શહેરની ભાગોળે જામનગર રોડ પર હનુમાનધારા નજીક આવેલી નદીમાં નહાવા પડેલા રાજકોટના બે કોલેજિયન યુવકના ડૂબી જવાથી મોત નીપજ્યા હતા, કોલેજમાંથી છૂટીને ચાર મિત્ર ફરવા ગયા હતા અને નદીમાં નહાવા પડતાં દુર્ઘટના ઘટી હતી.
જામનગર રોડ પર તરઘડી નજીક હનુમાનધારા પાસેની નદીમાં બે યુવક ડૂબી ગયાની વાત વાયુવેગે ફેલાઇ જતાં ગ્રામજનો એકઠા થઇ ગયા હતા અને સ્થાનિક તરવૈયાઓએ નદીમાં ઝંપલાવ્યું હતું, થોડીવાર બાદ રાજકોટના તરુણ જગદીશભાઇ ચૌહાણ (ઉ.વ.18) તથા જેનિશ સુરેશભાઇ પિત્રોડા (ઉ.વ.18)ના મૃતદેહ નદીમાંથી હાથ આવ્યા હતા, ઘટના અંગે જાણ કરાતા પડધરી પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી અને બંને યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, તરુણ અને જેનિશ કોલેજમાં અભ્યાસ કરતા હતા, બપોરે કોલેજેથી અભ્યાસ પૂરો કરી અન્ય બે મિત્ર સાથે હનુમાનધારા ફરવા આવ્યા હતા, ચારેય મિત્ર પોતાની સાથે નાસ્તો પણ લઇને ગયા હતા, નદીકાંઠે નાસ્તો કર્યા બાદ ચારેય મિત્રએ નદીમાં નહાવાની મોજ માણવાનું નક્કી કર્યું હતું અને ચારેયે નદીમાં ઝંપલાવ્યું હતું.
નહાતા નહાતા તરુણ તથા જેનિશ ઊંડા પાણીમાં ગરક થઇ ગયા હતા, નદીકાંઠે નહાઇ રહેલા તેના અન્ય બે મિત્રએ બૂમાબૂમ કરતાં સ્થાનિકો દોડી ગયા હતા અને બંનેના મૃતદેહ બહાર કાઢ્યા હતા. કોલેજે ગયેલા યુવાન પુત્રના મૃત્યુના સમાચાર મળતાં ચૌહાણ અને પિત્રોડા પરિવારના સભ્યો સ્થળ પર દોડી ગયા હતા અને તેમણે કરેલા આક્રંદથી ગમગીની છવાઇ ગઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.