ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. રાજકોટ શહેર અને જિલ્લામાં આગામી 1 ડિસેમ્બરના રોજ મતદાન થશે અને 8 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર થશે. ત્યારે રાજકોટની ગાદી કબ્જે કરવા માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ એડીચોટીનું જોર લગાવ્યું છે. રાજકોટ જિલ્લાની 8 બેઠક પૈકી 5 બેઠક પર ત્રિપાંખિયો જંગ જામશે. તો આવો જાણીએ ગ્રાફિકસના માધ્યમથી રાજકોટ જિલ્લાનો રાજકીય ઇતિહાસ...
કોર્પોરેશનની ચૂંટણીમાં AAPથી ભાજપને થયો હતો ફાયદો
રાજકોટ જિલ્લાની 8 બેઠકોમાં રાજકોટ પૂર્વ, રાજકોટ પશ્ચિમ, રાજકોટ દક્ષિણ, રાજકોટ ગ્રામ્ય (ST), ગોંડલ, જેતપુર, જસદણ અને ધોરાજીનો સમાવેશ થાય છે. જેમાં રાજકોટ પૂર્વ, રાજકોટ પશ્ચિમ, રાજકોટ દક્ષિણ, ગોંડલ અને ધોરાજીમાં ત્રિપાંખિયો જંગ જોવા મળશે. 2017ની વાત કરીએ તો રાજકોટની 8 બેઠકમાંથી માત્ર ધોરાજીમાં જ કોંગ્રેસનો વિજય થયો હતો. પરંતુ આ વખતે આમ આદમી પાર્ટીનું જોર રાજકોટની આઠેય બેઠક પર જોવા મળી રહ્યું છે. 2021માં કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને નુકસાન પહોંચાડતા ભાજપ ફાવી ગયું હતું. માત્ર બે બેઠક પર જ કોંગ્રેસને જીત મળી હતી.
રાજકોટ પૂર્વ અને પશ્ચિમ બેઠક પર ત્રિપાંખિયો જંગ
રાજકોટ પૂર્વ બેઠક પર પાટીદાર સમાજ મહત્વનો ભાગ ભજવે છે. ત્યારે આ વખતે ભાજપે પાટીદાર નેતા અરવિંદ રૈયાણીને રિપીટ ન કરી ઓબીસી સમાજમાંથી આવતા ઉદય કાનગડને ટિકિટ આપી છે. જ્યારે કોંગ્રેસે આ બેઠક પર 2012માં ચૂંટાઈને ધારાસભ્ય બનેલા ઈન્દ્રનીલ રાજ્યગુરૂને ટિકિટ આપી છે. ત્યારે આમ આદમી પાર્ટીએ પાટીદાર કાર્ડ રમ્યું છે. ઈન્દ્રનીલ રાજ્યગુરૂ ફરી પોતાની જ બેઠક પર સક્રિય થયા છે. ત્યારે અહીં ભાજપ સામે કોંગ્રેસ અને આપ બન્ને ટક્કર આપી શકે છે. રાજકોટ પશ્ચિમ બેઠક પર પાટીદાર, લોહાણા અને બ્રાહ્મણ સમાજનું પ્રભુત્વ છે. આ બેઠક 37 વર્ષથી ભાજપનો ગઢ માનવામાં આવે છે. પરંતુ અહીં ભાજપે જૈન સમાજના દર્શિતા શાહને તો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે પાટીદાર પર કળશ ઢોળ્યો છે. આ વખતે ભાજપને આ બેઠક પર જીતવું કઠિન રહેશે. દક્ષિણમાં ત્રણેય પાર્ટીના ઉમેદવારો પાટીદાર છે તો કોણ કોને મત આપશે તે પરિણામ આવ્યે જ ખબર પડશે.
ગોંડલમાં ભાજપ માટે કપરા ચઢાણ
હર હંમેશ ભાજપનો ગઢ ગણાતી અને શાંત રહેતી ગોંડલ બેઠક પર આ વખતે બે ક્ષત્રિય આગેવાનો વચ્ચે આંતરિક વિવાદ છેડાયો છે. ગોંડલના જયરાજસિંહ જાડેજા અને રીબડાના અનિરૂદ્ધસિંહ જાડેજા ટિકિટને લઈને મેદાને ઉતર્યા હતા. અંતે ભાજપે જયરાજસિંહ જાડેજાના પત્ની ગીતાબાને ટીકિટ આપી છે. પરંતુ જો રિબડા જૂથ ભાજપને સમર્થન ન આપે તો ભાજપને ભોગવવાનો વારો આવી શકે છે. કારણ કે, 2017ની ચૂંટણીમાં રીબડા પંથકના ભાજપને 18 હજાર જેટલા મત મળ્યા હતા અને ગીતાબા કોંગ્રેસ સામે 14 હજાર મતની લીડથી જીત્યા હતા. પરંતુ આ વખતે ગોંડલમાં કોણ બાજી મારશે એ જોવાનું રહ્યું. ધોરાજીમાં આ વખતે કોંગ્રેસે લેઉવા પટેલ લલિત વસોયાને રિપીટ કર્યા છે તો ભાજપે કડવા પાટીદાર અને આમ આદમી પાર્ટીએ લેઉવા પટેલ વિપુલ સખિયાને ટિકિટ આપી છે. અહીં પણ ત્રણેય પાટીદાર ઉમેદવાર વચ્ચે ખરાખરીનો જંગ ખેલાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.