5 વર્ષથી સાથે રહેતા બે મિત્રના મોત:રાજકોટના કુવાડવા નજીક ટ્રકે કારને ઠોકર મારી, બે મિત્રના મોત, એકના દોઢ વર્ષ પહેલા લગ્ન થયા હતા

રાજકોટ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
કારનો કચ્ચરઘાણ નીકળી ગયો. - Divya Bhaskar
કારનો કચ્ચરઘાણ નીકળી ગયો.

રાજકોટના કુવાડવા રોડ પર ગત મોડી રાત્રે પૂર ઝડપે આવી રહેલા ટ્રકે કારને ઠોકરે લેતા કારમાં બેઠેલા બે યુવકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. અકસ્માતને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળા એકત્ર થયા હતા. તેમજ 108ને કોલ કરતા બન્ને યુવકને કારમાંથી મહામહેનતે બહાર કાઢ્યા હતા. કુવાડવા પોલીસને જાણ કરતા જ ટીમ પહોંચી ગઈ હતી. તેમજ અકસ્માત સર્જી ફરાર થઈ ગયેલા ટ્રક ચાલકની શોધખોળ આદરી છે. મૃતક બન્ને યુવાનો મિત્ર હતા, એક યુવાનના દોઢ વર્ષ પહેલા જ લગ્ન થયા હતા.

ઘટનાસ્થળે જ બન્ને યુવકના મોત નીપજ્યા હતા
પ્રાપ્ત વિગત મુજબ ગઈકાલે મોડી રાત્રે કુવાડવા રોડ પર આવેલા ભગીરથ પેટ્રોલ પંપ પાસે પૂર ઝડપે કાળ બનીને આવી રહેલા ટ્રકે એક કારને ઠોકરે લઈ અકસ્માત સર્જતા કારમાં બેઠેલા રાજકોટના મિતેષ વિનોદભાઈ સરપદડીયા (ઉં.વ.21) અને ભગવાન દગડુંભાઈ સોનુ (ઉં.વ.24)ને શરીરે ગંભીર ઇજા થતાં તેઓનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

યુવકોના મૃતદેહ જોઈ પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો
અકસ્માતને પગલે મુખ્ય માર્ગ પર ટ્રાફિકજામ થઈ ગયો હતો અને અકસ્માત સર્જનાર ટ્રકચાલક ફરાર થઇ ગયો હતો. કોઈએ 108 તેમજ કુવાડવા પોલીસને જાણ કરતા બન્ને ત્યાં આવી પહોંચ્યા હતા અને ટ્રાફિક ક્લિયર કરાવી સ્થાનિકોની મદદ લઇ બન્ને યુવકના મૃતદેહને કારમાંથી મહામહેનતે બહાર કાઢ્યા હતા. તેમજ મૃતદેહને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ બન્નેના પરિવારજનોને જાણ કરતા તેઓ પણ સિવિલ હોસ્પિટલે દોડી ગયા હતા. યુવકોના મૃતદેહ જોઈ પરિવારમાં કલ્પાત સર્જાયો હતો.

મિતેષ ત્રણ બહેનનો એકનો એક ભાઈ હતો
મિતેષ ત્રણ બહેનનો એકનો એક ભાઈ અને ઘરનો આધારસ્તંભ હતો. તેમના પિતા પાનમસાલાની ફેરી કરતા હોવાનું જાણવા મળ્યું છે. તેમજ ભગવાનભાઈ પેડક રોડ પર આવેલી રતનદીપ સોસાયટીમાં રહી ઇમિટેશનની ભઠ્ઠીમાં મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પોતે ભાઈમાં નાનો તેમજ લગ્નને દોઢ વર્ષ થયાં હોવાનું તેમજ તેની પત્ની સગર્ભા હોવાનું જાણવા મળ્યું છે. કુવાડવા પોલીસે ટ્રકના ચાલક વિરુદ્ધ કાર્યવાહી કરવા તજવીજ શરૂ કરી છે.