ભેદ ઉકેલાયો:6 મહિના પહેલા ધ્રોલ પાસે યુવાન પર ફાયરિંગ કરી હત્યા કરનાર બે શખ્સો ઝડપાયા, ઘટના CCTVમાં કેદ થઈ હતી

રાજકોટએક વર્ષ પહેલા
ધ્રોલ પાસે યુવાનની થયેલી હત્યાની ઘટના CCTVમાં કેદ થઈ હતી - Divya Bhaskar
ધ્રોલ પાસે યુવાનની થયેલી હત્યાની ઘટના CCTVમાં કેદ થઈ હતી
  • 6 માર્ચના રોજ ધ્રોલના ત્રિકોણબાગ પાસે યુવાનની રસ્તા પર ફાયરિંગ કરી હત્યા કરાઈ હતી

ધ્રોલના ત્રિકોણબાગ પાસે છ મહિના પહેલા 6 માર્ચના રોજ ધ્રોલના દિવ્યરાજસિંહ જાડેજા પર બે શખ્સોએ ફાયરિંગ કરી હત્યા કરી હતી. આ બે શખ્સોની પોલીસ ધરપકડ કરી છે. અગાઉ ચાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યા હતા. ત્યારે હત્યામાં સંડોવાયેલા ઓમદેવસિંહ ગણપતસિંહ જાડેજા અને તેનો સાગરીત નરેન્દ્રસિંહ કાળુભા જાડેજાએ ફાયરિંગ કરી દિવ્યરાજસિંહની હત્યા કરી ફરાર થઈ ગયા હતા. આ બંને ચોટીલાથી જસદણ તરફ જતા હતા ત્યારે રેન્જ પોલીસના અધિકારીઓ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. હત્યાનો બનાવ CCTVમાં પણ કેદ થયો હતો.

દિવ્યરાજસિંહ અને અનિરૂદ્ધસિંહ વચ્ચે માથાકૂટ થઈ હતી
પોલીસે અગાઉ અનિરૂદ્ધસિંહ સોઢા, અજીત વીરપાલસિંગ ઠાકુર, મુસ્તાર પઠાણઅને અખિલેશ ઠાકુરની ધરપકડ કરી હતી. દિવ્યરાજસિંહની હત્યા થઈ તે પહેલા અનિરૂદ્ધસિંહ સાથે ટોલનાકા પાસે માથાકૂટ થઈ હતી. આથી અનિરૂદ્ધસિંહે પોતાના સાગરીતોની મદદથી દિવ્યરાજસિંહની જાહેર રસ્તા પર ગોળી મારી હત્યા કરી હતી. હાલ પોલીસે હત્યામાં સંડોવાયેલા ઓમદેવસિંહ અને નરેન્દ્રસિંહની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. હજી એક આરોપી રોહિતસિંહ ઠાકુરની શોધખોળ હાથ ધરી હતી.

ઓમદેવસિંહ અને દિવ્યરાજસિંહ વચ્ચે પણ પ્લોટને લઈ વિવાદ ચાલતો
આરોપી અનિરૂદ્ધસિંહ સોઢા પડધરી ટોલનાકાનો સિક્યુરિટી કોન્ટ્રાક્ટર છે. એક વર્ષ પહેલા મૃતક દિવ્યરાજસિંહ જાડેજાએ અનિરૂદ્ધસિંહ સોઢાને ટોલનાકે તેમના ગ્રુપના વાહનોનો ટોલટેક્સ ન ઉઘવાવવા બાબતે બોલાચાલી થઈ હતી. ત્યારથી બંને વચ્ચે આ અદાવત ચાલુ હતી. તેમજ ઓમદેવસિંહ અને દિવ્યરાજસિંહને જમીનના પ્લોટના 50 લાખની લેતીદેતીનો વિવાદ ચાલતો હતો. જેને કારણે ઓમદેવસિંહ અને અનિરૂદ્ધસિંહે સાથે મળી દિવ્યરાજસિંહની હત્યા કરી હતી.

રાજકોટ રેન્જમાં નાસતા ફરતા 35 પૈકી 11 આરોપીની ધરપકડ
રાજકોટ રેન્જમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં પેરોલ જમ્પ કરી નાસતા ફરતા આરોપીઓને પકડવામાં આવી રહ્યા છે. આવા 35 જેટલા ફરાર આરોપી પૈકી 11 આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે. 11માંથી 9 આરોપી ગંભીર ગુનામાં નાસતા ફરતા હતા અને તેમની ધરપકડ કરવામાં આવી છે.