યાર્ડની ચૂંટણીમાં વર્તમાન ચેરમેન ડી.કે.સખિયા અને ધારાસભ્ય અરવિંદ રૈયાણીનું જૂથ સામસામે છે. જોકે ચૂંટણી કે વિવાદ ન થાય અને સમાધાનના આધાર પર સત્તાધીશો નક્કી થાય તે માટેના પ્રયાસો ચાલી રહ્યા છે. આ પરિસ્થિતિ વચ્ચે ડી.કે.સખિયાના હરીફ જૂથ મનાતા અરવિંદ રૈયાણીના જૂથને ઝટકો લાગ્યો છે. હરીફ જૂથે રજૂ કરેલી 7 વાંધા અરજીમાંથી 5 વાંધા અરજી ફગાવી દેવામાં આવી છે. જ્યારે 2 જ અરજી ગ્રાહ્ય રાખવામાં આવી છે.
ખેડૂત વિભાગમાં લોધિકાની ખેડૂત સેવા મંડળી અને પડધરી તાલુકાની કિસાન સેવા બોડી ઘોડીની મંડળી સામે જે વાંધા અરજી રજૂ કરવામાં આવી તે ગ્રાહ્ય રાખવામાં આવી છે. તપાસમાં માલૂમ પડ્યું હતું કે, મંડળી ખેડૂતોને અપાતા ધિરાણમાં નાબાર્ડના નિયમોનું પાલન કરતી નથી. મંડળી સામે ભાજપના આગેવાન મુકેશભાઇ કમાણીએ વાંધા ઉઠાવ્યા હતા.
જ્યારે બાબુ નસીત અને કોર્પોરેટર પરેશ પીપળિયાએ 5 મંડળી સામે વાંધો ઉઠાવ્યો હતો. જેમાં રાજકોટ તાલુકા ભાજપ પ્રમુખ અને સહકારી પ્રોસેસિંગ અને માર્કેટિંગ મંડળીના ડિરેક્ટર બાબુ નસીતે સહકારી લોધિકા તાલુકા સહકારી પ્રોસેસિંગ અને માર્કેટિંગ મંડળી લિ. અને રાજકોટ તાલુકા વેજિટેબલ એન્ડ ફ્રૂટ સહકારી સંઘ લિમિટેડ તેમજ ન્યારા કોટન મંડળી અને પરેશ પીપળિયાએ પીપરળીની જય સરદાર મંડળી સામે વાંધા અરજી ઉઠાવી હતી. તેની તપાસ કરતા જાણવા મળ્યું કે, કેટલાકમાં આધાર પુરાવા રજૂ નહોતા થયા, તો કેટલીક મંડળીના દસ્તાવેજોની તપાસ કરતા તે યોગ્ય હોવાનું માલૂમ પડ્યું હતું. વાંધા અરજીના હિયરિંગ બાદ મતદાર યાદીની પુન: પ્રસિદ્ધિ કરી દેવામાં આવી છે.
શાસક જૂથનું પલડું ભારે રહેવાની પ્રબળ સંભાવના
યાર્ડની ચૂંટણીમાં શાસક જૂથે એક પણ વાંધા અરજી રજૂ નહિ કરતા પક્ષમાં તેનું પલડું ભારે રહ્યું છે. હરીફ જૂથે 7 વાંધા અરજી કરતા પક્ષમાં આ અંગે ગણગણાટ હતો. તેમાં 5 વાંધા અરજી ફગાવી દેતા હવે શાસક જૂથ માટે જીતના દરવાજા વધુ ખૂલી ગયા હોવાનું યાર્ડમાં અને સહકારી જગતના રાજકારણમાં ચર્ચાઈ રહ્યું છે. આ સિવાય એવી પણ ચર્ચા છે કે 5 વાંધા અરજી ફગાવી દેવામાં આવતા યાર્ડની ચૂંટણીમાં સહકારથી જ સત્તા એટલે કે સમાધાન થશે. જો કે અરવિંદ રૈયાણી જૂથની 5 અરજી ફગાવી દેતા પરિણામ તેના પક્ષમાં જ આવે તેવી પ્રબળ સંભાવના વર્તાઈ રહી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.