કાર્યવાહી:‘હાલ ભાગ..ભાગ,’ કહી ચોકીમાંથી આરોપીને ભગાડવાનો પ્રયાસ

રાજકોટ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પર્ણકુટી પોલીસ ચોકીમાં અરજીના કામે આરોપીની પૂછપરછ સમયે બનેલો બનાવ , 1 પકડાયો, 2 ફરાર

માલવિયાનગર પોલીસ મથકમાં આવતી પર્ણકુટી ચોકીમાંથી બુધવારે રાતે આરોપીને ભગાડવા આવેલા 3 પૈકી માયાણીનગર-6માં રહેતા નિલેશ ચંદુ જંજુવાડિયાને પોલીસે પકડી પાડ્યો છે. જ્યારે અનિરુદ્ધસિંહ રણજિતસિંહ પરમાર અને વિજય ઉર્ફે વિશ્વરાજસિંહ રણજિતસિંહ ચૌહાણ નામના શખ્સ નાસી છૂટ્યા હતા. દારૂનો નશો કરેલી હાલતમાં પકડાયેલા સહિત ત્રણ સામે ફરજમાં રુકાવટનો ગુનો નોંધી નાસી ગયેલા બે શખ્સને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

હેડ કોન્સ.કે.પી.મોરીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, બુધવારે રાતે ફરજ પર હતા. ત્યારે મહેન્દ્રભાઇ પરસોતમભાઇ પ્રજાપતિએ નંદકિશોર સોસાયટીમાં રહેતા વિજયભાઇ પથુભા પરમાર નામના વૃદ્ધ સામે અરજી કરી હોય બંનેને ચોકી પર બોલાવી પૂછપરછની કાર્યવાહી કરી હતી. સુલેહ શાંતિનો ભંગ ન થાય તે માટે સામાવાળા વિજયભાઇ પરમાર સામે ધરપકડની કાર્યવાહી કરી હતી. પીએસઆઇ વિજયભાઇ પરમારની ચેમ્બરમાં પૂછપરછ કરી રહ્યા હતા.

ત્યારે ચેમ્બરમાંથી પીએસઆઇએ બૂમો પાડી અમને બોલાવતા અમારી સામે ત્રણ શખ્સ ચેમ્બરમાંથી બહાર આવી ભાગો વિજયભાઇ...ભાગો...ની બૂમો પાડી ભાગ્યા હતા. જેથી સતર્કતા દાખવી ત્રણેય શખ્સ પાછળ દોડતા એક શખ્સ ચોકીની સીડી પરથી લપસી પડતા તેને ઝડપી લીધો હતો. પાછળથી પીએસઆઇ આવતા તેમને આ શખ્સો આરોપીને ભગાડવા આવ્યાનું કહ્યું હતું. જોકે, તે પહેલા બે શખ્સ પોલીસ સાથે ઝપાઝપી કરી નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.

ત્યારે સકંજામાં આવેલા શખ્સ નિલેશ જંજુવાડિયાની પૂછપરછમાં તે દારૂના નશામાં હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ તે વિજય ઉર્ફે વિશ્વરાજસિંહ અને અનિરુદ્ધસિંહ સાથે વિજયભાઇ પરમારને ભગાડવા માટે આવ્યાની કેફિયત આપી હતી. આમ આરોપીને પોલીસ ચોકીમાંથી ભગાડવા ત્રણ શખ્સે કર્મચારીઓની ફરજમાં રુકાવટ કરતા ત્રણેય સામે ગુનો નોંધ્યો છે. જ્યારે નિલેશ સામે પ્રોહિબિશનનો અલગથી ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...