દિલ્હી- મુંબઈમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. રાજકોટમાં રાત્રિ કર્ફ્યૂની અમલવારી શરૂ થઈ ગઈ છે. પહેલી બે લહેરમાં લોકડાઉનમાં દુકાનો- વ્યાપાર- ઉદ્યોગ બંધ રહેવાને કારણે આ વખતે વેપારનીતિ બદલાવી છે. કાપડ બજારથી લઇને સોનીબજારમાં લાંબા ગાળાના રોકાણ-ખરીદી વગેરે અટકાવી દીધી છે, તો સોનીબજારમાં બીજા રાજ્યમાંથી મળતા ઓર્ડર પર અત્યારે બ્રેક લાગી ગઇ છે. હાલ અત્યારે બજારમાં જે ખરીદી છે તે લગ્ન માટેની હોવાનું વેપારીઓ જણાવે છે.
રાજકોટ જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશનના પ્રમુખ જગદીશભાઈ સોનીએ જણાવ્યું હતુ કે, હાલ યુપી, બિહાર, દિલ્હી- મુંબઈ વગેરે શહેરોમાંથી જે ઓર્ડર આવે છે તે હાલ ઘટી ગયા છે. ઓર્ડર ઘટવાની શરૂઆત ડિસેમ્બરના અંત મહિનાથી અને જાન્યુઆરી મહિનાની શરૂઆતથી થઈ છે. અત્યારે જે કામ ચાલે છે તેમાં સ્થાનિક કામ વધારે છે.તેમજ લોંગ ટાઈમ માટેના જે ઓર્ડર છે તે વેપારીઓ ખુદ લેતા નથી.
જો લાંબા ગાળાના ઓર્ડર લેવામાં આવે અને વેપાર પર લોકડાઉન લાગી જાય કે નવા નિયમો આવે તો રોકાણ વધી જાય અને આ નાણાં છૂટા થતા સમય લાગે. જ્યારે હોલસેલ ટેક્સટાઈલ્સ મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ હિતેશભાઈ અનડકટ જણાવે છે કે, અત્યારે કાપડના વેપારીઓ જરૂર પૂરતો જ સ્ટોક મગાવી રહ્યા છે. મગાવેલો સ્ટોક વેચાઈ ગયા બાદ બીજો ઓર્ડર નોંધાવે છે.
દિવાળી-લગ્ન સિઝનમાં બધા લોકોએ બલ્કમાં સ્ટોક મગાવી લેતા હતા કે એડવાન્સમાં સ્ટોક મગાવી લેતા હતા,પરંતુ અત્યારે ચિત્ર બદલાયું છે. બીજા રાજ્યમાં જ્યાં લોકડાઉન કે રાત્રિ કર્ફ્યૂ લાગુ કર્યું છે. તેની અસર પણ અત્યારે જોવા મળી રહી છે. કોઇ એક ખરીદી માટે પહેલા ગ્રૂપમાં આવતા હતા. તેના બદલે અત્યારે બજારમાં જે લોકો ખરીદી માટે આવે છે તેવા લોકો ગ્રૂપમાં આવવાને બદલે જરૂર પૂરતા જ આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.