હુકુમ:તીખા ગાંઠિયામાં હાનિકારક રંગ નાખવા બદલ વેપારીને જેલની સજા

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સજા ઉપરાંત 10 હજારનો દંડ ફટકારાયો
  • 2013માં શ્રીનાથજી ફરસાણમાંથી​​​​​​​ ​​​​​​​લીધેલા નમૂના ફેલ થયા હતા

રાજકોટ શહેરની ફૂડ શાખાએ 18-02-2013ના રોજ શ્રીનાથજી ફરસાણ(ત્રિવેણી સંગમ એપાર્ટમેન્ટ સામે લક્ષ્મીનગર-4) નામની પેઢીમાંથી છૂટક વેચાતા તીખા ગાંઠિયાના નમૂના લીધા હતા. આ નમૂના લેબમાં જતા રિપોર્ટમાં સિન્થેટિક ફૂડ કલરની હાજરી મળી હતી જે હાનિકારક હોવાથી અનસેફ હોવાનો રિપોર્ટ આવ્યો હતો. અને જે ખાવાથી લોકોના આરોગ્ય પર અવળી અસર થવાની શક્યતા રહે છે. આ ભેળસેળ ખુલ્યા બાદ તેનો કેસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલ્યો હતો જેનો ચુકાદો મનપાની તરફેણમાં આવ્યો છે.

કોર્ટે આ મામલે તકસીરવાન ઠેરવી પેઢીના માલિક ચંદ્રકાંત ગીરધર કાનાબારને 10,000 રૂપિયાનો દંડ અને એક માસની કેદનો હુકમ કર્યો છે. મનપાના ઈતિહાસમાં ઘણા ઓછા કેસમાં કેદની સજા ભેળસેળ બદલ કરાઈ છે. છેલ્લા 3 વર્ષમાં આ ત્રીજો કેસ છે જેમાં અનસેફ ફૂડ બદલ જેલવાસનો હુકમ કરાયો છે.

ફૂડ શાખાના જણાવ્યા અનુસાર હુડકો ક્વાર્ટર પાસે આવેલી સુધાંગ ડેરીમાંથી કેસર શીખંડનો નમૂનો લેવાયો હતો જેમાં સિન્થેટિક કલર મળી આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયો છે. હવે પેઢીના સંચાલક સંજય વલ્લભ ખૂંટ સામે અધિક કલેક્ટર અને એજ્યુકેટિંગ ઓફિસરની કોર્ટમાં કેસદાખલ કરાશે.

અન્ય સમાચારો પણ છે...