રેતીચોરનો આતંક:રોયલ્ટી ઈન્સ્પેક્ટર પર બે શખ્સનો હુમલો, પગમાં પાઈપ ઝીંક્યા, લોડરથી સુપરવાઈઝરની કાર કચડવા પ્રયાસ

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
સરકારી અધિકારીની કાર આંતરી રેતી ચોરી કરતા તત્ત્વોએ લોડરના બકેટથી કાર કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો. - Divya Bhaskar
સરકારી અધિકારીની કાર આંતરી રેતી ચોરી કરતા તત્ત્વોએ લોડરના બકેટથી કાર કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો.
  • ધોરાજીના સુપેડીમાં મોડી રાત્રે રેતી ચોરી પકડવા ગયેલી ખાણખનીજ વિભાગની ટીમ પર ખનીજમાફિયાઓનો હુમલો
  • રાજકીય ઓથ ધરાવતા ખનીજમાફિયાએ એક સાગરીતને કહ્યું, ‘હિટાચીનું બકેટ માર તેને જીવતો નથી જાવા દેવો’

રાજકીય ઓથ અને અધિકારીઓની મીઠી નજરને કારણે રાજકોટમાં ખનીજ માફિયાઓ એટલા બેફામ બની ગયા છે કે ખનીજચોરી અટકાવતા સરકારી સ્ટાફ પર હુમલો કરી રહ્યા છે. ધોરાજીના સુપેડી ગામે ભાદર પુલ વિસ્તારમાં નદીમાંથી રેતીચોરી કરતા ખનીજચોરોને ખાણખનીજ વિભાગના રોયલ્ટી ઈન્સ્પેક્ટર સંજય બારૈયા પર પાઈપ મારી, જમીન પર પાડી દઈ ‘હિટાચીનું બકેટ માર જીવતો નથી જાવા દેવો’ તેવી ધમકી આપી એટલું જ નહીં લોડરની સામે કાર રાખનાર કર્મચારી પ્રતાપ મકવાણાના માથા પર લોડરનું બકેટ રાખી તેને પાછળ હટાડી કારને કચડવાનો પ્રયાસ કર્યો.

આ સમગ્ર ઘટના બાદ પોલીસ અને મામલતદાર આવી જતા ખનીજચોરો ભાગ્યા અને બે લોડર અને એક ડમ્પર કબજે થયું છે. આ મામલે ખનીજચોરીના કેસ ઉપરાંત હુમલા અને ફરજ રુકાવટની પોલીસ ફરિયાદ કરાશે તેવું ભૂસ્તરશાસ્ત્રી જગદીશસિંહ વાઢેરે કહ્યું છે.

