હેમખેમ વતન વાપસી:યુક્રેનથી બે વિદ્યાર્થિની ગોંડલ પહોંચી, પરિવારે ભવ્ય સ્વાગત સાથે આરતી ઉતારી, કેક કાપી ખુશી મનાવી, માતા-પિતા દીકરીને ભેટી રડી પડ્યા

રાજકોટ6 મહિનો પહેલા
  • ગોંડલ પહોંચતા પહેલા સુવર્ણ મંદિરમાં માથુ ટેકવી બંનેએ પ્રાર્થના કરી હતી

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યારે રાજકોટ સહિત સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓ યુક્રેનમાં ભારે મુશ્કેલીમાં મૂકાયા છે. ત્યારે ગોંડલની બે વિદ્યાર્થિની બંસી રામાણી અને દેવાંશી દાફડા હેમખેમ ઘરે પહોંચતા પરિવારે ભવ્ય સ્વાગત કર્યું હતું, બંસી રામાણીના પરિવારે સ્વાગત માટે ફૂલની જાજમ પાથરી હતી. દીકરીએ પગલા પાડતા પરિવારજનો ખુશ થયા હતા. પરિવારે બંસીની આરતી ઉતારી એકબીજા મો મીઠા કરાવ્યા હતા. તેમજ કેક કાપી પરિવારે ખુશની પ્રસંગ ઉજવ્યો હતો. આ પ્રસંગે પરિવારજનો બંસીને ભેડી પડ્યા હતા અને રડી રહ્યા હતા.

રાજકોટ એરપોર્ટ પર સ્વાગત કરાયું
ભારત સરકારની મદદથી આ વિદ્યાર્થીઓને તબક્કાવાર પોલેન્ડ-રોમાનિયાની સરહદ પરથી એરલિફ્ટ કરવામાં આવી રહ્યા છે. ગઈકાલે રાજકોટના 6 વિદ્યાર્થીઓનું કલેક્ટર કચેરીએ સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે આજે ગોંડલની બે વિદ્યાર્થિની દેવાંશી દાફડા અને બંસી રામાણી દિલ્હીથી રાજકોટ એરપોર્ટ આવી પહોંચી હતી. અહીં બંનેનું પરિવારજનોએ સ્વાગત કર્યું હતું. બંને વિદ્યાર્થિનીઓના ચહેરા પર ઘરઆંગણે પહોંચ્યાની ખુશી છલકાઈ રહી હતી.

ગુરૂદ્વારામાં બંને વિદ્યાર્થિનીએ માથુ ટેકવ્યું
ગઈકાલે હંગરીના બુડાપેસ્ટથી સીધી ફ્લાઈટ દિલ્હી આવી હતી. અહીં સુવર્ણ મંદિરમાં બંને વિદ્યાર્થિનીએ માથુ ટેકવી પ્રાર્થના કરી હતી. બાદમાં આજે સવારે દિલ્હીની ફ્લાઇટ મારફત બંને રાજકોટ એરપોર્ટ આવી પહોંચી હતી. રાજકોટ એરપોર્ટ પર દેવાંશી દાફડાના પિતાએ બૂકે આપી દીકરીનું સ્વાગત કર્યું હતું. તેમજ બંસી રામાણીના પરિવારજનોએ પણ બૂકે આપી દીકરીનું સ્વાગત કર્યું હતું. બાદમાં બંને ગોંડલ પહોંચતા જ પરિવારજનોમાં ખુશીની લાગણી જોવા મળી હતી.

બંસી રામાણીના પરિવારજનોએ આરતી ઉતારી.
બંસી રામાણીના પરિવારજનોએ આરતી ઉતારી.

