ધરપકડ:ગોંડલમાં અપહરણ અને બળાત્‍કારના ગુનામાં સંડોવાયેલા એક વર્ષથી નાસતા ફરતા બે ભાઈઓ રાજકોટથી મળી આવ્યા, પાસામાં ધકેલાયા

રાજકોટ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
આરોપીઓની ફાઈલ તસવીર - Divya Bhaskar
આરોપીઓની ફાઈલ તસવીર
  • પોલીસે બંને વોન્ટેડ શખ્સોને મોટી ટાંકી ચોક પાસેથી ઝડપી સુરત અને અમદાવાદ જેલહવાલે કર્યા
  • ગોંડલ પોલીસે બન્નેનો કબ્‍જો લેવા તજવીજ હાથ ધરી

ગોંડલના અપહરણ અને બળાત્‍કારના ગુનામાં પાસાનું વોરંટ ઈસ્‍યુ થયા બાદ એક વર્ષથી નાસતા ફરતા બે ભાઈઓને રાજકોટમાંથી રૂરલ ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બન્ને ભાઈઓ જામીન પર છૂટી ફરાર થઈ ગયા
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર ગત વર્ષે ગોંડલમાંમાં સગીરાનું અપહરણ કરી બળાત્‍કાર ગુજારનાર અજય રામજીભાઈ ચિત્રોડા તથા વિનોદ રામજીભાઈ ચિત્રોડા સામે નવા કાયદા મુજબ પાસાનું વોરંટ ઈસ્‍યુ કરાયુ હતું, પરંતુ આ વોરંટની બજવણી થાય તે પૂર્વે જ બન્ને ભાઈઓ જામીન પર છૂટી ફરાર થઈ ગયા હતા. આ સમય દરમિયાન બન્ને ભાઈઓએ વધુ એક સગીરાનું અપહરણ કરી દુષ્‍કર્મ ગુજાર્યાની ગોંડલ સીટી પોલીસ મથકમાં ફરીયાદ થઈ હતી.

મોટી ટાંકી ચોકમાં હોવાની બાતમી મળી
જેને પગલે આ બન્ને ભાઈઓને ઝડપી લેવા રૂરલ એસપી બલરામ મીણાએ આપેલ સૂચના અન્‍વયે એલસીબીના પીઆઈ એ.આર. ગોહેલ તથા પીએસઆઈ એસ.જે. રાણાની ટીમે બન્ને ભાઈઓનું પગેરૂ દબાવતા બન્ને રાજકોટમાં મોટી ટાંકી ચોકમાં હોવાની બાતમી મળતા બન્નેને દબોચી લેવાયા હતા અને પાસા તળે અજયને સુરત જેલમાં તથા વિનોદને અમદાવાદ જેલમાં ધકેલી દેવાયા હતા.

ગોંડલ પોલીસે બન્નેનો કબ્‍જો લેવા તજવીજ હાથ ધરી
ઉલ્લેખનીય છે કે પકડાયેલ બન્ને ભાઈઓ સામે ગોંડલ પોલીસ મથકમાં પણ નોંધાયેલ અપહરણ અને બળાત્‍કારના ગુનામાં ગોંડલ પોલીસે બન્નેનો કબ્‍જો લેવા તજવીજ હાથ ધરી છે.