તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિશ્વ ધરતી દિવસની ઉજવણી:20 દિવસમાં 200 ગામડાંના 20 હજાર ઘરમાં વૃક્ષોનું વાવેતર કરાયું

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાવિ પેઢીને વૃક્ષનો વારસો મળે તે માટે લોકોએ ફળિયામાં વૃક્ષોનું વાવેતર કર્યું

રાજકોટના પર્યાવરણપ્રેમીઓએ વિશ્વ ધરતી દિવસની અનોખી ઉજવણી કરી છે. પર્યાવરણપ્રેમી વિનામૂલ્યે રોપાઓનું વિતરણ કરી રહ્યા છે તો બીજી બાજુ આ વખતે વૃક્ષારોપણ માટે સામાન્ય લોકોથી લઈને ઉદ્યોગપતિ, વેપારીઓ પણ આગળ આવ્યા છે. વધુમાં વધુ લોકો વૃક્ષારોપણ કરે તે હેતુથી દાતાઓ સોસાયટી, ફળિયા, મંદિર, ગાર્ડનમાં થતા વૃક્ષારોપણ માટેનો ખર્ચ ભોગવી રહ્યા છે. પર્યાવરણપ્રેમીઓએ ત્રણ જિલ્લાના 200 ગામડાંઓમાં 20 દિવસમાં 20 હજાર રોપાઓનું વિતરણ કર્યું છે અને ગામડાંના લોકોએ ઘરઆંગણે આ વૃક્ષોનું વાવેતર કર્યું છે.

જોકે આખું ચોમાસું આ વૃક્ષારોપણ માટેની ઝુંબેશ ચાલુ રહેશે.કોરોના પછી વૃક્ષારોપણ માટે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેમને પોતાના સ્વજનો ગુમાવ્યા છે તેમની યાદમાં તેમના પરિવારજનો શ્રદ્ધાંજલિ આપવા પુણ્યતિથિ, જન્મદિવસ નિમિત્તે કે ઘર- પરિવારના નાના-મોટા પ્રસંગોએ વૃક્ષારોપણ કરી રહ્યા છે. જેને કારણે દર વર્ષની સરખામણીએ વૃક્ષારોપણ કરનારની સંખ્યા વધી છે. રાજકોટ,જામગનર, મોરબી તાલુકાના નારણકા,વાડોદર, ફડસર, મજેઠી, ખેરડા, ઈશ્વરિયા, ન્યારા,લોધિકા, નાંધુ પીપળિયા, ભંગડા, શિશક, સતાપર,કરમાળ, બંગાવડી સહિતના ગામડાંઓમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે.

ઘર આંગણે વાવેલા વૃક્ષોથી છાંયડો મળે અને આવનારી પેઢીને તેનું ફળ મળે તે માટે ફળ- ફળાદી વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં જામફળ, સીતાફળી, દાડમ, રાવણા, અરડૂસી, આસોપાલવ, મીઠા લીમડા, બિલીપત્ર, રાયણ,કરંજ, વિકળા, મહુડા, બદામ, જાંબુ ,લીંબુ જેવા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. આ અંગે નવરંગ નેચર ક્લબના વી.ડી.બાલા જણાવે છે કે, કોરોના બાદ લોકોમાં પણ જાગૃતિ આવી છે અને લોકો સામેથી વૃક્ષારોપણ માટે આગળ આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...