રાજકોટ / સિવિલમાં કોરોના સારવારની કહાની દર્દીના મોઢે, 2 સમય સ્વીટ સાથે જમવાનું અપાય છે, અમુક દર્દીઓ ગુસ્સો કરે પણ ડોક્ટર-નર્સ સેવા જ કરતાં

હર્ષાબેન રાવલ
X

  • મને સિવિલમાં સારવાર લેવા માટે ખચકાટ હતો, પરંતુ ત્યાં ગયા પછી શંકા દૂર થઈ ગઈ

દિવ્ય ભાસ્કર

Aug 01, 2020, 01:48 PM IST

રાજકોટ. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસ અને મૃત્યુઆંકમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓની સારવાર કેવી રીતે કરવામાં આવે છે તે એક અંગે માહિતી આપતો એક વીડિયો સિવિલમાંથી સારવાર લઈને સાજા થયેલા એક મહિલા દર્દીએ જાહેર કર્યો છે. જેમાં સિવિલમાં આપવામાં આવતી સારવારને લઈને વાત કરી છે. મહિલાએ વીડિયોમાં જણાવ્યું હતું કે સિવિલમાં 2 સમય સ્વીટ સાથે જમવાનું આપવામાં આવે છે. ઘણી વખત કોરોના પોઝિટિવ દર્દીઓ ડોક્ટર્સ અને નર્સ પર ગુસ્સે થતાં હોય છે. પણ ડોક્ટર્સ અને નર્સ કંઈ પર પરવાહ કર્યા વગર માત્ર સેવા જ કરતાં હતાં.

સિવિલમાં સારવાર દરમિયાન થયેલા અનુભવ વિશે મહિલાએ વાત કરી
18 જુલાઈના રોજ પોઝિટિવ આવેલા હર્ષાબેન રાવલ 20 જુલાઈએ સિવિલમાં દાખલ થયા હતા. જે દરમિયાન તેમને થયેલા અનુભવ વિશે વાત કરતા જણાવ્યું હતું કે કોરોનાથી બચવા માટે લોકો અનેક પ્રયાસો કરે જ છે પરંતુ કોરોના થાય તો શું કરવું. તે બાબતે જણાવ્યું કે જો કોઇ પણ કંપનીનો ઇન્શ્યોરન્સ હોય અથવા આર્થિક પરિસ્થિતિ સારી ન હોય તો તમે કોઇ પણ પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ થઇ શકો છો. મને પણ સિવિલમાં સારવાર લેવા માટે ખચકા હતો. પરંતુ ત્યા ગયા પછી તમામ શંકા દૂર થઈ હતી. મારા ઘરમાંથી હું અને મારી પૂત્રવધૂ બંને સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતાં. સિવિલના અનુભવ વિશે કરતા કહ્યું કે અહી તમામ સુવિધાઓ અવ્વલ હતી. સવારે નિયમિત ચા-નાસ્તો, ઉકાળો અને લીંબુ સરબત આવી જતું હતું. બપોરે જમવામાં રોટલી, દાળ-ભાત, બે શાક, સલાડ, સ્વીટ અને છાસ આપવામાં આવતી હતી. ફરી બપોર બાદ ચા સાથે બિસ્કીટ અને રાત્રે ખીચડી-કઢી અથવા પુલાવ-કઢી, ભાખરી, પૂરી, પરોઠા, 2 શાક, પાપડ, અથાણું, છાસ આપવામાં આવતું હતું. જો કોઇ પેશન્ટ છાસ ન લેતા હોય તો તેને હળદર વાળું દૂધ આપવામાં આવતું હતું.

ડોક્ટર્સ વારંવાર ચેકઅપ કરવા આવતા હતાં
વીડિયોમાં હર્ષાબેને જણાવ્યું હતું કે સિવિલમાં આપવામાં આવતી તમામ સુવિધાઓ સંપૂર્ણ ફ્રીમાં આપવામાં આવે છે. ડોક્ટર્સ આવીને વારંવાર ચેકઅપ કરી જાય છે. ત્રણેય ટાઈમ દવા ટેબલ પર આવી જાય છે. કોવીડ સેન્ટરમાં અલગ અલગ પ્રકારના દર્દીઓ હોય છે. જેમાં અમુકનો ચીડચીડિયો, તો અમુકનો ગુસ્સાવાળો સ્વભાવ હતો. ઘણી વખત દર્દીઓ ડોક્ટર્સ કે નર્સ સાથે ગેરવર્તન કરતા હતા. તેમ છતાં PPE કીટમાં પરસેવાથી ભીંજાઇ ગયા હોય તો પણ સિવિલનો સ્ટાફ એકદમ નિષ્ઠાપૂર્વક કામ કરતો હતો. અહીં કોરોના પોઝિટિવ જાહેર થાય ત્યારથી જ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ લાવવામાં આવે અને સંપૂર્ણ સાજા થઈ ગયા બાદ પણ એમ્બ્યુલન્સ મારફતે ઘરે મૂકી જાય છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી