બે કેદીનો આપઘાતનો પ્રયાસ:રાજકોટની મધ્યસ્થ જેલમાં બે કેદીએ દવાનો ઓવરડોઝ લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા

રાજકોટ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ મધ્યસ્થ જેલની ફાઈલ તસવીર. - Divya Bhaskar
રાજકોટ મધ્યસ્થ જેલની ફાઈલ તસવીર.

રાજકોટની મધ્યસ્થ જેલમાં કેદીઓના આપઘાત અને આપઘાતની કોશિશના બનાવમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. આજે વધુ બે કેદીઓએ બીમારીની વધુ પડતી દવા પી લેતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે હત્યાના ગુનામાં સજા કાપી રહેલ કાચા કામના કેદી ચારેક દિવસથી ભૂખ હડતાળ પર હોવાથી તબિયત લથડી જતાં તેને પણ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

ભૂખ હડતાળ પર ઉતરેલા કેદીને હોસ્પિટલ ખસેડાયો
રાજકોટ મધ્યસ્થ જેલમાં હત્યાના ગુનામાં સજા કાપી રહેલા કાચા કામના કેદી મૂળ જસદણના જસાપરના જીતેન્દ્રગીરી ગણપતગીરી ગોસાઇ (ઉં.વ.33)એ જેલમાં ભુખ હડતાળ કરતાં તેની તબિયત લથડતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ શખ્સ પાંચ વર્ષ અને પાંચ મહિનાથી જેલમાં છે. તેણે જેલમાં અલગ અલગ પ્રશ્નો ઉપસ્થિત થતા છેલ્લા ચાર દિવસથી ભૂખ હડતાલ ચાલુ કરી હતી.

ચોરીના ગુનામાં સજા કાપી રહેલા કેદીનો આપઘાતનો પ્રયાસ
બીજા બનાવમાં ચોરીના ગુનામાં ત્રણ મહિનાથી જેલમાં રહેલા રાજકોટના ગુલાબનગરના પ્રદિપ કાળુભાઇ પઢેરીયા (ઉં.વ.21)એ બેરેકના બધા કેદીઓની બિમારીની દવાની વધુ પડતી ટીકડીઓ એક સાથે પી લેતાં તબિયત બગડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. મગજ ભમતો હોવાથી બધી ગોળી પી ગયાનું તેણે રટણ કર્યુ હતું.

સાથી બે કેદીએ દૂધમાં દવા ભેળવી દીધી
ત્રીજા બનાવમાં રાજકોટમાં રહેતાં રાજકોટ રૈયા ટેલિફોન એક્ષચેન્જ પાસે રહેતાં આશિષ દિનેશભાઇ મારડીયા (ઉ.વ.30)ને 20 સપ્ટેમ્બરના રોજ બે સાથી કેદી હાર્દિકસિંહ તથા ભીખાએ દૂધમાં દવાની ગોળી ભેળવી પીવડાવી દેતાં તબિયત બગડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આશિષે કહ્યું હતું કે, મિત્ર કેદીઓએ મજાક મજાકમાં પોતાને ઝાડા કરાવી દેવા દૂધમાં ગોળી ભેળવી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...