જવાબદારી:માધાપરની ટી.પી. સ્કીમની જવાબદારી મનપાને સોંપાઈ

રાજકોટ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રૂડાએ બે વર્ષ સુધી સ્કીમ તૈયાર ન કરતા નવા બાંધકામની મંજૂરીઓ અટકી ગઈ : મનપા 3 મહિનામાં જ તૈયાર કરી દેશે

રાજકોટમાં ઘણા સમયથી અટકેલી ટી.પી. નં. 11(માધાપર) કે જે રૂડા ઈરાદો જાહેર કર્યા બાદ બનાવી શકી નથી તે કામ પૂરું કરવા માટે રાજકોટ મહાનગરપાલિકાને જવાબદારી સોંપાઈ છે. જો કે, મનપા આ ટીપી સ્કીમ ત્રણ માસમાં જ તૈયાર કરી દેશે.

રાજકોટના માધાપર વિસ્તારમાં છેલ્લા બે વર્ષથી નવા બાંધકામને મંજૂરી મળી રહી નથી. આ કારણે રહેવાસીઓ પરેશાન થઈ રહ્યા છે. કોરોના પહેલા રૂડાએ આ વિસ્તારમાં નવી ટી.પી. સ્કીમ નં. 11 બનાવવાનો ઈરાદો જાહેર કર્યો હતો. ઈરાદો જાહેર થયા બાદ જ્યાં સુધી ટી.પી. ફાઈનલ ન થાય ત્યાં સુધી તે વિસ્તારમાં નવા બાંધકામને મંજૂરી મળતી નથી.

જોકે આ માટે 9 મહિનાનો સમય અપાય છે પણ રૂડાએ બે વખત મુદ્દત વધારી હતી આમ છતાં કામ થઈ શક્યું ન હતું. જેથી સમગ્ર મામલો સરકારમાં ગયો હતો. આ દરમિયાન આ વિસ્તાર રાજકોટ મહાનગરપાલિકામાં ભળી ગયો હતો તેથી હવે સરકારે આ ગૂંચનો રસ્તો કાઢીને રાજકોટ મહાનગરપાલિકાને ટી.પી. સ્કીમ બનાવવા માટેની જવાબદારી સોંપી છે.

આ અંગે ટી.પી. શાખાએ જણાવ્યું હતું કે, સ્કીમ બનાવવા માટે 9 મહિનાનો સમય અપાયો છે પણ પ્રયત્ન એવો છે કે 3 મહિનાની અંદર જ સ્કીમ તૈયાર કરીને સરકારમાં મોકલી દેવાય. સ્માર્ટ સિટી જેવી 300 હેક્ટર વિશાળ ટી.પી. સ્કીમ રેકોર્ડ સમયમાં બનાવી હતી જ્યારે માધાપર 125 હેક્ટર જેટલી છે તેથી ઝડપથી કામ થશે. સ્કીમ બન્યા બાદ બે વર્ષથી અટકેલા નવા બાંધકામની મંજૂરીના પ્રશ્નો હલ થઈ જશે.

અન્ય સમાચારો પણ છે...