જાણકારી:ક્યા ખોરાકમાં શેની મિલાવટ છે ઘરે બેઠા જાણવાની સરળ રીત, દૂધ અને ઘીમાં ટિંક્ચરના બે ટીપાથી જાણી શકાશે ભેળસેળ છે કે નહીં

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
​​​​​​​દૂધમાં પાણી - Divya Bhaskar
​​​​​​​દૂધમાં પાણી
  • ઘેર તપાસ કર્યા બાદ ભેળસેળ જણાઈ તો તંત્ર જાણ કરવી : આસિ. કમિશનર

ખાદ્ય પદાર્થોમાં ભેળસેળનું પ્રમાણ સતત વધી રહ્યું છે અને અનેક જગ્યાએ દરોડાઓમાં રસાયણો નાખીને નફાખોરી કર્યાનું સામે આવ્યું છે. ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ લેબ ટેસ્ટમાં સામે આવે છે જ્યારે બધા લોકો આ ટેસ્ટ કરાવી શકતા નથી. તો લોકોને સરળ કઇ રીતે ખબર પડે કે તેમણે જે વસ્તુ ખરીદી છે તે સુરક્ષિત છે કે નહીં.

આ મુદ્દાની રાજકોટ જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સના આસિસ્ટન્ટ કમિશનર એલ.ડી. ફળદુ સાથે ચર્ચા કરતા તેઓએ જણાવ્યું કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડસ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ એક ડાર્ટ બુક એટલે કે ડિટેક્ટ અલ્ટરેશન વિથ રેપિડ ટેસ્ટ જારી કરી છે જે વેબસાઈટ પરથી ડાઉનલોડ થઈ શકે છે અને તેનો અભ્યાસ કરીને દૂધ, ઘી, તેલ, અનાજમાં સરળતાથી જાણી શકાશે કે ભેળસેળ છે કે નહીં.

આ માટે બીજા કોઇ ઉપકરણોની જરૂર નથી. અમુક ટેસ્ટમાં આયોડિન કે જેને ટિંક્ચર કહે છે તે મેડિકલ સ્ટોરમાં મળે છે અને તેના આધારે જાણી શકાય છે કારણ કે, તે અમુક ભેળસેળમાં રંગ બદલવાની પ્રકૃતિ ધરાવે છે. ખરીદી વખતે બિલનો આગ્રહ રાખવો અને જો ભેળસેળ દેખાય તો મહાનગરપાલિકા અથવા તો જિલ્લા તંત્રને જાણ કરવી અને જ્યાંથી ખરીદી કરી હોય ત્યાં સીધી કાર્યવાહી થઈ શકે.

જાણો, ક્યા ખાદ્ય પદાર્થમાં શું ટેસ્ટ કરી શકાય

દૂધમાં પાણી
કાચ જેવી લીસી સપાટી પર દૂધનું એક ટીપું મૂકો. આ ટીપું જમીન તરફ ઉતરે અને પાછળ સફેદ લીટી છોડતું જાય તો તે ચોખ્ખું દૂધ છે, જો ન છોડે અને તરત જ વહી જાય તો તેમાં વધુ પડતું પાણી છે.

દૂધ, પનીરમાં સ્ટાર્ચ
દૂધ, પનીરમાં સ્ટાર્ચ

દૂધ, પનીરમાં સ્ટાર્ચ
દૂધમાં બે ટીપાં ટિંક્ચર નાખીને જૂઓ રંગ બદલીને જાંબલી થાય તો તેમાં ભેળસેળ છે. પનીર કે માવો હોય તો પહેલા તેને પાણીમાં નાખી ઉકાળો અને ઠંડું થયા બાદ ટિંક્ચર નાખો.

ઘીમાં બટેટાનો માવો
ઘીમાં બટેટાનો માવો

ઘીમાં બટેટાનો માવો
કાચના નાના વાટકામાં બે ચમચી ઘી નાખો. તેમાં બે ટીપા ટિંક્ચર આયોડિન નાખો જો ભેળસેળ હશે તો રંગ બદલી બ્લ્યૂ થઈ જશે.

