બોગસ ડોક્ટર:નકલી ડોક્ટર બની આરોગ્ય સાથે ચેડાં કરતા બે શખ્સ ત્રીજી વખત પકડાયા

રાજકોટ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
આરોગ્ય સાથે ચેડાં કરતા બોગસ ડોક્ટર - Divya Bhaskar
આરોગ્ય સાથે ચેડાં કરતા બોગસ ડોક્ટર
  • ભાવનગર રોડ, ભારતનગરમાં ચાલતી હતી બે બોગસ ક્લિનિક
  • ક્લિનિકમાંથી દવા, તબીબી સાધનો મળી 19 હજારનો મુદ્દામાલ કબજે

શહેરમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા કેટલાક શખ્સો ડિગ્રી વગર ડોક્ટર બની કાયદાની ઐસીતૈસી કરી રહ્યા છે એટલું જ નહીં, કાયદામાં કડક કાર્યવાહી ન હોવાને કારણે આવા તત્વો વારંવાર આવી ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા હોવાના બનાવો શહેરમાં સમયાંતરે પ્રકાશમાં આવતા રહે છે. આવા જ વધુ કિસ્સામાં અગાઉ બે-બે વખત નકલી ડોક્ટર બની પકડાયેલા બે શખ્સને ફરી એક વખત પોલીસે ભાવનગર રોડ પર આવેલા ભારતનગરમાં ક્લિનિક ચલાવતા પકડી પાડયા છે.

ભારતનગર મેઇન રોડ પર બે શખ્સ ડોક્ટરની ડિગ્રી વગર દવાખાનું ખોલી લોકોને દવા, ઇન્જેકશન આપી આર્થિક લાભ મેળવી રહ્યા હોવાની પેરોલ ફરલો સ્કવોડને માહિતી મળી હતી. જે માહિતીના આધારે પોલીસે પ્રથમ સદગુરૂ ક્લિનિક નામના દવાખાનામાં દરોડો પાડ્યો હતો. જ્યાથી ભવનાથ સોસાયટીમાં રહેતા નરેન્દ્ર ભાનુ જોટંગિયાને પકડી પાડ્યો હતો. તેની પાસે મેડિકલ ડિગ્રી ન હોવા છતા તે લોકોને એલોપેથીક દવા આપતો હોવાની કેફિયત આપી હતી. પોલીસે ક્લિનિકમાંથી દવા, મેડિકલના સાધનો મળી રૂ.4554નો મુદામાલ કબજે કર્યો હતો.

બાદમાં બીજો દરોડો સાંઇ ક્લિનિકમાં પાડી આ જ વિસ્તારમાં રહેતા મનોજ ધીરનાથ ઠાકુર નામના શખ્સને પકડી પાડયો હતો. આ શખ્સ પાસે પણ મેડિકલની કોઇ ડિગ્રી ન હોવાની કબૂલાત આપી હતી. પોલીસે અહિંથી દવા, સાધનો મળી રૂ.14,295નો મુદામાલ કબજે કર્યો હતો. પોલીસ તપાસમાં ટી.વાય.બી.એ.સુધીનો અભ્યાસ કરનાર નરેન્દ્ર અને ટી.વાય.બી.એસસી સુધીનો અભ્યાસ કરનાર મૂળ બિહારનો મનોજ અગાઉ બે-બે વખત લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા પકડાઇ ચૂકયા છે.

અન્ય સમાચારો પણ છે...