આજે વિશ્વ અંગદાન દિવસ છે. ત્યારે આપણે વાત કરવી છે રાજકોટના જનકલ્યાણ ટ્રસ્ટની. આ ટ્રસ્ટ છેલ્લા ઘણા વર્ષોથી લોકોને અંગદાનનું મહત્વ સમજાવી રહ્યું છે. આ ટ્રસ્ટમાં રહેલા લોકો હવે સ્મશાનમાં જ પહોંચી જાય છે અને અંતિમસંસ્કાર કરવા આવતા પરિવારને અંગદાનનું મહત્વ સમજાવે છે. બાદમાં પરિવારની સ્વિકૃતિ બાદ ડોક્ટરો દ્વારા તેમની આંખો લઇ લેવામાં આવે છે. અત્યાર સુધીમાં આવા 131 પરિવારે ચક્ષુદાન કર્યું છે. છેલ્લા 7 દિવસમાં જ રોજ એક-એક આંખ ટ્રસ્ટને મળી છે. ત્રણ દિવસમાં 20 લોકોએ દેહદાન અને 13 લોકોએ અંગદાનનો સંકલ્પ લીધો છે. અત્યાર સુધીમાં 262 લોકોને નવી દૃષ્ટી મળી છે.
લોકમેળો રદ થતાં ટ્રસ્ટ હવે સ્મશાનમાં ઉતર્યું
રાજકોટનું જનકલ્યાણ ટ્રસ્ટ ત્રણ વર્ષ સુધી સાતમ-આઠમના સૌથી મોટા લોકમેળામાં જતું હતું. અહીં લોકોને અંગદાન અંગે મહત્વ સમજાવવામાં આવતો હતો અને અભિયાન ચલાવવામાં આવતું. પરંતુ કોરોના બાદ લોકમેળો ગત વર્ષ બંધ રહ્યો હતો. આથી ટ્રસ્ટ હવે સ્મશાનમાં જઇ અંતિમસંસ્કાર કરવા આવતા પરિવારને અંગદાન વિશે મહત્વ સમજાવી રહ્યું છે. જેમાં ટ્રસ્ટને સારો એવો પ્રતિસાદ પણ મળી રહ્યો છે.
24 કલાકમાં બે પરિવાર સહમત થયા અને ચક્ષુદાન કર્યું
રાજકોટમાં રહેતા હરિલાલ કોટેચા અને ઠાકરશીભાઇ નારીગરા આંખ મીંચ્યા બાદ બીજાને રોશની આપતા ગયા છે. આ બન્ને વૃદ્ધોનું સ્મશાનની ભૂમિમાં ચક્ષુદાન કરવામાં આવ્યું હતું. 24 કલાકના સમયમાં બે ચક્ષુદાન સ્મશાન ભૂમિમાં થયું હોવાનું જનકલ્યાણ સાર્વજનિક ટ્રસ્ટના ચેરમેન ઉમેશભાઈ મહેતાએ જણાવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, 13 ઓગસ્ટે વિશ્વ અંગદાન નિમિત્તે લોકોમાં ચક્ષુદાન, દેહદાન અને અંગદાન માટે જાગૃતિ આવે તે માટે જાગૃતિ સપ્તાહ અભિયાન હાથ ધર્યું છે. જેને 7 દિવસ સ્મશાન-મંદિરમાં એવું નામ આપવામાં આવ્યું છે. તાજેતરમાં બે યુવાનને રોશની મળતા બંને સારી રીતે કાર ચલાવી રહ્યાં છે.