તેલમાં ઝેરી રસાયણ
તેલમાં ઝેરી રસાયણ

તેલમાં ઝેરી રસાયણ
થોડું તેલ કાચના બાઉલમાં રાખો. તેમાં બટર નાખો જો તેલનો રંગ લાલ થવા લાગે તો તેમાં ટીઓસીપી નામના ઝેરી રસાયણની ભેળસેળ છે.

દૂધમાં ડિટરજન્ટ
થોડી માત્રામાં દૂધ લો અને તેમાં તેટલું જ પાણી ઉમેરો અને પછી સરખી રીતે હલાવો. ચોખ્ખા દૂધમાં ખૂબ ઓછા ફીણ થશે જ્યારે ભેળસેળ હશે તો ફીણનું જાડું થર રહેશે.

મરચાંમાં ભૂસું
મરચાં પાઉડરને પાણીના ગ્લાસમાં નાખો. શુદ્ધ મરચું એ જ કલર સાથે નીચે બેસી જશે. ભૂસું પાણી પર તરતું રહેશે.

જીરુંમાં ઘાસના બી
ઘાસના બીને કોલસાના પાઉડરમાં નાખીને જીરુંમાં ભેળવી દેવાય છે. એક મુઠ્ઠી જીરું હથેળીમાં લઈ ઘસો જો હથેળીમાં કાળો રંગ દેખાય તો ભેળસેળ છે.

કાળા મરી
કાચના ગ્લાસમાં કાળા મરી નાખો, કાળા મરી તળિયે બેસી જશે તેમાં ભેળવેલા પપૈયાના બી તરશે.

ચાની ભૂકીમાં કાટ
ચાની ભૂકીનો નાનો ઢગલો કરો તેની આસપાસ ચૂંબક ફેરવો. શુદ્ધ ભૂકીમાં ફરક નહીં પડે પણ તેમાં નાખેલો કાટ અથવા લોખંડની ભૂકી ચૂંબક તરફ આકર્ષાશે.

મરચાં પાઉડરમાં કલર
કાચના ગ્લાસમાં પાણી ભરી તેમાં મરચાં પાઉડર નાખો. જો કલર ઉમેર્યો હશે તો કલર પાઉડરમાંથી અલગ થતો દેખાશે.

હળદરમાં રંગ
કાચના ગ્લાસમાં હળદર નાખો. શુદ્ધ હળદર નીચે બેસશે, હળવો પીળો કલર છોડશે. ભેળસેળ હશે તો ઘાટો પીળો કલર દેખાશે.

મધમાં ખાંડ
એક ગ્લાસ પાણીમાં થોડું મધ નાખો. મધ પાણીમાં ઓગળી જાય તો ખાંડ હશે. ચોખ્ખું મધ ઓગળતું નથી. આ ઉપરાંત રૂના પૂમડામાં મધ નાખી સળગાવો, ચોખ્ખું મધ તુરંત સળગી જશે ભેળસેળમાં અવાજ આવશે.

હિંગમાં ભેળસેળ
એક સ્ટીલની ચમચીમાં હિંગ લઈ તેને મીણબત્તી પાસે મૂકો. શુદ્ધ હિંગ કપૂરની જેમ સળગી ઊઠશે. ભેળસેળ હશે તો સળગશે નહીં. આ ઉપરાંત એક ગ્લાસમાં હિંગ નાખી હલાવો ભેળસેળ હશે તો ફીણ વળશે અને તળિયે બેસી જશે ઓગળશે નહીં. ત્રીજી ભેળસેળ જાણવા પાણીમાં હિંગ નાખ્યા બાદ ટિંક્ચર નાખો કલર બદલાય તો ભેળસેળ છે.

અન્ય સમાચારો પણ છે...