલના સિપાહીઓએ તેમને હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

રાજકોટ જેલ અધિક્ષક બન્નો જોષીએ જણાવ્યું હતું કે, સુરેશ ધનજી છ મહિના પહેલા પેરોલ પર જેલમાંથી છૂટ્યો હતો, પેરોલ પરથી જેલમાં હાજર થયા બાદ તાજેતરમાં તેણે કહ્યું હતું કે, પોતે પેરોલ પર છૂટ્યો હતો ત્યારે તેનું અપહરણ થયું હતું અને આ અંગે આજી ડેમ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી, પરંતુ પોલીસ આરોપીઓ સામે ગુનો નોંધતી નથી, જ્યાં સુધી એફઆઇઆર નંબર નહીં મળે ત્યાં સુધી હડતાળ કરવાની તેણે ચીમકી આપી હતી, આજી ડેમ પોલીસ આ અંગે તપાસ પણ કરી રહી છે, જ્યારે રમેશ ચાવડાએ જેલનો સ્ટાફ તેના પર અત્યાચાર ગુજારે છે અને તે તમામ લોકો સામે પોલીસ કાર્યવાહી કરે તેવી માંગ ઉઠાવી હડતાળ પર ઉતર્યો હતો. બંને કેદીઓ અગાઉ પણ ચાર-પાંચ વખત જેલમાં હડતાળ કરી ચૂક્યા છે. બંને કેદીને હોસ્પિટલમાં ખસેડાતા બંને પર પોલીસ જાપ્તો ગોઠવી દેવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...