જન્મ પણ સાથે મૃત્યુ પણ સાથે:ઉપલેટામાં કારે ટ્રિપલ સવારી બાઇકને અડફેટે લેતાં જોડિયા ભાઈનાં મોત, માતા હયાત નથી, પિતા માનસિક દિવ્યાંગ

રાજકોટ11 દિવસ પહેલા
  • જામજોધપુરના ગોપથી તરસાઈ ગામે રાત્રે ઢોલ વગાડવા જતા હતા
  • ઉપલેટાના ગણોદ-વાડાસડા વચ્‍ચે પાછળથી આવતી કારે ટક્કર મારી

ઉપલેટાના ગણોદ અને વાડાસડા ગામે ગત મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત થયો હતો, જેમાં કારે ટ્રિપલ સવારી બાઇકને અડફેટે લેતાં જોડિયા ભાઈના કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં, જ્યારે એકને ગંભીર ઇજા પહોંચતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. જોડિયા ભાઈ મહેશ ચૌહાણ, મનોજ ચૌહાણ અને તેની સાથેનો યુવાન જામજોધપુરના ગોપ ગામેથી તરસાઇ ગામે ઢોલ વગાડવા જઇ રહ્યા હતા. ત્યારે ગણોદ-વાડાસડા ગામે અકસ્માત નડ્યો હતો. મૃતક જોડિયા ભાઈને માતા હયાત નથી અને પિતા માનસિક દિવ્યાંગ છે. માની કૂખેથી જન્મ સાથે લેનારા જોડિયા ભાઈએ દુનિયાને પણ સાથે અલવિદા કરતાં પરિવાર આઘાતમાં સરી પડ્યો છે.

કારચાલકે પાછળથી બાઈકને ટક્કર મારી
પ્રાપ્ત વિગત મુજબ, જોડિયા ભાઈ મહેશ મનજી ચૌહાણ(ઉં. વ.25 ), મનોજ ધનજી ચૌહાણ (ઉં.વ.25 ) અને નગીન લાલજી ઢાંકેચા ટ્રિપલ સવારી બાઇકમાં કાલે રાત્રે જામજોધપુર તાલુકાના ગોપથી તરસાઈ મુકામે ઢોલ વગાડવા જતા હતા. ત્‍યારે રસ્‍તામાં ઉપલેટાના ગણોદ અને વાડાસડા વચ્‍ચે પાછળથી આવતી કારના ડ્રાઈવરે જોરદાર ટક્કર મારતાં ત્રણેય બાઇક પરથી ફંગોળાઈને રોડ પર પટકાયા હતા, જેમાં મનોજ અને મહેશનાં ઘટનાસ્‍થળે જ મોત નીપજ્યં હતાં, જ્‍યારે નગીનને ગંભીર ઈજા પહોંચતાં ઉપલેટા કોટેજ હોસ્‍પિટલે સારવાર માટે ખસેડાયો હતો.

એક યુવાનને ગંભીર ઇજા પહોંચતાં સારવાર માટે ઉપલેટા હોસ્પિટલમાં ખસેડાયો.
એક યુવાનને ગંભીર ઇજા પહોંચતાં સારવાર માટે ઉપલેટા હોસ્પિટલમાં ખસેડાયો.

બંને ભાઈઓ અપરિણીત હતા
જામજોધપુરના ગોપથી તરસાઈ ઢોલ વગાડવા જતા સફાઈ કામદાર સમાજના જોડિયા ભાઇઓના અકસ્‍માતમાં મોત થતાં અરેરાટી વ્‍યાપી ગઈ છે. બન્ને જોડિયા ભાઈઓનો જન્‍મ પણ સાથે અને મરણ પણ સાથે થતાં પરિવારમાં ઘેરો શોક છવાઈ ગયો છે. આ બનાવની જાણ થતા ઉપલેટા વાલ્મીકિ સમાજના આગેવાનો ઉપલેટાની સરકારી હોસ્‍પિટલ પહોંચી ગયા હતા. મૃતક બન્ને ભાઈ અપરિણીત હતા. બંને ભાઈની માતા હયાત નથી જ્‍યારે પિતા માનસિક રીતે દિવ્‍યાંગ છે. ઘટનાની જાણ થતાં ઉપલેટા પોલીસ દોડી જઈ વધુ તપાસ હાથ ધરી છે.

ઘટનાને પગલે લોકોનાં ટોળા એકત્ર થઈ ગયાં હતાં.
ઘટનાને પગલે લોકોનાં ટોળા એકત્ર થઈ ગયાં હતાં.

17 દિવસ પહેલાં વીરનગર ગામે અકસ્માતમાં 2 યુવાનનાં મોત થયાં હતાં
17 દિવસ પહેલાં જસદણના વીરનગર પાસે ફોર વ્હીલરચાલકે એક્ટિવાચાલકને એડફેટે લીધો હતો, જેમાં એક્ટિવાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. એક્ટિવામાં સવાર બે યુવક જેનિશ હરેશભાઈ બરવાળિયા અને કેનિલ હિતેશભાઈ પરસાણાનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. આ ઘટનાની જાણ થતાં જ પોલીસકાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને આગળની તપાસ હાથ ધરી હતી. મૃતક જેનિશ પરિવારમાં એકનો એક પુત્ર હતો અને હજુ બે મહિના પહેલાં જ તેના લગ્ન થયા હતા.

કારે બાઇકને પાછળથી ટક્કર મારી હતી.
કારે બાઇકને પાછળથી ટક્કર મારી હતી.