ખતરો:બાળ અપરાધ વધવા પાછળ ટી.વી-મોબાઈલ, એકલતા, માતા-પિતાની લાપરવાહી અને પોર્ન સાઈટ જવાબદાર

રાજકોટ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 12 વર્ષના કિશોરોએ સામૂહિક દુષ્કર્મ આચર્યાની ઘટનાને લઈને સાયકોલોજી ડિપાર્ટમેન્ટના અધ્યક્ષ ડૉ. જોગસણે વર્ણવ્યાં બાળમાનસનાં કારણો-તારણો

રાજકોટમાં તાજેતરમાં જ 12 વર્ષના કિશોરોએ 13 વર્ષની કિશોરી ઉપર સામૂહિક દુષ્કર્મ આચર્યાની ઘટનાને લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સાયકોલોજી ડિપાર્ટમેન્ટના વડા ડૉ. યોગેશ જોગસણે બાળમાનસ ઉપર એવા ક્યાં પરિબળો અસર કરે છે જેના કારણે બાળમાનસ આ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ તરફ વળે છે તેના કારણો અને તારણો વર્ણવ્યા હતા.

12 વર્ષના કિશોરોએ 13 વર્ષની કિશોરી પર બળાત્કારની ચેષ્ઠા કરી. સાંભળીને આઘાત સાથે હજારો સવાલ ઊભા થાય કે એ ઉંમર જ્યાં બાળક હજુ પરિપક્વ બન્યું નથી. જ્યાં હજુ તેના શરીર, તેના આવેગો, લાગણીઓને સમજી નથી શક્યું, જ્યાં હજુ તેની રમવાની ઉંમર છે, ત્યાં એ ક્યાં રસ્તે જઈને ઊભું રહે છે? એક હિચકારી કૃત્ય એ કરી રહ્યું છે જેની અસર, જેના પડઘા વિશે પણ એને ખબર હશે? આવા વિચારો અને પ્રશ્નો એ સામાજિક વ્યવસ્થા, કૌટુંબિક વ્યવસ્થા પર થાય.

કારણ : શા માટે તરુણ બળાત્કાર જેવા કૃત્ય તરફ આગળ વધે છે?
ડૉ. જોગસણ જણાવે છે કે મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ કરીએ તો માતાપિતાની તેમના બાળક પ્રત્યેની બેદરકારીને લીધે બાળક જાતીય શોષણનો શિકાર છે. તણાવયુક્ત સંબંધો, એક ભગ્ન કુટુંબ, મોબાઇલ ફોન, કમ્પ્યુટર, ઇન્ટરનેટના ઉપયોગમાં સરળતા, અશ્લિલતા, માતાપિતા વચ્ચે પરસ્પરની તકરાર અને ઝઘડાઓ બાળકોને ખોટી દિશામાં જવા માટે પ્રેરિત કરે છે. માતા-પિતા દ્વારા અપમાનિત થવું, ત્રાસદાયક પારિવારિક સંજોગો, માનસિક કારણો, સમુદાયનાં કારણો, સિનેમા અને અશ્લીલતા, માદક દ્રવ્યો, અસામાજિક સાથીઓની મિત્રતા, હથિયારોની સરળ ઉપલબ્ધતા, પારિવારિક હિંસા, બાળક જાતીય શોષણ વગેરે પણ લોકોને ગુના કરવા માટે પ્રેરિત કરવા માટેના ઘણા મોટા કારણો છે.

આ ઉપરાંત પોર્ન સાઇટ પણ આ બધી બાબતો માટે ખૂબ જવાબદાર છે. માતા પિતાએ આપેલ વધુ સગવડો હવે બાળક ને ક્યાંય અવળે માર્ગે લઈ જાય છે. વ્યક્તિ પૈસા કમાવાની દોટમાં એટલા વ્યસ્ત થઈ ગયા છે કે લોકો તેમના બાળકોને બાળપણમાં યોગ્ય સમય આપી શકતા નથી.

તારણ : બાળક માટે આટલી બાબત ધ્યાનમાં લેવી પડશે
મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો બાળકનું મન એ કોરી પાટી જેવું છે. જે આપણે લખીએ એની એક અમીટ છાપ એ બાળ માનસ પર રહેતી હોય છે. કિશોર કે બાળ અપરાધને અટકાવવા માટે બાળકોની સારી સંભાળ લેવી, તેમના વર્તનમાં થતા પરિવર્તનની નોંધ રાખવી, તેના વર્તનમાં જો કઈ પરિવર્તન આવે તો તેના મૂળ સુધી પહોંચવું એ દરેક માતાપિતાની જવાબદારી છે. જો બાળકની વારંવાર શાળાએથી ફરિયાદ આવે છે તો ચેતવું જરૂરી છે. તેના મિત્રો કેવા છે તેના વિશે પણ માહિતી રાખો.

બાળકો ખોટા મિત્રો સાથે બેસતા હોય, કોઈ પણ એક કાર્ય પર ધ્યાન કેન્દ્રિત ન કરતા હોય, લોટરિંગ, મોબાઈલ અને ઇન્ટરનેટ પર હંમેશા વળગી રહેતા હોય તો આ બધા લક્ષણો જોયા પછી, તે સમજવું જોઈએ કે બાળકની વર્તણૂક બદલાવાની શરૂઆત થઈ છે. બાળકોનું મન ખુબ નરમ છે, તેથી તેમને જરૂર છે તમારી હૂંફ અને લાગણીની, ઘરમાં બીભત્સ શબ્દો ટાળવા, માતા પિતાએ બાળકની સામે અમુક વર્તન જેમ કે પતિ પત્ની તરીકેનું અમુક વર્તન કરતા વિચારવું. અતિશય લાડ અને પ્રેમ પણ બાળક ને બગાડે છે એ યાદ રાખવું.

અન્ય સમાચારો પણ છે...