અકસ્માત:ગોંડલના મોવિયા ગામે ટ્રેક્ટર ચાલકની બેદરકારીના કારણે માતા અને બાળકી પર ટ્રેક્ટરનું વ્હીલ ફરી વળ્યું બાળકીનું ઘટના સ્થળે મોત, માતા ગંભીર

ગોંડલ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • માતાને ગંભીર હાલતમાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી

ગોંડલ તાલુકાના મોવિયા ગામે રહેતા અને ખેત મજૂરી કામ કરતાં શ્રમિક પરિવાર ટ્રેક્ટરમાં બેસી મજુરી કામે જઈ રહ્યો હતો ત્યારે ટ્રેક્ટર ચાલકની બેદરકારીના કારણે એક મહિલા અને સાડા ચાર માસની માસૂમ બાળા નીચે પટકાતા તેના પર ટ્રેક્ટરના તોતિંગ વ્હીલ ફરી વળતાં બાળકીનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું જ્યારે મહિલાને ગંભીર હાલતમાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી

શ્રમિક પરિવાર મજૂરી કરીને ઘરે જતો હતો
પ્રાપ્ત વિગતો મુજબ મોવિયા ગામે ખેત મજૂરી કામ કરતા મૂળ એમપીના રેનાબેન પ્રેમસિંગ ગરવાલ તેની સાડા ચાર માસની પુત્રી શારદા અને કૌટુંબિક કાકી કાલીબાઈ સેનસિંગ ગરવાલ સહિતના પપ્પુભાઈ ભુરીયાના ટ્રેક્ટર GJ03MB 9780 માં બેસી મજૂરીકામ માટે જઈ રહ્યા હતા ત્યારે પપ્પુભાઈ એ બેદરકારીથી ટ્રેક્ટર ચલાવતાં કાલીબાઈ અને સાડા ચાર માસની શારદા રોડ પર પટકાતા અને તેના પર ટ્રેક્ટરના તોતિંગ વ્હીલ ફરી વળતાં ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા.

બાળકીને ફરજ પરના તબીબ દ્વારા મૃત જાહેર કરી
હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકીને ફરજ પરના તબીબ દ્વારા મૃત જાહેર કરી હતી જ્યારે કાલીબાઈને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા અકસ્માતના બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ટ્રેક્ટર ચાલક વિરૂદ્ધ આઈપીસીની કલમ 279 337 304 કલમ 177 184 134 મુજબ ગુનો નોંધી તાલુકા પોલીસે તપાસ હાથ ધરી હતી
(હિમાંશુ પુરોહિત,ગોંડલ)