તાલીમ:સિવિલમાં મગજની ગાંઠની જટિલ સર્જરી નાકમાંથી કરવાની તાલીમ

રાજકોટ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચેન્નાઈના એક્સપર્ટ બે દિવસ શીખવશે નવી ટેક્નોલોજીથી સર્જરી
  • ભારતમાં મ્યુકરમાઈકોસિસની સૌથી વધુ સર્જરી રાજકોટમાં થઈ હતી : કલેક્ટર

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં બે દિવસના ખાસ ઈએનટી વર્કશોપની શરૂઆત થઈ છે જેમાં ચેન્નાઈના નિષ્ણાત સર્જને જટિલ સર્જરીનું નિદર્શન કરી રાજકોટમાં તે પદ્ધતિએ સર્જરી શીખવવાનો પ્રયત્ન કર્યો હતો. ઈ.એન.ટી. સોસાયટી રાજકોટ તેમજ સિવિલના ઈ.એન.ટી. વિભાગના સંયુક્ત ઉપક્રમે ખાસ બે દિવસીય વર્કશોપનો આરંભ શનિવારથી થયો છે જેમાં ચેન્નાઈના ઈ.એન.ટી. સર્જન ડો. તુલસીદાસ તેમજ ડો. આહિલા સ્વામી આવ્યા છે.

આ બંને નિષ્ણાતોએ નાક વાટે સાયનસ તેમજ મગજની ગાંઠની લાઈવ સર્જરી કરી કોઈપણ જટિલ સર્જરી ટેક્નોલોજીની મદદથી સરળ રીતે કરી શકાય તેનું નિદર્શન તેમજ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ વર્કશોપ ખુલ્લી મૂકતી વખતે જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, ભારતમાં સૌથી વધુ મ્યુકરમાઈકોસીસના દર્દીઓની સર્જરી રાજકોટમાં કરવામાં આવી હતી અને તમામ વિભાગોએ કોવિડ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરી હતી.

તેઓએ પણ લાઈવ સર્જરી ઓપરેશન થિએટરમાં જઈને જોઈ હતી. ઈ.એન.ટી વિભાગના હેડ ડો. સેજલ મિસ્ત્રીએ વર્કશોપ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, આજના એફ.ઈ. એસ.એસ.વર્કશોપમાં ફંક્શનલ એન્ડોસ્કોપિક સાયનસ સર્જરી દર્દીઓ પર લાઈવ કરવામાં આવી છે. જેમાં નાક વાટે સાયનસની સર્જરી તેમજ તાળવા અને મગજની ગાંઠની સર્જરી પણ કરવામાં આવી રહી છે. આ વર્કશોપમાં ગુજરાતભરના 150થી વધુ તબીબો હાજર રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...