તાલીમ કાર્યક્રમ:બીમારીથી બચવા ઝેરી શાકભાજી છોડી કિચન ગાર્ડન માટે 250 મહિલાને તાલીમ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિલાઓ પ્રોડક્ટ તૈયાર કરશે તો માર્કેટની વ્યવસ્થા સંસ્થા કરશે
  • ​​​​​​​બાગાયત વિભાગ દ્વારા અર્બન હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ તાલીમ કાર્યક્રમ યોજાયો

રાજકોટ જિલ્લા બાગાયત વિભાગ દ્વારા અર્બન હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ અંગે મહિલાઓને એક દિવસની તાલીમ આપવા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બજારમાં મળતા ઝેરી શાકભાજીથી બચાવા મહિલાઓને કિચન ગાર્ડન અંગે બિયારણથી લઈને શાકભાજી તૈયાર થાય તે અંગેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. સાથે જ મહિલાઓ ગૃહઉદ્યોગ ચલાવતા હોય તો તેમને માર્કેટ પૂરું પાડવા અંગે માહિતી આપવામાં આવી હતી. આત્મીય યુનિવર્સિટી ખાતે બાગાયત વિભાગ દ્વારા યોજાયેલા હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ તાલીમ કાર્યક્રમમાં 250 જેટલી મહિલા ઉપસ્થિત રહી હતી. બજારમાં મળતા શાકભાજી તેમજ ખાદ્ય પદાર્થો શરીરમાં કેવી રીતે નુકસાન પહોંચાડી શકે છે અને તેનાથી બચવા શાકભાજી સહિત ખાદ્ય ચીજો કેવી રીતે તૈયાર કરી શકાય તે અંગે માહિતી આપવામાં આવી હતી. મહિલાઓને તાલીમ આપતા બાગાયતી અધિકારી અસીત ટાંકે જણાવ્યું હતું કે, શહેરીકરણ અને ઔદ્યોગિકીકરણને કારણે પ્રદૂષણ વધી રહ્યું છે. યોગ્ય ખોરાક ન મળવાને કારણે લોકોની તંદુરસ્તી જોખમાય રહી છે.

જેમાં સૌથી વધુ ઝેરી શાકભાજી જે અનેક મોટી બીમારીને નોતરે છે. ત્યારે જો કિચન ગાર્ડન તૈયાર કરી ઘરઆંગણે શાકભાજી મળે તો અનેક રોગથી બચી શકાશે. ઘરની થોડી જગ્યામાં પણ શાકભાજી ઉગાડી શકાય છે. કિચન ગાર્ડન ઉપરાંત બાલ્કની ગાર્ડન, વર્ટિકલ ગાર્ડન, ઇન્ડોર ગાર્ડન તેમજ ટેરેસ ગાર્ડનમાં શાકભાજી તૈયાર કરી શકીએ છીએ. મહિલાઓને રોજગારી મળી રહે તે માટે નવજીવન સંસ્થા દ્વારા માર્કેટ વ્યવસ્થા કરવામાં આવી છે. જે કોઈ મહિલાઓ ગૃહઉદ્યોગ ખોલી પ્રોડક્ટ તૈયાર કરશે તેને નવજીવન સંસ્થા દ્વારા લોકો સુધી પહોંચાડવામાં આવશે.

બાગાયત વિભાગના નાયબ નિયામક જી.જે. કાતરિયાએ જણાવ્યું હતું કે, મહિલાઓ સહાય યોજનાઓનો પણ લાભ લઈ શકે છે. જેમાં વાવેતર સહાય, શાકભાજીમાં તો ટ્રેલીઝ મંડપ માટે સહાય, યાંત્રિકીકરણ પાક સંરક્ષણ તેમજ પાકની કાપણી સહિતની વ્યવસ્થા માટે પણ સહાયનો લાભ મળી શકે છે. બાગાયત વિભાગ દ્વારા જેતપુર તાલુકામાં પણ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...