કાર્યવાહી:એક કિલોએ 40 રૂપિયા વધુ કમાવવા ઉપવાસ કરતા ભાવિકોને મકાઈના લોટમાંથી બનાવેલી પેટીસ ધાબડતો વેપારી પકડાયો

રાજકોટ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઔદ્યોગિક વપરાશના સ્ટાર્ચનો જથ્થો પેટીસમાં વપરાયો - Divya Bhaskar
ઔદ્યોગિક વપરાશના સ્ટાર્ચનો જથ્થો પેટીસમાં વપરાયો
  • રેલનગરમાં ધનલક્ષ્મી ફરસાણમાંથી 50 કિલો અખાદ્ય મેઈઝ સ્ટાર્ચમાંથી બનાવેલી પેટીસનો નાશ
  • વેપારીઓ પાસેથી અખાદ્ય લોટ મેળવવાનું સરનામું માગતા લાતી પ્લોટમાં સુરેશ કન્ફેક્શનરી નામની પેઢીમાંથી મળ્યું ગોડાઉન

રાજકોટમાં શ્રાવણ માસ શરૂ થતાં જ નફાખોરી માટે લોકોના ઉપવાસ તોડાવવા માટે બિન ફરાળી લોટમાંથી પેટીસ બનાવવાનું ચાલુ કર્યું છે પણ હદ તો ત્યારે થઈ છે કે હાલ રાજકોટમાં ઉદ્યોગોમાં ગુંદર બનાવવા માટે જે અખાદ્ય કોર્ન સ્ટાર્ચ વપરાય છે તેનો લોટ બાંધીને પેટીસ બનાવવામાં આવી રહી છે અને તેનું આખું ગોડાઉન લાતી પ્લોટમાંથી મળી આવ્યું છે. મનપાની ફૂડ શાખાએ શ્રાવણ મહિનાના સોમવારે કે જ્યારે ફરાળી પેટીસનું સૌથી વધુ વેચાણ થતું હોય છે ત્યારે ચેકિંગ હાથ ધર્યું હતું.

ચેકિંગ દરમિયાન રેલનગરમાં સાધુવાસવાણી કુંજ રોડ પર આવેલી ધનલક્ષ્મી ફરસાણ નામની પેઢીમાં તપાસ કરતા બિન ફરાળી લોટમાંથી બનતી પેટીસ પકડાઈ હતી જેથી 50 કિલોનો નાશ કરાયો હતો. જે લોટમાંથી પેટીસ બનતી હતી તે ચેક કરતા તેમાં મેઈઝ સ્ટાર્ચ લખેલું હતું અને સૌથી ચોંકાવનારી વાત છે કે આ સ્ટાર્ચ ઈન્ડસ્ટ્રિયલ ઉપયોગ માટેનો હતો ફૂડ ગ્રેડ હતો જ નહિ જેથી અધિકારીઓએ અખાદ્ય લોટ ક્યાંથી આવ્યો તેની પૂછપરછ કરતા લાતી પ્લોટમાં સુરેશ કન્ફેક્શનરીનું નામ સામે આવ્યું હતું.

આ દરમિયાન જ સંતકબીર રોડ પરથી પણ બિનફરાળી અને આવા જ સ્ટાર્ચમાંથી પેટીસ મળી આવતા શ્રીનાથજી ફરસાણમાંથી 10 કિલો પેટીસનો નાશ કર્યો હતો. સ્ટાર્ચના સ્થળે ટીમ પહોંચી તો ત્યાં સુરેશ કન્ફેક્શનરી વર્કસના નામનું ગોડાઉન મળી આવ્યું જ્યાં એવરેસ્ટ બ્રાન્ડ મેઈઝ સ્ટાર્ચ પડ્યો હતો અને તેના 50 કિલોના થેલામાં જ ફક્ત ઔદ્યોગિક ઉપયોગ લખેલું હતું. ફૂડ શાખાના અધિકારી અમિત પંચાલે જણાવ્યું હતું કે, પેટીસ અને સ્ટાર્ચના નમૂના લેવાયા છે.

આ લોટ ફક્ત ઔદ્યોગિક ઉપયોગનો છે ફૂડ ગ્રેડ નથી એટલે સ્વાભાવિક છે તેમાં ઘણી અશુદ્ધિઓ હોઈ શકે જે નુકસાન કરી શકે. આવા સ્ટાર્ચનો ઔદ્યોગિક ઉપયોગ ગુંદર બનાવવા અને કાગળ બનાવવામાં થાય છે તેને ખાઈ ન શકાય. બિનફરાળી લોટ ઉપરાંત ઈન્દિરા સર્કલ પાસે સંતોષ ડેરી ફાર્મ અને ભગવતી ફરસાણમાં તપાસ કરતા દાઝિયા તેલમાં પેટીસ તળાતી હોવાનું જોવા મળ્યું હતું તેથી અગાઉ બિનફરાળી વસ્તુઓ બનાવ્યા બાદ વધેલા તેલમાં પેટીસ તળાતી હોવાની શંકાએ 10 કિલો પેટીસનો નાશ કરાયો છે.

સત્ય વિજયનું અસત્ય, શીખંડમાં કેસરના નામે રંગ ધાબડ્યો નમૂનો ફેલ
સદરમાં આવેલી સત્ય વિજય પટેલ સોડા ફેક્ટરીમાંથી કેસર શીખંડના નમૂના લેવાયા હતા અને લેબમાંથી રિપોર્ટ આવતા જોવા મળ્યું હતું કે, શીખંડમાં કેસર તો હતું જ નહિ તેને બદલે સિન્થેટિક ફૂડ કલર ધાબડી દેવાયો હતો. જેને લઈને પેઢીના માલિક કેતન મનસુખલાલ પટેલ સામે કેસ દાખલ કરાશે. આ સિવાય કોઠારિયા રોડ પરની રોહિત જીવરાજ ત્રાપસિયાની નકલંક ડેરીમાં મેંગો શીખંડમાંથી કલર મળ્યો છે. સાવરકુંડલાની અજંતા આઈસક્રીમમાં ફેટનું પ્રમાણ ઓછું નીકળ્યું છે જ્યારે પેડક રોડ પરની શ્રીશક્તિ કોઠી આઈસક્રીમ(પંકજ પરસોત્તમ ગોપાલ)માં પણ ફેટનું પ્રમાણ ઓછું નીકળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...