તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર એક્સપોઝ:કોવિડ હોસ્પિટલમાં કટકે-કટકે અઢી કરોડની ખરીદી કરી હળવે-હળવે આચરાયું કૌભાંડ

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
રાજકોટ સિવિલ હોસ્પિટલ - ફાઇલ તસવીર - Divya Bhaskar
રાજકોટ સિવિલ હોસ્પિટલ - ફાઇલ તસવીર
  • ટૂંકાગાળામાં ખરીદી કરવાનો લાભ ઊઠાવી પંખા, ડસ્ટબિન સહિતની વસ્તુ નિશ્ચિત 3 પેઢી પાસેથી લીધી
  • અનેક ખરીદીમાં પરચેઝ કમિટીની મંજૂરી પણ લેવામાં આવી નહીં, એક અધિકારીનું તગડું કમિશન

શહેરમાં કોરોનાના કેસ વધતાં માર્ચ મહિનામાં સિવિલ કોવિડ હોસ્પિટલનો ધમધમાટ શરૂ થયો હતો. મહામારીને પહોંચી વળવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકારે જરૂરી તમામ ગ્રાન્ટ પૂરી પાડી હતી, મહામારીને તક સમજીને અને તાત્કાલિક હોસ્પિટલ શરૂ કરવાની વાતને મોકો સમજી હોસ્પિટલના કેટલાક અધિકારીઓએ પોતાના મળતિયાઓની પેઢી પાસેથી 2.50 કરોડની ગેરકાયદે ખરીદી કરી તોતિંગ કમિશન તારવી લીધું હતું, આ અધિકારીએ કેટલાક ખર્ચામાં તો પરચેઝ કમિટીની મંજૂરી પણ લીધી નહોતી અને આ અંગે તપાસ કરવામાં આવે તો મસમોટા કૌભાંડનો પર્દાફાશ થઇ શકે.

18 માર્ચે કોરોનાનો પ્રથમ કેસ આવ્યા બાદ દિનપ્રતિદિન કેસમાં વધારો થવા લાગ્યો હતો અને એક તબક્કે સિવિલની કોવિડ હોસ્પિટલ દર્દીઓથી ફૂલ થઇ ગઇ હતી. તાત્કાલિક હોસ્પિટલ શરૂ કરવા માટે અને દર્દીઓને પૂરતી સગવડ અને સારવાર મળી રહે તે માટે અનેક ખરીદીઓ જરૂરી હતી, આ ખરીદી યોગ્ય રીતે કરવાની હતી પરંતુ જેની પાસે ખરીદીનો પાવર હતો તે અધિકારીએ આ મહામારીને તક સમજી હતી અને ખરીદીનો ખેલ શરૂ કર્યો હતો. શરૂઆતમાં ઇલેક્ટ્રિક વસ્તુઓ, લીનન, સ્ટેશનરી, ડસ્ટબિન, કમ્પ્યુટર અને પંખાની જરૂરિયાત હતી તે ખરીદીનો દોર શરૂ કરી દેવામાં આવ્યો હતો. સરકારના નિયમ મુજબ ખરીદી જેમ મારફત કરવાની હતી, આ લાંચીયા અધિકારીએ એ પોર્ટલનો પણ લાભ ઉઠાવ્યો હતો, ઇલેક્ટ્રિક વસ્તુઓ, લીનન, સ્ટેશનરી, ડસ્ટબીન, વોટર જગ અને પંખાની ખરીદી માટે એ પોર્ટલમાં જઇ તેમા દર્શાવેલી પેઢી સાથે અગાઉથી જ સાંઠગાંઠ કરી તે પેઢીને જ ખરીદીના ઓર્ડર આપ્યા હતા.

નિયમાનુસાર 25 હજારથી વધુની ખરીદી કરવાની હોય ત્યારે ડિસ્ટ્રિક્ટ લેવલ પરચેઝ કમિટીની મંજૂરી લેવાની હતી પરંતુ અનેક ખરીદીમાં તેની મંજૂરી પણ લેવામાં આવી નહોતી અને કોવિડની મહામારીમાં 2.50 કરોડથી વધુની ખરીદી કરી લેવામાં આવી હતી અને આ ખરીદી લાંચિયા અધિકારીની માનતી ત્રણ એજન્સી પાસેથી જ કરવામાં આવી હતી. હોસ્પિટલ સૂત્રોએ જણાવ્યું હતું કે, 40 થી વધુ કમ્પ્યુટરની ખરીદી કરવામાં આવી હતી, ખરીદી વખતે જે કંપનીના કમ્પ્યુટર દર્શાવવામાં આવ્યા હતા તેના બદલે અન્ય કંપનીના કમ્પ્યુટર હોસ્પિટલને ધાબડી દેવામાં આવ્યા હતા અને તેને માન્ય પણ રાખવામાં આવ્યા હતા. જે અધિકારીને ખરીદીની સત્તા હતી તે અધિકારીને 10 ટકા કમિશન મળતું હોવાની વાત હોસ્પિટલ કર્મચારીઓમાં જોરશોરથી ચર્ચાઇ રહી છે, તેમજ નિશ્ચિત ત્રણ પેઢી પાસેથી જ શા માટે ખરીદી કરવામાં આવી?, ડીએલપીસીની મંજૂરી વગર કેટલીક ખરીદી શા માટે કરવામાં આવી?, આ સહિતના મુદ્દે તપાસ કરવામાં આવે તો મસમોટું આર્થિક કૌભાંડ બહાર આવવાના એંધાણ વર્તાઇ રહ્યા છે.

બિલમાં વાંધો હશે તો બિલ અટકાવશું: સિવિલ સર્જન
ઇન્ચાર્જ સિવિલ સર્જન ડો.આર.એસ.ત્રિવેદીએ જણાવ્યું હતું કે, કોવિડના તમામ બિલ નિયમાનુસાર જ પાસ થશે, હાલમાં પૂરતી ગ્રાન્ટ નથી અને અનેક બિલ અટવાયા છે, જ્યારે બિલ પાસ કરવાના થશે ત્યારે તે ડિસ્ટ્રીક્ટ લેવલ પરચેઝ કમિટી સમક્ષ તેની સમીક્ષા કરવામાં આવશે અને તેમાં કોઇ વાંધો ઉઠશે તો તે બિલ અટકાવી પૂરતી તપાસ કરવામાં આવશે, કમ્પ્યુટરની ખરીદીમાં નક્કી થયેલા કંપનીના કમ્પ્યુટરને બદલે અન્ય કંપનીના કમ્પ્યુટર ધાબડી દેવાની વાતથી પોતે અજાણ હોય આ અંગે તપાસ કરવાની તેમણે ખાતરી આપી હતી. નિયમાનુસાર 25 હજારથી વધુની ખરીદી કરવાની હોય ત્યારે ડિસ્ટ્રિક્ટ લેવલ પરચેઝ કમિટીની મંજૂરી લેવાની હતી પરંતુ અનેક ખરીદીમાં તેની મંજૂરી પણ લેવામાં આવી નહોતી. જો તપાસ હાથ ધરવામાં આવે તો અનેક લોકોના નામ ખુલશે તેવી શકયતા જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...