વિરોધ:રાજકોટમાં ચાર કર્મચારી યુનિયનની બે દી’ હડતાળ

રાજકોટ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 28 અને 29 માર્ચના બેંક, આઈટી, પોસ્ટલ, રેલવે સહિતના કર્મચારીઓ વિરોધ નોંધાવશે

પડતર પ્રશ્નનો નિકાલ નહિ આવતા રાજકોટમાં બેંક, આઈટી, પોસ્ટલ, રેલવે સહિતના ચાર કર્મચારી યુનિયન બે દિવસ હડતાળ પર ઉતરીને પોતાનો વિરોધ નોંધાવશે. 28 અને 29 માર્ચના રોજ કર્મચારીઓ હડતાળ પર જશે.

આ અંગે વધુ માહિતી આપતા બેંક કર્મચારી યુનિયનના મહામંત્રી કે.પી.અંતાણીએ જણાવ્યું હતું કે, ગુરુવારે સીટુ, ઈન્ટુક, બેંક કર્મચારી, એલઆઈસી, બીએસએનલ, પોસ્ટલ અને રેલવે, ઈન્કમટેક્સ કર્મચારીઓની એક બેઠક મળી હતી. જેમાં દેશવ્યાપી હડતાળમાં જોડાવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. કર્મચારીઓએ માગણી કરી છે કે, દેશના જાહેર સાહસો અને ઉદ્યોગોના ખાનગીકરણ પર રોક લગાવવામાં આવે. નવી પેન્શન યોજના નાબૂદ કરી જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે. ભાવવધારા પર અંકુશ આવવો જોઈએ.

જે વ્યક્તિ આવક વેરા ભરવા પાત્ર ન હોય તેવા વ્યક્તિ - ઘરને ઓછામાં ઓછું રૂ. 7500 નો ટેકો આપવો અને નિ:શુલ્ક રાશન આપવાની માગણી કરવામાં આવી છે. આશાવર્કર અને આંગણવાડીની મહિલાઓને લઘુતમ વેતન આપવા અને પેન્શનની જોગવાઇ કરવા માટે રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...