ચીમકી એ દોડતા કર્યા !:રાજકોટમાં ટ્રાન્સપોર્ટ એસો.એ બિસ્માર રોડને પગલે ટોલટેક્સ ભરવા મનાઈ ફરમાવી, તંત્ર દ્વારા તાબડતોબ પેચવર્ક શરુ

રાજકોટ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટરોએ પોતાનો વિરોધ મુલતવી રાખ્યો - Divya Bhaskar
ટ્રાન્સપોર્ટરોએ પોતાનો વિરોધ મુલતવી રાખ્યો

રાજકોટ-અમદાવાદ, ભાવનગર, ગોંડલ હાઈવે તૂટેલી હાલતમાં અને ઠેર-ઠેર ખાડા હોય વાહનચાલકોને પારાવાર મુશ્કેલી પડતી હતી. રોડ-રસ્તાની ખરાબ હાલતને લઈને ટ્રક-ટ્રાન્સપોર્ટરોએ ટોલટેક્સનો વિરોધ નોંધાવવાની ચીમકી ઉચ્ચારી હતી. કલેક્ટરને રજૂઆત કરી હતી. હાઇવેના સમારકામની કામગીરી શરૂ કરાતા ટ્રાન્સપોર્ટરોએ પોતાનો વિરોધ મુલતવી રાખ્યો છે.રોડની કામગીરી અંગે નિરીક્ષણ પણ કર્યું હતું.

આંદોલન છેડવાની જાહેરાત કરી હતી
સૌરાષ્ટ્રના ખખડધજ રસ્તાઓને લઈને હવે ટ્રાન્સપોર્ટ એસોસિએશન મેદાનમાં આવ્યુ છે.રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં મુખ્ય હાઇવે ભંગાર થઈ ગયા છે. નાના વાહન ચાલકો તો પરેશાન છે, પરંતુ મોટા વાહનચાલકો પણ પરેશાન છે. કારણ કે હાઈવે પર મસમોટા ખાડાથી વાહનો તૂટી રહ્યા છે.ટ્રાન્સપોર્ટ એસોસિએશન બિસ્માર હાઇવે મુદ્દે આંદોલન છેડવાની જાહેરાત કરી હતી. પરંતુ સૌરાષ્ટ્રના મોટાભાગના હાઇવે પર પેચ વર્કની કામગીરી શરૂ કરવામાં આવતા હવે ગુડ્સ ટ્રાન્સપોર્ટ એસોસિયેશન ટોલટેક્સનો વિરોધ નહીં કરે. એવું ચર્ચાઈ રહ્યું છે કે, તમામ નિયમોને ઘોળીને પી જતા નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ ટ્રક માલિકોની ચીમકીના પગલે તાબડતોબ કામગીરી શરૂ કરવામાં આવી છે.

8 દિવસનું અલ્ટીમેટમ આપ્યું હતું
ઉલ્લેખનીય છે કે રાજકોટમાં બિસ્માર રસ્તાઓને લઈને ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. તુટેલા રસ્તાઓને લઈને ટ્રાન્સપોર્ટ એસોસિયેશન મેદાનમાં આવી ગયું છે. રાજકોટ ટ્રાન્સપોર્ટ એસોસિયેશને નેશનલ હાઈવે ઓથોરિટીને રસ્તા રિપેર કરવા માટે 8 દિવસનું અલ્ટીમેટમ આપ્યું હતું અને જો આઠ દિવસમાં આ રસ્તાઓ સમારકામ ન થાય તો ટોલટેક્સ નહીં ભરવાની ચીમકી ઉચ્ચારી હતી. ભારે વરસાદ બાદ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના રસ્તાઓ પર મસમોટા ખાડા પડી ગયા છે. રાજકોટ ટ્રાન્સપોર્ટ એસોસિયેશને કલેક્ટર સાથે બેઠક કરીને રજુઆત કરી હતી. રજુઆતના આધારે કલેક્ટરે તાત્કાલિક રસ્તા રિપેર કરવા નેશનલ હાઈવે ઓથોરિટીને નોટિસ ફટકારી છે.