ડિમોલિશન:રાજકોટના હિરાસર એરપોર્ટ પાસે 3 મકાન પર બૂલડોઝર ફર્યુ, અસરગ્રસ્તે કહ્યું ચોમાસુ માથે છે, અમારે બાળકો સાથે ક્યાં રહેવું?

રાજકોટ8 મહિનો પહેલા
ત્રણ મકાનનું ડિમોલિશન કરાયું.
  • અધિકારીઓ સાથે ચર્ચા કરી નિર્ણય બાદ અસરગ્રસ્તોને પ્લોટ આપવામાં આવશે

રાજકોટ જિલ્લાનું હિરાસર ગામે આજે ત્રણ મકાનનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. હિરાસરના સામતભાઈ મોહનભાઈ સોલંકી, બચુભાઈ નરસિંહભાઈ મોરવાડિયા અને ભગાભાઈ બચુભાઈ મોરવાડિયા ત્રણેયના મકાન તોડી પાડવામાં આવ્યા હતા. હિરાસર ગ્રીન ફિલ્ડ એરપોર્ટનું કામ ચાલી રહ્યું છે ત્યારે એરપોર્ટ અધિકારીઓ, મામલતદાર, એરપોર્ટ પોલીસ અને સરકારી અધિકારીઓ હાજર રહ્યા હતા. આ તકે અસરગ્રસ્તે કહ્યું હતું કે, ચોમાસુ માથે છે, અમારે બાળકો સાથે ક્યાં રહેવું?

સરકાર રહેવા માટેની વ્યવસ્થા કરી આપે-મકાન માલિક
ત્રણેય મકાન જેસીબી દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા. હિરાસર ગામના સરપંચ ખીમાભાઈ ભલગામડિયાએ જણાવ્યું હતું કે, મકાન માલિકે જણાવ્યું હતું કે, મકાન તો ભલે તોડી નાખ્યા પણ ચોમાસુ બેસી ગયુ હોય ત્યારે અમારા સંતાનો અને અમારે ક્યાં રહેવું તેવી વ્યથા ઠાલવી હતી. સરકારી અધિકારીઓ રહેવા માટેનો કોઈ રસ્તા કરો.

મામલતદારે કહ્યું પાચ-છ મહિના રોડની બાજુમાં વ્યવસ્થા કરો
આ અંગે મામલતદારને વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, અત્યારે પાંચ-છ મહિના રોડની બાજુમાં રહેવાની સગવડ કરી નાખો. હું અધિકારીઓ સાથે ચર્ચા કરી નિર્ણય બાદ આ લોકોને પ્લોટ આપવામાં આવશે. એરપોર્ટ અધિકારી અને મામલતદારે મકાન માલિકોને આશ્વાસન આપ્યું હતું.

હીરાસર એરપોર્ટની કામગીરી ચાર ફેઝમાં કરવામાં આવી રહી છે
આ ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટ 2481 એકરની વિશાળ જગ્યામાંથી 1000 એકરમાં તૈયાર થવાનું છે અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ 2022 સુધીમાં કાર્યરત કરવા નિર્ધાર કર્યો છે. આ લક્ષ્ય ઝડપથી હાંસલ કરવા માટે રાજકોટ જિલ્લા વહીવટી તંત્રને અલગ અલગ વિભાગો સાથે સંકલન કરવાની જવાબદારી રાજ્ય સરકારે સોંપી છે. આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હાલ ફેઝ-1માં છે અને જેમ જેમ જરૂરિયાત વધશે તેમ એરપોર્ટનું વિસ્તરણ કરાશે અને આ વિસ્તરણ માટે કુલ 4 ફેઝ વિચારવામાં આવ્યા છે. અત્યારે અમદાવાદમાં જે ઇન્ટરનેશનલ એરપોર્ટ છે તેની સમકક્ષ રાજકોટમાં ફેઝ-1માં જ બની જશે.

ગ્રીનફિલ્ડ એરપોર્ટ એટલે શું?
રાજ્યના પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ એટલે એવી જગ્યા કે જ્યાં ઈન્ટરનેશનલ એરપોર્ટનું પાયાથી બાંધકામ શરૂ થતું હોય, કોઇ હયાત એરપોર્ટ કે માળખામાં બદલાવ કે અપગ્રેડ ન કરાયું હોય. હીરાસરમાં માત્ર જમીન જ છે અને સાવ પાયાથી બાંધકામ શરૂ થયું છે. આ એરપોર્ટ પર એક જ કલાકમાં 14 ફ્લાઈટ ઉડાન ભરી શકશે તેમજ પ્લેન લેન્ડ થાય એની 2 જ મિનિટમાં રન-વે ખાલી થઇ જશે.

વિશ્વનું સૌથી મોટું પેસેન્જર એરક્રાફ્ટ બોઈંગ 737 આસાનીથી લેન્ડ થઈ શકશે
વિશ્વનું સૌથી મોટું પેસેન્જર એરક્રાફ્ટ બોઈંગ 737ને માનવામાં આવે છે અને એ સરળતાથી રાજકોટ એરપોર્ટ પર લેન્ડ કરી શકશે. એક જ કલાકમાં 14 એરક્રાફ્ટ ઉડાન ભરી શકશે અને જે ફ્લાઈટ લેન્ડ થાય ત્યારે માત્ર બે મિનિટમાં રન-વે ખાલી કરી શકે એ માટે પેરેલલ ટેક્સી-ટ્રેક બનાવાયો છે. આ એરપોર્ટ પ્રથમ ફેઝમાં જ અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટની આગળ નીકળી જશે. દરેક ફેઝ માટે 10 વર્ષનો સમયગાળો નક્કી કરાયો છે. ત્યાર બાદ ઓથોરિટીની બેઠક મળશે અને ત્યારની સ્થિતિએ ટ્રાફિક કેવો અને શું જરૂરિયાત છે એ મુજબ એક્સપાન્સન કરવું કે નહિ એનો નિર્ણય લેવાશે. 2030 પછી જો પેસેન્જરની સંખ્યા વધી તો તરત ફેઝ-2 માટે વિચારાશે. આ રીતે આગામી 30 વર્ષનું આયોજન થઈ ગયું છે.

કુદરતી પ્રવાહમાં વિક્ષેપ ન પડે એ માટે નદીની ઉપર રન-વે બનશે
પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે જણાવ્યું હતું કે રન-વેના અંત પર પાણીનો કુદરતી પ્રવાહ છે અને એક નાની નદી અને ડેમ છે. જો આ નદીને પૂરી દેવામાં આવે તો પાણી ભરાવાની સમસ્યા થઈ શકે છે. તેથી એરપોર્ટના પ્લાનમાં નદી પર વોટર વે બનાવાયો છે અને એની પર રન-વે બનશે. ત્યાંથી ફ્લાઈટ ટેકઓફ કરશે. આ કુદરતી પ્રવાહને પણ અસર નહીં થાય અને રન-વે પણ પૂરા અંતરનો બનાવી શકાશે. મુસાફરો નદીની ઉપરથી ટેક ઓફ થવાનો અલભ્ય નજારો માણી શકશે. નદી પરનો નાનો બંધ તોડી નાખવામાં આવશે, જેથી પાણી એરપોર્ટની સીમા બહાર નીકળી જશે. તેથી ચોમાસામાં ભારે વરસાદ પડે તોપણ પાણી ભરાશે નહીં અને કુદરતી માર્ગે પાણી વહી જશે.