તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વ્યવસ્થા:બેડી યાર્ડમાં સેમ્પલ પદ્ધતિથી વેપારને છૂટ મળી, બે દિવસમાં 50 ખેડૂતનો માલ વેચાયો

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂતો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ, હરાજી નહિ થાય પરંતુ દરેક વેપારી સુધી સેમ્પલ મોકલાશે

કોરોનાનું સંક્રમણ વધતા બેડી યાર્ડ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે અંતર્ગત લગભગ 1 માસ સુધી યાર્ડ બંધ રહ્યું હતું. જેને કારણે ખેડૂતોને અન્ય યાર્ડમાં માલ વેચવા જવું પડતું હતું અથવા તો પોતાનો માલ રાખી મૂકવો પડતો હતો. ત્યારે ખેડૂતોને નુકસાન ન થાય એ માટે સેમ્પલ પદ્ધતિથી વેપારને છૂટ આપવામાં આવી છે. આ પદ્ધતિ હેઠળ બે દિવસમાં 50 ખેડૂતનો માલ વેચાયો છે. આ પદ્ધતિ હેઠળ યાર્ડમાં હરાજી નહિ થાય પરંતુ ખેડૂતોના માલનું સેમ્પલ દરેક વેપારી સુધી પહોંચાડવામાં આવશે.

કમિશન એજન્ટ એસોસિએશનના પૂર્વ પ્રમુખ અજયભાઈ ખૂંટના જણાવ્યાનુસાર આ સેમ્પલ પદ્ધતિમાં ખેડૂત ઈચ્છે તો સૌથી પહેલા પોતાની જણસીનું સેમ્પલ સાથે લાવી શકશે. જે સેમ્પલ કમિશન એજન્ટ દરેક વેપારીઓને બતાવશે અને ત્યાર બાદ જે સૌથી ઊંચા ભાવ બોલે તેને માલ વેચવામાં આવશે. જ્યારે ખેડૂત પોતાનો માલ ટ્રક કે વાહનમાં લઈને આવે ત્યારે એમને એક લેટરપેડ આપવામાં આવશે અને લેટરપેડના આધારે જ એમના જણસીના વાહનને અંદર પ્રવેશ આપવામાં આવશે.

જો ખેડૂત ઈચ્છે તો સીધો માલ લઈને પણ આવી શકે છે. સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે અને ખેડૂતનો માલ પણ વેચાઈ જાય એ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે બીજી તરફ ખેડૂતનો માલ વેચવામાં મંજૂરી મળતા બે દિવસમાં 50થી વધુ ખેડૂતોએ પોતાનો માલ વેચ્યો છે.

અન્ય સમાચારો પણ છે...