સઘન ચેકિંગ:ગુંદાળા નજીકથી ભૂસા નીચે સંતાડેલો 21.55 લાખનો શરાબ ભરેલી ટ્રક પકડાઇ

રાજકોટ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચૂંટણી સંદર્ભે અનિચ્છનીય બનાવ ન બને તે માટે સઘન ચેકિંગ
  • ​​​​​​​રાજકોટ પોલીસે બે સ્થળેથી 24 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો

વિધાનસભાની ચૂંટણી આડે ગણતરીના દિવસો છે ત્યારે ચૂંટણીમાં દારૂની રેલમછેલ કરવા સજ્જ થયેલા બૂટલેગરો પર બાજનજર રાખનાર પોલીસ તંત્રે શહેરના જુદા જુદા બે સ્થળેથી રૂ.24 લાખની કિંમતના વિદેશી દારૂ ભરેલા બે વાહનો પકડી પાડ્યા છે. બંને બનાવમાં પોલીસને એક જ ચાલક હાથ લાગ્યો છે. બંને બનાવમાં પોલીસે શરાબ, વાહનો, મોબાઇલ વગેરે મળી કુલ 39 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ચૂંટણી સંદર્ભે શહેરમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્રે શહેરભરમાં સુરક્ષાની કિલ્લેબંધી કરી સઘન ચેકિંગ ઝુંબેશ શરૂ કરી છે.

ત્યારે એરપોર્ટ પોલીસ મથકના સ્ટાફે બામણબોર ચેક પોસ્ટ પર વાહન ચેકિંગ હાથ શરૂ કર્યું હતું. આ સમયે અમદાવાદ-કુવાડવા હાઇવે પર પેટ્રોલિગ દરમિયાન એક વિદેશી દારૂ ભરેલી ટ્રક નીકળવાની હોવાની પોલીસને માહિતી મળી હતી. જે માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવી ગુંદાળા ગામના પાટિયા પાસેથી માહિતી મુજબની ટ્રકને અટકાવી હતી. ટ્રકમાં ચાલક જ જોવા મળ્યો હોય તેની પૂછપરછ કરતા તે રાજસ્થાનનો સાગારામ મુલારામ કડવાસરા હોવાનું જણાવ્યું હતું. જ્યારે પોલીસે ટ્રકની પાછળના ભાગે તપાસ કરતા ત્યાંથી સૌ પ્રથમ ભૂસું જોવા મળ્યું હતું.

શરાબ હોવાની ચોક્કસ માહિતી હોય પોલીસે ભૂસું ખાલી કરી તપાસ કરતા નીચેથી ચોરખાના જોવા મળ્યા હતા અને તેમાંથી વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની 5388 બોટલ મળી આવી હતી. જેથી પોલીસે રૂ.21,55,200ના કિંમતનો શરાબ, ટ્રક મળી કુલ રૂ.31,60,200નો મુદ્દામાલ કબજે કરી ચાલકની ધરપકડ કરી હતી. પીઆઇ એમ.એ. ઝણકાતે ચાલકની પૂછપરછ કરતા તેના ટ્રકમાં વિદેશી દારૂ હોવાની વાતથી અજાણ હોવાનું અને તેને રાજકોટ પહોંચ્યા બાદ ફોન પર જે માહિતી મળે ત્યાં ભૂસું ઉતારવાનું હોવાની કેફિયત આપી હતી.

અન્ય સમાચારો પણ છે...