રાજકોટની એક્સિસ બેંકમાં 500ના દરની 31 નકલી નોટો પકડાઈ હતી. જે અંગે એ. ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ થયો છે. યાજ્ઞિક રોડ પર લગેજ પોઈન્ટ નામે પેઢી ચલાવતા સંદિપ સાપરિયા પોતાના બેંક ખાતામાં 500ના દરની 26 નોટ જમા કરાવવા આવ્યા હતા તેમાંથી 25 નોટ નકલી નિકળી હતી. જ્યારે એટીએમમાં 6 નકલી નોટ જમા કરી હતી. આમ 31 નોટ નકલી નિકળતા તેને કોણે આ નોટો આપી તે અંગે હાલ અજાણ્યા વ્યક્તિ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરાઈ છે.
કેશિયરે ચેક કરતા નોટો નકલી નિકળી
યાજ્ઞિક રોડ એક્સિસ બેંક બ્રાંચના બ્રાંચ ઓપરેશન હેડ તુષારભાઇ સુરેશભાઇ રાવલે ફરિયાદમાં જણાવ્યું છે કે, હું છેલ્લા પંદર દિવસથી યાજ્ઞિક રોડ બ્રાન્ચમાં નોકરી કરૂ છું, છેલ્લા ત્રણ વર્ષથી આશિષભાઇ કમલેશભાઇ બદીયાણી કેશિયર તરીકે અમારી બ્રાન્ચમાં નોકરી કરે છે. ગત બપોરના સવા બાર વાગ્યાની આસપાસ હું બેંકે મારી ફરજ ઉપર હાજર હતો. તે વખતે કેશિયર આશીષભાઇ મારી પાસે આવેલ અને મને વાત કરી હતી કે, એક ગ્રાહક રોકડા રૂપિયા જમા કરાવવા આવ્યા હતા. જે નોટો ચેક કરતા નકલી નોટ હોવાનુ જણાયું હતું.
નકલી નોટ ક્યાંથી આવી તે અંગે વેપારી અજાણ
બેંકના ખાતેદાર સંદિપ કાંતીલાલ સાપરિયા રૂપિયા જમા કરાવવા આવ્યા હતા અને તેઓએ 500ના દરની કુલ 26 નોટ જમા કરાવી હતી. આ દરમિયાન અમારા કેશિયર દ્વારા નોટો ચેક કરતા એ પૈકીની 25 નોટ નકલી હોવાનુ જાણવા મળી હોય જેથી અમે આ ખાતેદાર સંદિપ સાપરીયાને આ 500ના દરની નકલી નોટ બાબતે પૂછતા તેઓએ આ નકલી નોટ છે તે બાબતે પોતાને કોઇ ખ્યાલ નહીં હોવાનું જણાવ્યું હતું.
પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી
બ્રાંચ મેનેજર મેહુલભાઇ પારેખને જાણ કરી અને આરબીઆઇના નિયમ મુજબ કાર્યવાહી કરી હતી. તેવામાં બપોરના સવા બે વાગ્યાની આસપાસ અમારા એટીએમ મશીન એજન્સીના કસ્ટોડીયન રસિકભાઇ ખેતરીયા તથા ક્રિષ્ના ખેરાડિયા દ્વારા 500ના દરની કુલ 6 નકલી નોટ અમારી પાસે જમા કરાવવા આવ્યા હતા. આ નકલી નોટ એટીએમ મશીનમાંથી નીકળ્યાનું જણાવ્યું હતું. જેથી સાપરીયા સંદિપ કાંતીલાલે જ આ નોટો જમા કર્યાનું જાણવા મળ્યું હતું. આમ 31 નકલી નોટો અંગે ગુનો નોંધી સંદિપ કોની પાસેથી નોટો લાવ્યા હતા તે અંગે તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.