• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Two Bogus Schools Were Started In Rajkot In 2010 Out Of Which SEIT Vidyamandir Was Closed In 2019 And Maruti School In 2021.

નકલી સર્ટિફિકેટ કૌભાંડ:રાજકોટમાં 2010માં બે બોગસ સ્કૂલ શરૂ કરાઈ હતી જેમાંથી SEIT વિદ્યામંદિર 2019માં અને મારૂતિ સ્કૂલ 2021માં બંધ કરી દેવાઈ હતી

રાજકોટ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હાયર સેકન્ડરી બોર્ડ ઓફ દિલ્હી સંસ્થા રજિસ્ટર કરી રાજ્યની 57 શાળાને નકલી સર્ટિફિકેટ ધાબડી દેવાનું કૌભાંડ

દિલ્હીમાં હાયર સેકન્ડરી બોર્ડ ઓફ દિલ્હી નામની સંસ્થા રજિસ્ટર કરાવ્યા બાદ નકલી સર્ટિફિકેટ વેચવાના કૌભાંડમાં પોલીસે અગાઉ જયંતી લાલજી સુદાણી નામના શખ્સને ઝડપી લીધો હતો. આરોપી જયંતી સુદાણીની પૂછપરછ બાદ ખાંભાના આશ્રમપરામાં રહેતા કેતન હરકાંત જોષીની સંડોવણી હોય પોલીસે તેને પણ સકંજામાં લીધો હતો. કેતન જોષીની પૂછપરછમાં રાજકોટ શહેર સહિત દેશભરમાં 100 જેટલી સ્કૂલો ચાલતી હતી. તે પૈકી હાલ 57 સ્કૂલો જ ચાલુ હોવાની કેફિયત આપી છે.

જેમાં હાલ અમરેલીના ધારી ગામે સ્વ.જી.એમ.જોષી સાયન્સ હાઇસ્કૂલ ચાલુ હોવાનું પણ જણાવ્યું છે. આમ કેતન જોષીની પૂછપરછમાં હાયર સેકન્ડરી બોર્ડ ઓફ દિલ્હી સંસ્થાને કોઇ માન્યતા ન હોવા છતાં ઠેર ઠેર માન્ય બોર્ડ હોય તેવી રીતે શાળાઓ શરૂ કરી દીધાનું તંત્રના ધ્યાને આવતા 2017માં ઉપરોકત બોર્ડ સામે દિલ્હીમાં ફોજદારી ફરિયાદ પણ નોંધાઇ હતી અને સરકાર દ્વારા આ બોર્ડને ફેક જાહેર કર્યું હતું તેમ છતા સંસ્થા ચાલુ રાખી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરી આર્થિક લાભ મેળવી સરકાર સાથે તેમજ ખાનગી વિભાગો સાથે છેતરપિંડી કરી હોવાનો વધુ એક ખુલાસો થયો હતો.

જેથી રાજકોટ પોલીસે સકંજામાં રહેલા જયંતી લાલજી સુદાણી, કેતન હરકાંત જોષી ઉપરાંત જીતેન્દ્ર અમૃતલાલ પીઠડિયા, પરેશ પ્રાણશંકર વ્યાસ અને તનુજા સીંગ સામે આઇપીસી 406, 420, 465, 468, 471 અને 120 બીની કલમ હેઠળ વધુ એક ગુનો નોંધ્યો છે. પહેલા ગુનામાં પકડાયેલા જયંતી સુદાણીની ધરપકડ કરી પોલીસે રિમાન્ડ પર મેળવ્યો હતો. જેની પૂછપરછમાં માન્ય બોર્ડ ન હોવા છતા માન્ય બોર્ડ હોય તેવી રીતે રાજકોટમાં 2010માં બે શાળાઓ શરૂ કરાઇ હતી. જેમાં સોમનાથ-3 મેઇન રોડ પર એસઇઆઇટી વિદ્યામંદિર શરૂ કરવામાં આવી હતી. જે સ્કૂલ 2019માં બંધ કરી દેવાઇ હતી.

