અકસ્માત:ગોંડલમાં ફાટક ખુલ્લું રહી જતા ટ્રેને કારને ટક્કર મારી, કારચાલકનું ઘટનાસ્થળે જ મોત; લોકોએ ફાટકમેનને પકડતા કહ્યું- ‘મારી ભૂલ છે’

ગોંડલએક વર્ષ પહેલા
  • ઘટનાસ્થળે હાજર લોકોના જણાવ્યા અનુસાર ફાટકમેનની બેદરકારીના કારણે આ અકસ્માત બન્યો

ગોંડલ નજીક સાંઢીયાપુલ પાસે ફાટક ખુલ્લું રહી જતા ટ્રેને કારને ટક્કર મારતા કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. ફાટકમેનની ભૂલને કારણે ટ્રેન આવી છતાં જાણ ન થતા અકસ્માત સર્જાયો હતો. જેમાં કારચાલક સંજયભાઈ ટીલાળાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. તેમજ પોલીસને જાણ થતા દોડી આવી હતી અને મૃતકના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડાયો હતો. લોકોએ ફાટકમેનને પકડતા જ તે બોલ્યો હતો કે, મારી ભૂલ છે.

ઘટનાને પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા
ઘટનાને પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા

સોમનાથ-જબલપુર ટ્રેન અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો
ગોંડલના સાંઢિયા પુલ પાસેથી પસાર થતી સોમનાથ-જબલપુર ટ્રેન અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં કારચાલકનું મોત નીપજ્યું હતું. ઘટનાસ્થળે હાજર લોકોના જણાવ્યા અનુસાર ફાટકમેનની બેદરકારીના કારણે આ અકસ્માત બન્યો છે. આ અકસ્માત એટલો ગંભીર હતો કે કારચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં રેલવે પોલીસ દોડી આવી તાપસ હાથ ધરી હતી.

લાશ સ્વીકારવાનો પરિવારનો ઇનકાર
ઉશ્કેરાટ ભર્યા વાતાવરણ વચ્ચે પરિવારજનોએ લાશ સ્વીકારવાની ના પાડી હતી, જો કે સમજાવટથી મામલો થાળે પડ્યો. મૃતક બે ભાઇઓમાં નાના અને અપરણીત હતા. સ્થાનિક ટીનીંગ મીલમાં કામ કરીને ગુજરાન ચલાવતા હતા.

તંત્રની બેદરકારીના લીધે માનવ જિંદગી હોમાઇ
જેતપુર રોડ રેલવે ટ્રેકની ઉપર સાંઢિયા પુલનું કામ છેલ્લા ચાર-પાંચ વર્ષથી ગોકળ ગતિએ ચાલી રહ્યું હોય સાંઢિયા પુલની પાસે જ રોડ પર ફાટક કરી ડાયવર્ઝન અપાયું છે. આથી ગાડા માર્ગના કારણે વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

પહેલાં વળાંકમાં જ દેખાયું કે ફાટક ખુલ્લું છે
આ ફાટકની પહેલા વળાંક આવતો હોય તેઓએ વળાંકમાં જોયું તો ફાટક ખુલ્લુ જણાયું હતું અને એક કાર બેધડક પસાર થઇ રહી હતી. ફાટક અને વળાંક વચ્ચે માંડ 30 ફૂટનું જ અંતર રહે છે. અને કોઇ પણ ચાલકને માંડ દેખાય કે ટ્રેન આવી રહી છે તેવો વળાંક અહીં છે. આથી મને જ્યારે ખ્યાલ આવ્યો કે કાર પસાર થઇ રહી છે ત્યારે ટ્રેનને બ્રેક મારવામાં આવી હતી પરંતુ તેમ છતાં ચાલકે કાર પસાર કરતા અકસ્માત સર્જાયો હતો. ટ્રેન તો રાબેતા મુજબ તેની નિર્ધારિત સ્પીડમાં હતી અને કાર અડધો કિમી જેટલી ઢસડાઇ હતી અને ટ્રેક પર જ અટકી પડી હતી. આથી આ અકસ્માતના કારણે ટ્રેન એક કલાક મોડી થઇ હતી. બાદમાં ટ્રેન વ્યવહાર પૂર્વવત કરી દેવામાં આવ્યો હતો. - મુકુટ મીના, સોમનાથ જબલપુર ટ્રેનના પાયલોટ

રિંગ ન સંભળાઈ એટલે ફાટક ખુલ્લું રહી ગયુંઃ ફાટકમેન
લોકોએ ફાટકમેનને પકડી રાખતા ફાટકમેને જણાવ્યું હતું કે, ટ્રેન આવી ત્યારે ફાટક બંધ હતું, હું ફાટક બંધ કરવા આવ્યો ત્યાં સુધીમાં ગાડી આંબી ગઈ હતી. હું મારી ભૂલ સ્વીકારૂ છું. મારાથી ટેલિફોનની રિંગ ન સંભળાણી એટલે મારાથી ફાટક બંધ ન થયું. એક્સિડન્ટ થયું એટલે એ ભાઈનો જીવ ગયો છે. વહેલુ ફાટક બંધ કરૂ તો લોકો ગાળો આપી જાય છે.

(દેવાંગ ભોજાણી, હિમાંશુ પુરોહિત, ગોંડલ)