નિરીક્ષણ:હાઈવેનું સમારકામ શરૂ થતા હવે ટ્રાન્સપોર્ટરો વિરોધ નહીં કરે

રાજકોટ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટ્રાન્સપોર્ટ એસોસિએશનના સભ્યોએ રોડ નિરીક્ષણ કર્યું

રાજકોટ-અમદાવાદ, ભાવનગર, ગોંડલ હાઈવે તૂટેલી હાલતમાં અને ઠેર-ઠેર ખાડા હોય વાહનચાલકોને પારાવાર મુશ્કેલી પડતી હતી. રોડ-રસ્તાની ખરાબ હાલતને લઈને ટ્રક-ટ્રાન્સપોર્ટરોએ ટોલટેક્સનો વિરોધ નોંધાવવાની ચીમકી ઉચ્ચારી હતી. કલેક્ટરને રજૂઆત કરી હતી. હાઇવેના સમારકામની કામગીરી શરૂ કરાતા ટ્રાન્સપોર્ટરોએ પોતાનો વિરોધ મુલતવી રાખ્યો છે.રોડની કામગીરી અંગે નિરીક્ષણ પણ કર્યું હતું.

આ અંગે વધુ માહિતી આપતા એસોસિએશનના પ્રમુખ હસુભાઇ ભગદેવે જણાવ્યું હતું કે, હાલ તમામ હાઈવે પર કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. એટલે વિરોધ માંડી વાળ્યો છે, પરંતુ જો કામગીરીમાં કચાશ કે ઢીલાશ જોવા મળશે તો વિરોધ કરવામાં આવશે. ટ્રક-ટ્રાન્સપોર્ટરોએ વિરોધની ચીમકી ઉચ્ચારતા કલેક્ટરે સમીક્ષા બેઠક ગત સપ્તાહે બોલાવી હતી.

જેમાં નેશનલ-સ્ટેટ હાઈવે મહાનગરપાલિકાના અધિકારી વગેરે હાજર રહ્યાં હતાં. આ બેઠક બાદ હાઈવેની ધીમી પ્રગતિ અને ક્ષતિગ્રસ્ત માર્ગોના સમારકામમાં ઢીલાશ અંગે હાઈવે ઓથોરિટીને નોટિસ આપવામાં આવી છે. ટ્રાન્સપોર્ટરોએ જણાવ્યું હતું કે, ખરાબ રોડ-રસ્તાને કારણે વાહનમાં તો નુકસાન જાય છે સાથોસાથ અકસ્માત થવાની પણ ભીતિ રહે છે.

ઈંધણનો વધુ વપરાશ થાય છે. માલ સમયસર મોકલી શકાતો નથી. લાંબા સમય સુધી આ મુશ્કેલી સહન કર્યા બાદ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. રોડ-રસ્તાની સારી સુવિધા મળે તો ટોલટેક્સ ચૂકવવામાં કોઇ વાંધો નથી, પરંતુ અપૂરતી સુવિધા સામે જે ટેક્સ ઉઘરાવવામાં આવે તેની સામે વિરોધ હતો. જો આગામી દિવસોમાં કામગીરી ઝડપી અને યોગ્ય રીતે નહિ થાય તો ફરી આંદોલન કરાશે.

અન્ય સમાચારો પણ છે...