સ્મશાને બેસીએ તો વધુ ચક્ષુ મળી શકેઃ ટ્રસ્ટના પ્રમુખ
ટ્રસ્ટના પ્રમુખ ઉમેશભાઇ મહેતાએ વધુમાં જણાવ્યું હતું કે, પહેલા લોકમેળામાં અમે અભિયાન ચલાવતા હતા. પરંતુ કોરોનાને કારણે અમારી કામગીરી આગળ વધી શકતી નહોતી. આથી અમને વિચાર આવ્યો કે, સ્મશાનમાં જઇએ તો ચક્ષુ મળી શકે. આથી અમે શહેરના મુખ્ય ત્રણ સ્મશાન બાપુનગર, નાના મવા અને રામનાથપરા સ્મશાનમાં બેસીએ છીએ. ડોક્ટરને ટીમ પણ સાથે હોય છે. કોઇ હા પાડે તો 20થી 25 મિનીટમાં અમે ચક્ષુ મેળવીએ છીએ. ચક્ષુદાનથી અત્યાર સુધીમાં 262 લોકોને નવી દૃષ્ટી મળી છે.
6 દિવસ સ્મશાન અને એક દિવસ મંદિરમાં જાગૃતિ અભિયાન
વિશ્વ અંગદાન દિવસ નિમિત્ત ટ્રસ્ટ દ્વારા જાગૃતિ સપ્તાહ અભિયાન હાથ ધર્યું છે. જેમાં કાર્યકર્તાઓ અને ડોક્ટર્સની ટીમ 7 ઓગસ્ટથી લઇને 12 ઓગસ્ટ સુધી સ્મશાનમાં અને 13 ઓગસ્ટ મંદિરમાં સવાર-સાંજ હાજર રહેશે અને અહીં આવતા લોકોને દેહદાન, ચક્ષુદાન, અંગદાનનું મહત્વ સમજાવશે. રવિવારે આ ટીમ રામનાથપરા સ્મશાનમાં હતી. ત્યારે મૃતક હરિલાલ એમ. કોટેચાને તેમના દીકરા, પૌત્ર અને પરિવારજનો અને સોમવારે ઠાકરશીભાઇ નારીગરાને પરિવારજનો અગ્નિસંસ્કાર આપવા આવ્યા હતા.
સ્મશાનભૂમિમાં ચક્ષુદાન થઇ શકે તેવી ટીમની વ્યવસ્થા
આ બંને મૃતકના પરિવારે સ્વજનનો પાર્થિવ દેહ વિસામા પર મુક્યો ત્યારે જનકલ્યાણ ટ્રસ્ટની ટીમે તેને ચક્ષુદાનનું મહત્વ સમજાવ્યું હતું. આથી બન્નેના પરિવારજનો સહમત થઇ ગયા હતા અને ચક્ષુદાન કર્યું હતું. જાગૃતિ સપ્તાહ અંતર્ગત સ્મશાન ભૂમિમાં ચક્ષુદાન થઇ શકે તે માટેની ટીમ અને વ્યવસ્થા રાખવામાં આવી છે. આ ત્રણ દિવસના અભિયાનમાં 20 લોકોએ દેહદાન, 13 લોકોએ અંગદાન કરવાનો સંકલ્પ લીધો છે.
વ્યક્તિના નિધન બાદ 8 કલાકમાં ચક્ષુદાન થઇ શકે
રાજકોટની કણસાગરા આઈ બેંકના ડિરેક્ટર ડો.હેમલ કણસાગરાએ જણાવ્યું હતું કે, વ્યક્તિના નિધન બાદ 8 કલાકમાં ચક્ષુદાન થઇ શકે છે. સામાન્ય રીતે ઘર, હોસ્પિટલેથી ચક્ષુદાન લેવાતું હોય છે. પરંતુ બે લોકોની ટીમને આ ચક્ષુદાન લેવા માટે 10 મિનિટનો સમય લાગ્યો હતો. કોરોના પછી ચક્ષુદાન લેવા માટે રાજકોટમાં 20થી 25 લોકોનું વેઈટિંગ અત્યારે છે. કોરોનાને કારણે માર્ચ, એપ્રિલ માસમાં ચક્ષુદાન લઇ શકાયું નથી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.