રજૂઆત:કન્યા શાળા પાસે અસામાજિક તત્ત્વોનો ત્રાસ, વિદ્યાર્થિનીને ઉઠાવી જવા પ્રયાસ

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોઠારિયામાં બે બનાવ બનતા વાલીઓની મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત
  • પોલીસ કમિશનર કચેરીએ પણ આગેવાનો સાથે વાલીઓ દોડી આવ્યા

કોઠારિયા સોલવન્ટમાં આવેલી મહાનગરપાલિકા સંચાલિત નારાયણનગર કન્યા શાળા નજીક છાત્રાઓની અવારનવાર છેડતી થતી હોય તેમજ છાત્રાને ઉઠાવી જવાના પ્રયાસના પંદર દિવસમાં બે બનાવ બનતા વાલીઓ મ્યુનિસિપલ કમિશનર પાસે દોડી ગયા હતા અને શાળમાં તેમજ શાળા બહાર સીસીટીવી કેમેરા લગાવવા માંગ કરી હતી. તેમજ આ અંગે પોલીસ કમિશનરને પણ રજૂઆત કરવામાં આવી હતી.

કોંગ્રેસના આગેવાન વિજયસિંહ જાડેજાની આગેવાની હેઠળ કોઠારિયા સોલવન્ટ વિસ્તારના મહિલાઓ અને પુરુષો મ્યુનિસિપલ કમિશનર અરોરા પાસે પહોંચ્યા હતા, વિજયસિંહ તથા એ વિસ્તારના રહેવાસીઓએ રજૂઆત કરી હતી કે, કોઠારિયા સોલવન્ટમાં મનપા સંચાલિત નારાયણનગર કન્યા શાળા આવેલી છે, આ શાળાની નજીક માથાભારે તત્ત્વો અડિંગો જમાવીને બેસે છે અને શાળાએ જતી છાત્રાઓની અવાર નવાર પજવણી કરે છે, પાંચેક દિવસ પૂર્વે એક શખ્સે સગીરવયની છાત્રાને ઉઠાવી જવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ છાત્રાએ હિંમત દાખવી તે શખ્સને બચકું ભરી લેતા તે શખ્સ નાસી ગયો હતો, પંદર દિવસમાં છાત્રાના અપહરણના બે પ્રયાસ થયા હતા, છાત્રાઓની સુરક્ષા માટે શાળામાં તેમજ શાળાની બહાર રસ્તાઓ પર નજર રાખી શકાય તેવા સીસીટીવી કેમેરા લગાવવાની માંગ કરી હતી. મ્યુનિસિપલ કમિશનર અરોરાએ વહેલી તકે શાળામાં કેમેરા લગાવવાની ખાતરી આપી હતી, છાત્રાઓની થતી છેડતી મામલે પોલીસ કમિશનરને પણ રજૂઆત કરવામાં આવી હતી. બનાવ અંગે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...