કોરોનામુક્ત:ત્રંબા કોરોનામુક્ત બન્યું, 15 દી’થી એકપણ કેસ ન નોંધાયો

રાજકોટ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અત્યાર સુધીમાં 400ને કોરોના થયો’તો
  • ગામમાં 70 ટકાથી વધુ રસીકરણ થઇ ગયું

સતત ઘટતા કોવિડ કેસોની સાથે ગામડાંઓ પણ કોરોનામુક્ત બની રહ્યા છે. ત્યારે રાજકોટ તાલુકાના ત્રંબા ગામે કોરોનાને મહાત આપી છે. આ અંગે ગામના સરપંચે કહ્યું હતું કે, છેલ્લા 20 દિવસથી એક પણ વ્યક્તિને પોઝિટિવ કેસ આવ્યો નથી. જેના માટે ગામ લોકોની જાગૃતતા સૌથી વધુ અસરકર્તા સાબિત થઇ છે. લોકોએ ગાઈડલાઈનનું પણ ચુસ્તપણે પાલન કર્યું છે.

રસીકરણ જે સમયે શરૂ થયું હતું તે દરમિયાન રસી પ્રત્યે લોકોની અજ્ઞાનતા જોવા મળી હતી. ત્યારે ગામને કોવિડ સંક્રમણથી બચાવા માટે અનેક પ્રયત્નો કર્યા હતા, તેમ છતાં કોવિડની બીજી લહેરમાં 35 લોકોના જીવ ગયા. આ ગંભીરતાને ધ્યાને લઇ ગામના સરપંચ સહિત અન્ય યુગલો ગામની મુલાકાત લઇ લોકોને રસીકરણ માટે જાગૃત કર્યા હતા.

7 હજારની વસ્તી ધરાવતા ત્રંબા ગામમાં પહેલી લહેરમાં 3 લોકોનાં મોત થયા હતા. તકેદારીના ભાગ રૂપે ગામમાં એક માસનું લોકડાઉન લાદવામાં આવ્યું હતું. જેમાં બહારથી આવતા ફેરિયાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. સરપંચે વધુમાં કહ્યું કે, તે અને તેમના પરિવારે રસી લીધા બાદ તેમના મિત્રોને પણ રસી લેવડાવી હતી. આ ઝુંબેશ હાથ ધરતા ગામમાં 70 ટકા રસીકરણ થઇ ચૂક્યું છે.

બીજી તરફ જે દર્દીઓને કોવિડ આવેલો હતો, તેમને સમયસર સારવાર આપવામાં આવી હતી અને ખૂટતી તમામ વસ્તુઓ ગણતરીની મિનિટોમાં જ આપવામાં આવતી હતી. ગામમાં ઉકાળા, ફરજિયાત માસ્ક, સેનિટાઈઝર અને સામાજિક અંતરનું પૂર્ણપણે પાલન કરવામાં આવ્યું હતું.

માત્ર એટલું જ નહિ, ગામમાં જે લોકોને સહેજ પણ તાવ, ઉધરસ જેવી તકલીફ હોવાની માહિતી મળે તે સમયે જ આરોગ્યની ટીમ તે સ્થળ પર પહોંચી તેનું ટેસ્ટિંગ કરવામાં આવતું અને જરૂરિયાત મુજબની દવાઓ પણ આપવામાં આવતી. આ તમામ પગલાંઓ થકી ત્રંબા ગામ કોરોનામુક્ત બન્યું હતું.

અન્ય સમાચારો પણ છે...