સંજય બારૈયા ના જણવ્યા અનુસાર: ધોરાજીના સુપેડી અને ભૂખી ગામ વચ્ચે નદીમાં રેતીચોરી થતી હોવાની ફરિયાદ મળતા રાત્રીના 1.30 વાગ્યે સ્થળ પર પહોંચ્યા હતા. ખનીજચોરોએ ત્યાં જવાનો રસ્તો ખોદી કેનાલ બનાવી નાખી હતી અને તેનાથી 50 ફૂટ દૂર જ રેતી કાઢી રહ્યા હતા. ફરીને જઈએ ત્યાં સુધીમાં ભાગી જાય એટલે હું અને કેસરીસિંહ નદીમાં તરીને સામે ગયા અને બીજો સ્ટાફ બીજી તરફથી આવે તે માટે રવાના કર્યો. નદીમાં કેસરીસિંહ બાવળમાં ફસાઈ ગયા જ્યારે હું તરીને સામે કાંઠે પહોંચ્યો. એક લોડર રેતી કાઢી રહ્યું હતું જ્યારે બીજું રેતી ભરીને ડમ્પરમાં નાખી રહ્યું હતું. મેં ભાગીને ડમ્પર અને લોડરની ચાવી કાઢી લીધી બીજા લોડર પર પહોંચું ત્યાં ત્રણ લોકો આડા ઊભા રહ્યા. એક પાસે પાઈપ હતો તેણે હુમલો કર્યો પણ હું સાઈડમાં જતા બચી ગયો.​​​​​​​ તેને ફરી બીજો ઘા ઉગામ્યો અને ગોઠણ પર મારવા ગયો મેં પગ ઊંચો કરતા તળિયાના ભાગે પાઈપ વાગ્યો. તુરંત જ તેને બથમાં લઈ જમીનમાં પાડી દીધો બીજા લોકોએ મને ધક્કો માર્યો આગળ આવ્યો એટલે ફરી પાડી દીધો એક શખ્સે મને દબાવી રાખ્યો અને કહ્યું કે, હિટાચીનું બકેટ માર જીવતો નથી રાખવો હું ભલે તેની સાથે મરી જાઉં. આ દરમિયાન સ્ટાફ પહોંચ્યો અને દૂરથી બીજા વાહનો પણ આવતા તે ત્રણેય ભાગી ગયા. થોડી થોડી વારે બાઈક અને કાર લઈને 10થી વધુ લોકોનું ધાડિયું આવ જા કરતું હતું પણ અમે ત્રણેય વાહનો સીઝ કરી દીધા છે.

કાર આડી રાખી તો હિટાચીના ડ્રાઈવરે બકેટ મારવાનો પ્રયાસ કર્યો
બારૈયાભાઈ તરીને સામેની તરફ ગયા એટલે અમે બીજા રસ્તે આગળ વધ્યા ત્યાં એક હિટાચી સામેથી આવ્યું એટલે કાર ત્યાં લઈ જઈ રસ્તો બંધ કરી દીધો. મેં કારની બહાર નીકળી ડ્રાઈવરને નીચે ઉતરવા કહ્યું તો તેણે જવા દેવાનું કહ્યું. નીચે ન ઉતર્યો એટલે હું હિટાચી તરફ ગયો તો તેણે મારી ઉપર બકેટ લાવી મારવાનો પ્રયાસ કર્યો અને પછી કાર કચડી નાખવાની તૈયારી કરી. મેં તુરંત જ પોલીસ અને પ્રાંત અધિકારીને ફોન કર્યો એટલે પોલીસનું નામ સાંભળી જ તે લોડરના પાછળના ભાગે જઈ ભાગી ગયો. - પ્રતાપ મકવાણા, માઈનિંગ સુપરવાઈઝર

કુવાડવા પોલીસમાં હજુ અરજી ધૂળ ખાય છે
રાજકોટમાં ભૂસ્તરશાસ્ત્રી તરીકેનો ચાર્જ સંભાળનાર પૂર્વ અધિકારી જે. એચ. વાયેડાએ ખનીજમાફિયાઓને છાવરવામાં કચાશ રાખી ન હતી. આ કારણે માફિયાઓ બેફામ બન્યા હતા. વિભાગના કર્મચારીઓના સતત પીછા કરવામાં આવે છે તે ખબર હોવા છતાં અધિકારીએ કોઇ પગલાં લીધા ન હતા અને એક વખત તો સ્ટાફની કારને ટક્કર મારીને પુલ પરથી ઉતારી દેવાનો પ્રયાસ ખનીજમાફિયાએ કર્યો હતો.

આ મામલે પણ અધિકારીએ કશું કર્યુ નહિ અને માત્ર અરજી કરી દેવાની સલાહ આપી હતી. કુવાડવા પોલીસ સ્ટેશનમાં આ મામલાની અરજી હજુ પણ ધૂળ ખાય રહી છે. તંત્રની આવી જ નાલેશીને કારણે ખનીજચોરો ફાવી ગયા છે. રેતીચોરો સાથે અમુક પોલીસની સાંઠગાંઠની પણ શંકા સેવાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...