રાજકોટ IMAની નવી પહેલ:આજ રાતે 9 વાગ્યે IMAના ફેસબૂક પેજ પર લોક દરબાર, કોરોના-ઓમિક્રોનને લઇ મૂંઝવતા પ્રશ્નો પૂછો, નિષ્ણાત તબીબો જવાબ આપવા તૈયાર

રાજકોટ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ IMAની નિષ્ણાત તબીબોની ટીમ લોક દરબારમાં જોડાશે. - Divya Bhaskar
રાજકોટ IMAની નિષ્ણાત તબીબોની ટીમ લોક દરબારમાં જોડાશે.
  • કોરોનાની સારવાર કરવામાં બહોળો અનુભવ ધરાવતા ડોક્ટરો લાઈવ થશે
  • ઓમિક્રોનની સારવારમાં શું કરવું, શું ન કરવું અને બુસ્ટર ડોઝ અંગે મંતવ્ય અપાશે

કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોન વિશ્વભરમાં હાહાકાર મચાવી રહ્યો છે. આપણા ભારત દેશમાં અને ગુજરાતમાં પણ ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે અને રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક સેન્ટરોમાં કોરોના અને ઓમિક્રોનના કેસ દિન પ્રતિદિન વધી રહ્યા છે. સાથોસાથે લોકોના મનમાં પણ કોરોના-ઓમિક્રોન સંબંધે જાત જાતના સવાલો થઈ રહ્યા છે અને લોકો ડર સાથે જીવી રહ્યા છે. એવા સમયે ઈન્ડિયન મેડિકલ એસોસીએશન (IMA) રાજકોટ દ્વારા લોકોના મનમાં ઉઠતાં વિવિધ પ્રશ્નોના યોગ્ય નિરાકરણ માટે આજે રાત્રે 9 વાગ્યે પોતાના ફેસબુક પેજ પર લાઈવ થઈ લોક દરબાર યોજશે. જેમાં લોકો પોતાના પ્રશ્નો પૂછી શકે છે અને નિષ્ણાત તબીબો તેનો ત્વરીત જવાબ આપશે.

લોકોના મનમાંથી કોરોના-ઓમિક્રોનનો ડર કાઢવા લોક દરબાર યોજાશે
આ લોક દરબાકમાં કોરોના સારવાર સાથે સંકળાયેલાં નિષ્ણાત તબીબો IMAના ફેસબુક પેજ પરથી લાઈવ માર્ગદર્શન આપશે અને લોકોનાં મનમાં થતાં તમમા પ્રકારના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવા પ્રયાસ કરવામાં આવશે. આવા સમયે ઈન્ડિયન મેડિકલ એસોસીએશન રાજકોટ દ્વારા સમાજ પ્રત્યેની ફરજ સમજી લોકોને કોરોના સંબંધે સંપૂર્ણ જાણકારી મળી રહે અને લોકોમાંથી ડર નીકળે અને લોકો સાવચેત બને એવા હેતુ સાથે અગાઉની જેમ ફરી અનોખું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. રાત્રે 9 વાગ્યે ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના ફેસબૂક પેજ પરથી રાજકોટના નિષ્ણાત તબીબો લાઈવ થઈ લોકોના પ્રશ્નોના જવાબ આપશે.

કોમેન્ટ બોક્સમાં મોબાઈલ નંબર સાથે પ્રશ્નો પૂછી શકાશે
દુનિયાભરના કોઈ પણ ખૂણે બેઠેલી વ્યક્તિ લાઈવમાં જોડાઈ કોમેન્ટ બોક્સમાં પોતાના મોબાઈલ નંબર સાથે પ્રશ્નો પૂછી શકશે અને કોરોના સારવાર સાથે સંકળાયેલા નિષ્ણાત તબીબો ત્વરિત આ સવાલના જવાબ આપશે. કોરોના સંક્રમિત થતાં દર્દીઓની સારવાર માટે તો રાજકોટના તબીબો સતત પ્રયત્નશીલ છે જ પણ લોકો સાવચેત બને, જાગૃત બને અને કોરોના સંક્રમિત જ ન થાય એવા ઉમદા હેતુ સાથે તબીબોના આ સંગઠન દ્વારા સમાજ ઉપયોગી કાર્ય હાથ ધરવામાં આવ્યું છે.

લોક દરબારમાં નિષ્ણાત ડોક્ટરો સામેલ થશે તેનું લિસ્ટ
આ લોકદરબારમાં IMA રાજકોટના પૂર્વ પ્રમુખ અને બાળરોગ નિષ્ણાત ડો. જય ધિરવાણી અને એસોસિએશન ઓફ પીડિયાટ્રીશિયન ઓફ રાજકોટના પ્રમુખ ડો.સમીર ઠકરાર, કોરોના મહામારી સમયે અનેક લોકોની સારવાર કરવાનો બહોળો અનુભવ ધરાવતા પ્રેસિડન્ટ ઈલેક્ટ ડો.સંજય ભટ્ટ, એસોસિએશન ઓફ ફિઝિશિયન ઓફ રાજકોટના પ્રેસિડન્ટ ડો.પ્રશાંત ત્રિવેદી, ક્રિટીકલ કેર સોસાયટી ઓફ રાજકોટના પ્રેસિડન્ટ ડો.તુષાર પટેલ, ડો.જયેશ ડોબરીયા, ડો.ચિરાગ માત્રાવડીયા, ડો.મંયક ઠક્કર, ડો.તેજસ કરમટા, ડો.સંકલ્પ વણઝારા સહિત નિષ્ણાત તબીબો દ્વારા ફેસબુક લાઈવમાં માર્ગદર્શન આપવામાં આવશે.

લોકોને મુંઝવતા પ્રશ્નોના જવાબ તબીબો આપશે
ઓમિક્રોનના લક્ષણો, ઓમિક્રોન અને કોરોનાના બીજા વેરિયન્ટ વિશે ચર્ચા, જિનોમ સિક્વન્સનું મહત્વ, નિદાન, ઓમિક્રોનની સારવારમાં શું કરવું અને શું ન કરવું, બુસ્ટર ડોઝ વગેરે તમામ બાબતો પર નિષ્ણાતો પોતોના મંતવ્ય રજૂ કરશે. લોકોએ સોશિયલ મીડિયામાં ઓમિક્રોન વિશે આવતી માહિતીથી દૂર રહી બહોળી સંખ્યામાં લોક દરબારમાં જોડાઈ ઓમિક્રોન વિશે જાગૃત બનવું જોઈએ.

અન્ય સમાચારો પણ છે...