રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત શહેરમાં ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે હાલમાં જુદા જુદા કુલ 29 સ્થળે ટ્રાફિક સિગ્નલ લગાવવામાં આવ્યા છે. જેમાં કેટલાક જંક્શન ખાતે સ્માર્ટ ટ્રાફિક સિગ્નલ કાર્યરત કરવામાં આવ્યા છે. શરૂઆતનાં તબક્કામાં પ્રથમ ત્રણ જંક્શન ઢેબરભાઇ ચોક, ત્રિકોણબાગ અને જ્યુબેલી ચોક પર સ્માર્ટ સિગ્નલ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા હતાં. આ સીગ્નલને વ્હિકલ એક્યુમેટેડ મોડમાં કન્વર્ટ કરવામાં આવ્યા હતાં. ત્યારબાદ કાંતા સ્ત્રી વિકાસ ગૃહ ચોક, રૈયા સર્કલ, હનુમાન મઢી ચોક, નાગરિક બેંક ચોક, મકકમ ચોક અને સત્ય વિજય આઇસ્ક્રીમ ચોકને પણ આ મોડમાં કન્વર્ટ કરવામાં આવ્યા છે.
ટ્રાફિક સિગ્નલ કુલ ત્રણ મોડમાં કામ કરી શકે
ઢેબરભાઇ ચોક, ત્રિકોણ બાગ, જ્યુબેલી ચોકના ટ્રાફિક સિગ્નલના ડેટાનું મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ એનાલિસિસ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, આ ડેટાનું વિશ્લેષણ કરતા માલુમ ૫ડ્યું છે કે, આ ત્રણેય ટ્રાફિક જંક્શનને વ્હિકલ એક્યુમેટેડ મોડમાં કન્વર્ટ કરતાં 35 ટકા જેટલા સમયની બચત થઈ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ પ્રોજેક્ટ અંતર્ગત લગાવવામાં આવેલા સિગ્નલ એક પ્રકારના સ્માર્ટ સિગ્નલ છે. આ સિગ્નલ એક ખાસ પ્રકારનાં કેમેરાથી સજ્જ હોય છે. જે આ જંક્શન પરથી પસાર થતા વાહનોની સંખ્યા તેમજ ક્યાં પ્રકારનાં વાહનો પસાર થાય છે તે તમામ ડેટા રેકોર્ડ કરી તેનું એનાલિસિસ કરે છે અને એ પ્રમાણે સિગ્નલ ઓપરેટ કરે છે. આ ટ્રાફિક સિગ્નલ કુલ ત્રણ મોડમાં કામ કરી શકે છે.
આ ત્રણ મોડ આ રીતે કામ કરે છે
1. મેન્યુઅલ મોડ: આ મોડમાં સિગ્નલને અલોકેટ કરવામાં આવેલ ટાઇમ મુજબ સામાન્ય પ્રકારે કામ કરે છે.
2. વ્હિકલ એક્યુમેટેડ મોડ: આ મોડમાં સિગ્નલ જે-તે સાઇડમાં અલોકેટ કરવામાં આવેલ સમય દરમિયાન જો વાહન પસાર થવાનાં બાકી ન હોય તો ઓટોમેટિક બીજી સાઇડને ગ્રીન સિગ્નલ આપે છે. જે કારણે સમયની બચત થાય છે.
3. એડેપ્ટીવ મોડઃ આ મોડમાં સિગ્નલ વ્હિકલ એક્યુમેટેડ મોડમાં કામ કરે છે. તેમજ અન્ય આસપાસનાં સિગ્નલ સાથે પણ સીન્ક્રોનાઇઝ કરી ટ્રાફિકનું નિયમન કરે છે, અને ગ્રીન કોરીડોર બનાવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.