રાજકોટ ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તોડબાજ છે અને પૈસા લઈને કામ કરે છે તેવો આક્ષેપ કરતો લેટરબોંબ લખી ગૃહ વિભાગને સોંપ્યો અને શહેરમાં જાણે CP વિરોધી લોકજુવાળ ઊભો થયો હોય એમ એક પછી એક નેતા મંત્રી સાંસદ વિરોધ કરી ગોવિંદ પટેલને સમર્થન આપી રહયા છે. તો બીજી તરફ પોલીસ પીડિત ફરિયાદીઓનો રાફડો ફાટ્યો છે. આવા સમયે પ્રજાના પ્રહરી ગણાતું રૂપાણી જૂથ હજુ સુધી શા માટે મૌન છે તેની સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. ખુદ પૂર્વ CM વિજય રૂપાણી પોતાના હોમટાઉન રાજકોટમાં પ્રજાની ભલાઈ કરવાનું ચૂકી ગયા હોય તેવાં દૃશ્યો સર્જાઈ રહ્યાં છે.
કેબિનેટ મંત્રી અને સાંસદે CP સામે નિશાન તાંક્યું, માત્ર રૂપાણીનું મૌન
રાજકોટ ભાજપનો આંતરિક જૂથવાદ જગજાહેર છે. છતાં રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને ક્રાઇમ બ્રાંચ કમિશનબાજી કરતા હોવાનો ધારાસભ્ય ગોવિંદ પટેલે આક્ષેપ કર્યા બાદ મંત્રી અરવિંદ રૈયાણીએ આ આક્ષેપમાં સૂર પુરાવી કમિશનર સામે નિશાન તાંક્યું હતું. રાજકોટના ચાર ધારાસભ્યમાંથી 2 ધારાસભ્ય પોલીસની ભ્રષ્ટનીતિથી લોકોને મુક્ત કરાવવા અને ન્યાય અપાવવા મેદાને પડ્યા છે ત્યારે ધારાસભ્ય અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ મામલે હજુ સુધી એકપણ શબ્દ ઉચ્ચાર્યો નથી.
ખુલ્લામાં બોલનારા નેતાઓ હવે સંભાળીને નિવેદન આપવા લાગ્યા
આ સાથે સાંસદ મોહન કુંડારિયા, ધારાસભ્ય લાખા સાગઠીયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ફાયનાન્સ બોર્ડના પૂર્વ ચેરમેન ધનસુખ ભંડેરી, નીતિન ભારદ્વાજને જાણે જનતાની જ ચિંતા નથી તેમ MLA પટેલના લેટરબોંબ મુદ્દે મૌન સેવીને બેઠા છે. આમ અગાઉ ખુલ્લામાં બોલનાર નેતાઓ હવે સંભાળીને નિવેદન આપવા લાગ્યા છે ત્યારે ડેમેજ કંટ્રોલ કરતા ભાજપમાંથી સૂચના મળી ગયાની ચર્ચા છે.
રૂપાણીએ મૌન સેવતાં અનેક ચર્ચાઓ શરૂ
રૂપાણી જ પોતાના શાસનકાળમાં અગ્રવાલને રાજકોટ લઇ આવ્યા હતા, ત્યારથી અગ્રવાલ પણ રૂપાણી અને તેના જૂથને વફાદાર હોવાનું ચિત્ર ઉપસ્યું હતું. અગ્રવાલ રૂપાણીના વિશ્વાસુ લોકોના ઈશારે શહેરમાં કામ કરતા હતા. તેવા પણ આક્ષેપો થયા છે. ત્યારે હવે મનોજ અગ્રવાલ સામે કમિશનબાજીનો આક્ષેપ થયો છે ત્યારે રૂપાણીએ મૌન સેવતા અનેક ચર્ચાઓ શરૂ થઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.