શહેરના રૂખડિયાપરા વિસ્તારમાં રહેતી યુવતીએ ફાંસો ખાઇ જીવનનો અંત આણી લીધો હતો તેમજ કોઠારિયા સોલવન્ટ વિસ્તારમાં રહેતી મહિલા પોતાના ઘરે પડી જતાં ઇજા થવાથી તેનું મૃત્યુ થયું હતું. રૂખડિયાપરા ફાટક પાસે ઝૂંપડપટ્ટીમાં રહેતી રિયાબેન મનસુખભાઇ વાઘેલા નામની 18 વર્ષની યુવતીએ શનિવારે બપોરે કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરે ફાંસો ખાઇ લીધો હતો, યુવતીના આપઘાતની જાણ થતાં પ્ર.નગર પોલીસ દોડી ગઇ હતી અને યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. યુવાન પુત્રીના આપઘાતથી વાઘેલા પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. આપઘાતનું કારણ જાણવા પોલીસે વિશેષ તપાસ શરૂ કરી હતી.
અન્ય એક બનાવમાં કોઠારિયા સોલવન્ટ વિસ્તારની હરિદ્વાર સોસાયટીમાં રહેતા ચેતનાબેન ઉતમભાઇ લીંબડ (ઉ.વ.34) શનિવારે સવારે પોતાના ઘરે કોઇ કારણસર પડી ગયા હતા, પડી જવાથી ગંભીર ઇજા થતાં ચેતનાબેનને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ તેમનું મોત નીપજ્યું હતુ. ચેતનાબેનનાં મોતથી લીંબડ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. બનાવ અંગે આજી ડેમ પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.