રાજકોટની સેન્ટ્રલ જેલમાં બે કેદીને મંકી પોક્સના લક્ષણો જણાતા જરૂરી ટેસ્ટ કરવામાં આવ્યા હતા. બાદમાં સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. મંકી પોક્સ વાયરસને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારે પૂર્વ તૈયારીના ભાગરૂપે ગુજરાત સરકારને જરૂરી સૂચના આપી હતી. તેના આધારે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે મંકી પોક્સ માટે ખાસ 30 બેડનો આઇસોલેશન વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે.
મંકી પોક્સના ભારતમાં ચાર કેસ
વિદેશથી આવેલા મંકી પોક્સ વાયરસના ભારતમાં ચાર કેસ નોંધાયા છે. આ વાયરસ પણ કોરોનાની જેમ એકબીજા વ્યક્તિના સંપર્કમાં આવે જેને કારણે વધુ ફેલાય છે. વિદેશથી આવેલા મંકી પોક્સ વાયરસ સામે વધુ તકેદારી રાખવા ભારત સરકારે તમામ રાજ્યોને સૂચના આપી છે. ગુજરાતમાં આ વાયરસના હાલ એક પણ દર્દી નથી. પરંતુ અગમચેતીના ભાગરૂપે દરેક જિલ્લામાં મંકી પોક્સ આઈસોલેશન વોર્ડ તૈયાર રાખવા રાજ્યના આરોગ્ય વિભાગએ સૂચના આપી હતી. રાજકોટમાં પણ તે જ રીતે ડોક્ટર્સની અને નર્સિંગ સ્ટાફની ટીમને તહેનાત રાખી 30 બેડનો મંકી પોક્સ આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે.
મંકી પોક્સનાં લક્ષણો
UKHSAના અનુસાર, મંકી પોક્સનાં પ્રારંભિક લક્ષણો ફ્લૂ જેવાં હોય છે. એમાં તાવ, માથું દુખવું, સ્નાયુઓમાં દુખાવો, કમરમાં દુખાવો, ધ્રુજારી, થાક અને સોજોલી લિમ્ફ નોડ્સ સામેલ છે. એના પછી ચહેરા પર એક પ્રકારની ફોલ્લીઓ દેખાવા લાગે છે, જે શરીરના બીજા ભાગમાં પણ ફેલાઈ શકે છે. સંક્રમણ દરમિયાન આ ફોલ્લીઓમાં ઘણા ફેરફાર થાય છે અને છેલ્લે ચિકનપોક્સની જેમ સ્કેબ તરીકે પડી જાય છે.
કેવી રીતે ફેલાય છે બીમારી?
નિષ્ણાતોનું માનવું છે કે મંકી પોક્સ સંક્રમિત વ્યક્તિના નજીક જવાથી ફેલાય છે. આ વાઈરસ દર્દીના ઘામાંથી નીકળીને આંખ, નાક અને મોં દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે. એ સંક્રમિત વાંદરાઓ, કૂતરાઓ અને ખિસકોલી જેવાં પ્રાણીઓ દ્વારા અથવા દર્દીના સંપર્કમાં આવેલી પથારી અને કપડાંથી પણ ફેલાઈ શકે છે. દર્દી 7થી 21 દિવસ સુધી મંકી પોક્સથી પીડાઈ શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.