આદેશ:બૂટલેગર અને લુખ્ખાઓ સાથે સાઠગાંઠ રાખનાર રાજકોટના 11 પોલીસની બદલી

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પોલીસ કમિશનરે ડીજીપીને લેખિત જાણ કર્યા બાદ થયા બદલીના હુકમ

પોલીસ તંત્રમાં સમયાંતરે અધિકારી, કર્મચારીઓની બદલીઓ થતી રહેતી હોય છે, પરંતુ જ્યારે અચાનક અધિકારીઓની અને કર્મચારીઓની બદલીનો અને એમાં પણ અન્ય જિલ્લામાં બદલીનો હુકમ થાય ત્યારે તરેહતરેહની ખુદ પોલીસ તંત્રમાં ચર્ચાઓ શરૂ થઇ જતી હોય છે. આવા જ કિસ્સામાં રાજકોટ પોલીસની ક્રાઇમ બ્રાંચમાં ફરજ બજાવતા આઠ સહિત કુલ 11 હેડ કોન્સ. અને કોન્સ્ટેબલની અચાનક અન્ય જિલ્લાઓમાં તાત્કાલિક અસરથી જાહેરહિતમાં બદલીનો હુકમ અને હુકમ થયા બાદ તાત્કાલિક ફરજ બજાવતા સ્થળેથી છૂટા કરવાનો આદેશ થતા શહેરભરની પોલીસમાં શું નડ્યુંની ચર્ચાઓ શરૂ થઇ છે.

સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોટાભાગના પોલીસ કોન્સ્ટેબલ અને જમાદારોને શહેરના કેટલાક બુટલેગર તેમજ અસામાજિક તત્વો સાથે સાંઠગાંઠ હતી અને આ અંગે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલને પણ માહિતી મળી હતી. આથી, તેઓએ રાજ્યના પોલીસવડા આશિષ ભાટિયાને ઉપરોક્ત બાબતે લેખિતમાં જાણ કરી હતી અને તેના અનુસંધાને બદલીના હુકમ ડીજીપીએ કર્યા હતા.

રાજકોટ પોલીસ કમિશનર દ્વારા ગુરુવારે કરવામાં આવેલા અન્ય જિલ્લામાં બદલીના હુકમમાં લોન પર ક્રાઇમ બ્રાંચમાં ફરજ બજાવતા સાયબર ક્રાઇમના કોન્સ. કુલદીપસિંહને દાહોદ અને લોકરક્ષક યોગીરાજસિંહને પંચમહાલ-ગોધરા, ગાંધીગ્રામ પોલીસમથકના હેડ કોન્સ.સંતોષ મોરીને ડાંગ-આહવા, હેડ ક્વાર્ટરના કોન્સ. હરદેવસિંહને ભરૂચ, જ્યારે ક્રાઇમ બ્રાંચમાં ફરજ બજાવતા હેડ કોન્સ. રઘુવીરસિંહને તાપી-વ્યારા, હેડ કોન્સ.રાજેશભાઇને નવસારી, હેડ કોન્સ. મહેન્દ્રસિંહને છોટા ઉદેપુર, હેડ કોન્સ.સમીરભાઇની વડોદરા ગ્રામ્યમાં બદલી કરવામાં આવી છે.

તદઉપરાંત હેડ ક્વાર્ટરના કોન્સ. રામદેવસિંહને પાટણ, ભક્તિનગર પોલીસમથકના કોન્સ. અક્ષયરાજસિંહને મહીસાગર અને આજી ડેમ પોલીસમથકના કોન્સ. જયેશ કુનડાની મહેસાણા બદલી કરવામાં આવી છે. આ તમામને પોતાનો ચાર્જ સંભાળી લેવા હુકમ કર્યો છે. આ ઉપરાંત જિલ્લા બહાર બદલી કરાયેલા પોલીસમેન અને જમાદાર સરકારી ક્વાર્ટરમાં રહેતા હોય તો તે મકાન પણ તાકીદે ખાલી કરાવવું અને જો, ખાલી ન કરે તો નિયમ અનુસાર કાર્યવાહી કરવા પણ હુકમ કરવામાં આવ્યો છે.

ક્રાઇમબ્રાંચે થોડા દિવસો પહેલા અલ્તાફ નામના એક બુટલેગરને પકડ્યો હતો. ત્યારબાદ અનેકવિધ ચર્ચાઓ શરૂ થઇ હતી. દરમિયાન, સાગમટે બદલીના હુકમ ડીજીપીએ કરતાં અડધુપડધુ સત્ય બહાર આવ્યું છે. પોલીસમેન અને જમાદાર ઉપરી અધિકારીની જાણ બહાર કંઇ ન કરી શકે તે પણ સો ટચના સોના જેવી વાત છે. પરંતુ, અહીંયા નાના કર્મચારી સામે પગલાં લેવાયા છે અને મગરમચ્છો બચી ગયા છે.

અન્ય સમાચારો પણ છે...