તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Training Of 25 Thousand Students Every Year In CCDC Of The University, More Than 400 Passed The Exam Including GPSC In Two Years

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સિદ્ધિ:CCDCમાં દર વર્ષે 25 હજાર વિદ્યાર્થીને તાલીમ, બે વર્ષમાં 400થી વધુએ GPSC સહિતની પરીક્ષા પાસ કરી

રાજકોટ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી - ફાઇલ તસવીર - Divya Bhaskar
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી - ફાઇલ તસવીર
  • અત્યાર સુધી 2 લાખ વિદ્યાર્થીને સ્પર્ધાત્મક પરીક્ષાનું માર્ગદર્શન અપાયું : : મોટાભાગના વર્ગો નિ:શુલ્ક ચાલે છે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું સીસીડીસી (કરિયર કાઉન્સેલિંગ એન્ડ ડેવલોપિંગ સેન્ટર) વિદ્યાર્થીઓ માટે જાણે ‘જોબ જંક્શન’ બન્યું હોય એમ ભારતભરની યુનિવર્સિટીઓમાં એકમાત્ર સીસીડીસીમાં દર વર્ષે 25 હજાર વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સ્પર્ધાત્મક પરીક્ષાનું માર્ગદર્શન વિદ્યાર્થીઓને અપાય છે.

છેલ્લા બે વર્ષમાં અંદાજિત 400થી વધુ વિદ્યાર્થીઓએ અહીંથી તાલીમ લઈને જીપીએસસી સહિતની જુદી જુદી સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરીને સરકારી નોકરી પ્રાપ્ત કરી વર્ગ-1, 2 અને 3ના હોદ્દા પર સફળ કામગીરી કરી રહ્યા છે. અત્યાર સુધીમાં 2 લાખ જેટલા વિદ્યાર્થીઓને જુદી જુદી સ્પર્ધાત્મક પરીક્ષાનું નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન અપાયું છે. બે વર્ષમાં 45 જેટલા નિ:શુલ્ક વર્કશોપ અને 30થી 300 કલાક સુધીના રેગ્યુલર તાલીમશાળાના આયોજનો કરાયા છે. અહીં જુદા જુદા વિષયના નિષ્ણાત 24થી વધુ એક્સપર્ટ નિયમિત રીતે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી રહ્યા છે.

જીપીએસસી, બેંક, રેલવે, પોલીસ સહિત અનેક પોસ્ટના વર્ગો ચાલે છે
સરકાર દ્વારા જ્યારે જાહેરાત બહાર પાડવામાં આવે છે ત્યારે સીસીડીસીમાં જે-તે પોસ્ટના તાલીમવર્ગો થાય છે. અહીં જીપીએસસી, બેંક, રેલવે, NET, સ્લેટ, પીએસઆઈ, કોન્સ્ટેબલ, તલાટી, ક્લાર્ક તથા સિનિયર ક્લાર્ક વગેરે માટેના વર્ગ-1થી વર્ગ-4 સુધીની તમામ પોસ્ટ માટે માર્ગદર્શન અપાય છે.

સ્પર્ધાત્મક પરીક્ષાના 15 હજારથી વધુ પુસ્તકો ધરાવતી એકમાત્ર લાઇબ્રેરી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એક મુખ્ય લાઇબ્રેરી છે પરંતુ સરકારે રૂ.6 કરોડના ખર્ચે સીસીડીસીની સ્વતંત્ર લાઇબ્રેરી બનાવી આપી. સ્પર્ધાત્મક પરીક્ષાના 15 હજારથી વધુ પુસ્તકો વસાવનાર લાઇબ્રેરી ગુજરાતમાં એકમાત્ર સીસીડીસીમાં છે. ઉપરાંત વિવિધ ક્ષેત્રના 20 રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સામયિકો વાંચવા મળે છે.

8 લાખ વિદ્યાર્થીઓને ભરતી અંગેના ઈ-મેલ મોકલવામાં આવે છે
સીસીડીસીનું સૌથી મહત્ત્વનું આકર્ષણ તેની ઈ-મેલ ડ્રાઈવ છે. આ સોફ્ટવેરનો ઉપયોગ કરવા માટે યુનિવર્સિટીની વેબસાઈટ પર વિદ્યાર્થી પોતાનું ઈ-મેલ રજિસ્ટર કરીને આવનારી નોકરી વિશે માહિતી મેળવી શકે છે. હાલ સૌરષ્ટ્રની 300થી વધુ કોલેજના 8 લાખ વિદ્યાર્થીઓને વિવિધ ક્ષેત્રેની નોકરીની માહિતી પ્રાપ્ત થાય છે.

લોકડાઉનમાં પણ વિદ્યાર્થીઓને ઓનલાઈન માર્ગદર્શન અપાયું હતું
CCDCના માધ્યમથી સૌરાષ્ટ્ર વિસ્તારના અનેક છાત્રોને સરકારી નોકરી મળી છે. લોકડાઉનમાં પણ ઓનલાઈન માધ્યમથી પરીક્ષાની તૈયારી કરતા છાત્રોને સતત માર્ગદર્શન અપાયું અને નિઃશુલ્ક 500 કલાકથી પણ વધારે વીડિયો ઉપલબ્ધ કરાવ્યા છે જે ટીમ વર્કનું આદર્શ ઉદાહરણ છે. > ડૉ. નિકેશ શાહ, કો-ઓર્ડિનેટર

અન્ય સમાચારો પણ છે...