વેડફાટ:રાજકોટમાં વરસાદની ખેંચ વચ્ચે નવા 150 ફૂટ રિંગ રોડ પર ટ્રક પલ્ટી મારી, નર્મદાની પાઇપલાઇન તૂટતા હજારો લીટર પાણી વેડફાયું

રાજકોટએક વર્ષ પહેલા
નર્મદાની લાઇનમાં ભંગાણ થતા ઉંચો ધોધ થયો.
  • હજારો લીટર પાણીનો વેડફાટ થતા લોકોમાં રોષની લાગણી ફેલાઇ

રાજકોટમાં એક તરફ વરસાદની ખેંચને કારણે ખેડૂતો ચિંતત બન્યા છે. તેમજ રાજકોટના જળાશયોમાં સપ્ટેમ્બર સુધી ચાલે તેટલું જ પાણી બચ્યું છે. ત્યારે શહેરના નવા 150 ફૂટ રિંગ રોડ પર આવેલી વેજાગામ ચોકડી પાસે ટ્રક પલ્ટી મારી જતા નર્મદાની પાઇપલાઇનમાં ભંગાણ થયું હતું. જેમાં પાણીનો ઉંચો ધોધ થયો હતો અને હજારો લીટર પાણી રસ્તા પર વહી ગયું હતું.

લોકો પાણીનો ધોધ જોવા ઉમટ્યા
ઘટનાને પગલે લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા. તેમજ મનપાની વોટર્સ શાખાને જાણ કરવામાં આવતા ટીમ દોડી ગઇ હતી. મનપાની ટીમે પાઇપલાઇનનું સમારકામ હાથ ધર્યું છે. પરંતુ હજારો લીટર પાણીનો વેડફાટ થતા લોકોમાં રોષની લાગણી ફેલાઇ છે. જોકે આ પાઇપલાઇન આકસ્મિક રીતે તૂટી છે. હાલ રાજકોટ શહેર અને જિલ્લામાં વરસાદ ખેંચાયો છે. આથી કપાસ, મગફળી, એરંડા, મગ સગિતના પાક સુકાવા લાગતા ખેડૂતો ચિંતિત બન્યા છે.

રાજકોટ જિલ્લાના 6 ડેમમાંથી સિંચાઈ માટે પાણી અપાશે
ચાલુ વર્ષે અષાઢ મહિનો પૂરો થઇ ગયા બાદ શ્રાવણ મહિનાની શરૂઆત છતાં પણ વરસાદ ન વરસતા ખેડૂતોના પાકને નુકશાન ન થાય આ માટે રાજ્ય સરકાર દ્વારા 30 સપ્ટેમ્બર સુધી પીવાનું પાણી રિઝર્વ રાખી ખેડૂતોને સિંચાઈ માટે આપવા નિર્ણય કરવામાં આવ્યો છે રાજકોટ સિંચાઈ વિભાગ અંતર્ગત આવતા 20 ડેમો પૈકી માત્ર 6 ડેમમાંથી પાણી છોડી શકાય તેમ છે.

6 ડેમમાંથી પાણી છોડી શકાય શકાશે
રાજકોટ સિંચાઈ વિભાગના એક્ઝિક્યુટિવ એન્જીનીયર એસ.જી.પટેલે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં તેમનાં અન્ડરમાં કુલ 20 ડેમોનો સમાવેશ થાય છે. આ 20 ડેમો પૈકી માત્ર 6 ડેમમાંથી જ પાણી આપી શકાય તેમ છે. હાલ રાજકોટ જિલ્લામાં આજી-2 અને ન્યારી-2 મારફત સિંચાઈ માટે પાણી છોડવામાં આવી રહ્યું છે અને આજી-3 ડેમ અંગે આજે સલાહકાર સમિતિ સાથે બેઠક કરી બાદમાં નિર્ણય કરવામાં આવશે. હાલ જે 6 ડેમમાંથી પાણી છોડી શકાય તેવી સ્થિતિમાં આજી-1, ભાદર-1, આજી-3, મોજ ડેમ, ફોફળ-1 અને વેણુ-2 ડેમનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...