તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગમખ્વાર અકસ્માત:રાજકોટ હીરાસર એરપોર્ટમાં મજૂરી કામ કરતા અને હાઇવે પર ચાલીને જતા બે કૌટુંબિક ભાઇને કારે ઉલાળતા મોત, બંનેની પત્ની સગર્ભા

રાજકોટ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાકા સાથે બંને ભાઇઓ પગપાળા ચાલીને ઝુપડા તરફ આવતા ત્યારે કારચાલકે ઉલાળ્યા
  • કાકાને સામાન્ય ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા

રાજકોટનાં હીરાસર એરપોર્ટની સાઇટ પર મજૂરી કરતાં અને નજીકમાં જ ઝૂપડા બાંધીને રહેતાં મૂળ મધ્યપ્રદેશના બે કુટુંબી ભાઇઓ અને તેના કાકા નજીકમાં કોન્ટ્રાકટરની ઓફિસે પૈસા લેવા ગયા હતા. ત્યાંથી પરત પોતાના ઝૂપડા તરફ પગપાળા જઇ રહ્યા હતાં ત્યારે રસ્તામાં એક કારના ચાલકે ત્રણેયને ઉલાળી દેતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહીં બંને ભાઇઓના સારવાર દરમિયાન મોત નીપજ્યા હતાં. જ્યારે કાકાને નજીવી ઇજા સાથે બચાવ થયો હતો. કરૂણતા એ છે કે મૃતક બંને ભાઇઓની પત્નીઓ હાલ સગર્ભા છે.

નજીકમાં કોન્ટ્રાક્ટરની ઓફિસે પૈસા લેવા ગયા હતાં
જાણવા મળ્યા મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની હરિશ રમેશભાઇ પાલ (ઉં.વ.25) અને તેનો મોટા બાપુનો દીકરો પ્રકાશ રાયસીંગ પાલ (ઉં.વ.30) તથા કુટુંબી કાકા દેવચંદ્ર માંગેલાલ પાલ (ઉં.વ.38) ગત સાંજે સાડા આઠેક વાગ્યે હીરાસર એરપોર્ટની સાઇટ પાસે પોતાના ઝૂંપડા હોય ત્યાંથી નજીકમાં કોન્ટ્રાક્ટરની ઓફિસે પૈસા લેવા ગયા હતાં. પરંતુ કોન્ટ્રાક્ટર ન હોય ત્રણેય પરત ઝૂપડા તરફ આવી રહ્યાં હતાં ત્યારે રસ્તામાં કારની ઠોકરે ચડી જતાં ત્રણેયને ઇજાઓ થઇ હતી.

બંનેના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં પીએમ રૂમમાં ખસેડાયા.
બંનેના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં પીએમ રૂમમાં ખસેડાયા.

બંને ભાઇના મોતથી પરિવારમાં કલ્પાંત
અકસ્માત સર્જી ચાલક કાર મૂકી ભાગી ગયો હતો. ઘાયલ હરિશ, પ્રકાશ અને દેવચંદ્રને રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા. પરંતુ અહીં બંને ભાઇઓએ દમ તોડી દીધો હતો. કાકા દેવચંદ્રને પ્રાથમિક સારવાર બાદ રજા અપાય હતી. મૃતક બંને ભાઇઓ બે મહિનાથી હીરાસર એરપોર્ટની સાઇટ પર બાઉન્ડ્રી બનાવવાના કામમાં મજૂરી કરતાં હતા. પ્રકાશને બે પુત્રી અને એક પુત્ર છે. હાલમાં તેની પત્ની વર્ષા સગર્ભા છે. જ્યારે હરિશનની પત્ની રમીલા પણ સગર્ભા છે. આ બનાવથી મજૂર પરિવારોમાં કલ્પાંત સર્જાયો હતો. રાજકોટમાં પોસ્ટ મોર્ટમ બાદ બંને મૃતદેહ વતન લઇ જવાયા હતા. એરપોર્ટ રોડ પોલીસ મથકના સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી હતી.