જ્યારે બીજી શાળા ખોડિયારનગરમાં મારૂતિ સ્કૂલના નામથી શરૂ કરાઇ હતી. જે સ્કૂલનું સંચાલન દિલ્હીના ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે રહેલા અશોકભાઇ લાખાણી ચલાવતા હતા. પરંતુ તેમનું ગત વર્ષ 2021માં મૃત્યુ થતા આ સ્કૂલને પણ બંધ કરી દેવાઇ હોવાનું તેમજ અશોકભાઇ લાખાણીના મૃત્યુ બાદ ટ્રસ્ટનું કામકાજ કરવા માટે કેતન જોષીને ટેમ્પરરી સેક્રેટરી તરીકેનો એગ્રીમેન્ટ કરી ચાર્જ આપવામાં આવ્યો હોવાનું જયંતી સુદાણી અને કેતન જોષીએ જણાવ્યું છે.

માર્કશીટના 50 હજાર લેતા
પોલીસ પૂછપરછમાં જયંતી સહિતની ટોળકી માર્કશીટ મેળનાર પાસેથી રૂપિયા 50 હજારથી વધુ પડાવતા હોવાનું જણાવ્યું છે. શહેરમાં કેટલા લોકો પાસેથી પૈસા લઈ કૌભાંડ આચર્યું છે તે દિશામાં તપાસ કરાશે.

દિલ્હી ઓફિસમાં કામ કરતી મહિલાને પગાર કેતન જોષી ચૂકવતો
પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, હાયર સેકન્ડરી બોર્ડ ઓફ દિલ્હી સંસ્થાનું સંચાલન દિલ્હીથી થાય છે. દિલ્હીમાં ભાડાની ઓફિસનું સંચાલન તનુજા સીંગ છેલ્લા 10 વર્ષથી વહીવટ સંભાળે છે. તનુજા સીંગનો પગાર તેમજ ઓફિસનું ભાડુ કેતન જોષી ચૂકવે છે. દિલ્હી સ્થિત ઓફિસમાં સર્ટિફિકેટ કે માર્કશીટ વેરિફિકેશન માટે આવે તેની ફી ડીડી મારફતે મેળવ્યા બાદ રાજકોટ જયંતી સુદાણી અને કેતન જોષીને મોકલવામાં આવતુ હતુ. બાદમાં જયંતી સુદાણી અને કેતન જોષી રાજકોટમાં આવેલી મહેસાણા બેંકના સંસ્થાના ખાતામાં જમા કરાવતા હતા.

ટ્રસ્ટનું રેકર્ડ કેતન જોષીની ખાંભામાં આવેલી ઓફિસમાંથી મળી આવ્યું
જયંતી, કેતન સકંજામાં આવ્યા બાદ પૂછપરછમાં તેમની સંસ્થાનું રેકર્ડ અમરેલીના ખાંભામાં આવેલી કેતનની ઓફિસમાં હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે કેતનની ઓફિસમાં તપાસ કરી રેકર્ડ કબજે કર્યું હતું. રેકર્ડમાં ઉપરોકત ટ્રસ્ટમાં ટ્રસ્ટીઓ તરીકે દિલ્હીના રવિશંકર રામદીન ઓઝા, અધ્યક્ષ તરીકે યુ.પી.ના ડો. શિવપ્રસાદ અર્જુનપ્રસાદ પાંડે, સચિવ તરીકે યુ.પી.ના યોગેશ્વર હરિઓમ શર્મા હોવાનું 2011માં રજિસ્ટર થયું હતું. 2013માં ટ્રસ્ટે ડીકલેરેશન પાસ કરી યોગેશ્વર શર્માને હટાવી અશોક પ્રભુદાસ લાખાણીને, બાદમાં 2016માં ટ્રસ્ટી રવિશંકરને હટાવી પરેશ વ્યાસને સામેલ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...