આજે વધુ 7 વિદ્યાર્થીઓ રાજકોટ પહોંચશે
ગઇકાલે યુક્રેનથી પરત રાજકોટ 6 વિદ્યાર્થી આવ્યા હતા. જેમાં ઓમ જાની, કિશાંગ મહેતા, ધારા વોરા, જેન્સી ભેટારીયા, અને હેપી ભાલાણીનો સમાવેશ થાય છે. જ્યારે દામિની રાઠોડ નામની જસદણની વિદ્યાર્થિની સીધી પોતાના ઘરે જસદણ પહોંચી હતી. આ સાથે યુક્રેનમાં રાજકોટના કુલ 45 જેટલા વિદ્યાર્થીઓની યાદી વહીવટી તંત્ર સુધી પહોંચી છે, હજુ 7 વિદ્યાર્થીઓ આજે પહોંચવાના છે. રાજકોટ જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુ દ્વારા ગઈકાલે તમામ વિદ્યાર્થીઓને આવકારવામાં આવ્યા હતા અને બાદમાં તેમની પાસેથી માહિતી લેવામાં આવી હતી અને અન્ય કેટલા વિદ્યાર્થીઓ ત્યાં ફસાયા છે અને કેવી રીતે મદદરૂપ થઇ શકાય તે માટે ચર્ચા કરી હતી. અને તંત્ર સાથે સંપર્કમાં રહી મદદરૂપ થવા વિદ્યાર્થીઓને અપીલ કરવામાં આવી હતી.

કેક કાપી ઘરે પહોંચ્યાની ખુશી મનાવી.
કેક કાપી ઘરે પહોંચ્યાની ખુશી મનાવી.
ઘરે આવી બંસી રામાણીએ ભગવાન સમક્ષ પ્રાર્થના કરી.
ઘરે આવી બંસી રામાણીએ ભગવાન સમક્ષ પ્રાર્થના કરી.

50 કિ.મી. દૂર થતા બ્લાસ્ટ હોસ્ટેલમાં સંભળાતા હતા
યુક્રેનથી રાજકોટ આવી પહોંચેલી વિદ્યાર્થિની હેપ્પી રમેશભાઈ ભાલાણીએ જણાવ્યું હતું કે, હું મેડિકલની પાંચમા વર્ષની સ્ટુડન્ટ છું અને અમે યુક્રેનના ચેર્નિવત્સીમાં રહીએ છીએ. જ્યારથી યુદ્ધ શરૂ થયું ત્યારથી જ અમે લોકો ખૂબ ભયભીત હતા. 50 કિલોમીટર દૂર થતા બોમ્બ બ્લાસ્ટના અવાજ અમારી હોસ્ટેલ સુધી સંભળાતા હતા. હજુ અમારા ઘણા મિત્રો ફસાયા છે પરંતુ અમને આવવા મળ્યું તેની ખુશી છે.

દેવાંશી દાફડાનું પણ પરિવારજનોએ ફૂલહાર પહેરાવી સ્વાગત કર્યું.
દેવાંશી દાફડાનું પણ પરિવારજનોએ ફૂલહાર પહેરાવી સ્વાગત કર્યું.

હવે MBBSનો અભ્યાસ અહીં રહીને ઓનલાઈન કરીશું
ધારા વોરા નામની વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે, યુક્રેનમાં અમારા શહેરમાં સ્થિતિ કાબૂમાં હતી, પરંતુ સૌથી વધુ કીવ અને ખારકીવમાં વિદ્યાર્થીઓની સ્થિતિ ખરાબ છે તેઓ હજુ પણ મેટ્રો ટનલમાં અને બંકરમાં છે. યુદ્ધના લીધે હાલ અમારો અભ્યાસ બંધ છે. સ્થિતિ સુધરે નહીં ત્યાં સુધી જેમ કોરોનામાં ઓનલાઈન હતું તેમ અહીં રહીને જ ઓનલાઈન MBBSનો અભ્યાસ કરવો પડશે.

(હિમાંશુ પુરોહિત/દેવાંગ ભોજાણી, ગોંડલ)

અન્ય સમાચારો પણ છે...