વિદાય:કાલે વિઘ્નહર્તાનું શહેર નજીકના સાત સ્થળે વિસર્જન કરી શકાશે

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ‘અગલે બરસ તું જલ્દી આ’ના નાદ સાથે વિઘ્નહર્તાને વિદાય અપાશે

દસ દિવસ સુધી ગણપતિ ગજાનનની પૂજા-અર્ચના, આરાધના કર્યા બાદ રવિવારે ભાવિકો ભાવભેર વિઘ્નહર્તાની સ્થાપિત મૂર્તિનું નદી-તળાવમાં વિસર્જન કરશે, મોટાભાગના ભાવિકો નાની મૂર્તિનું પોતાના ઘર કે સોસાયટીમાં જ જળમાં વિસર્જન કરશે. પરંતુ પર્યાવરણની જાળવણી કરવા, જળસ્ત્રોતોમાં થતું પ્રદૂષણ અટકાવવા, કાયદો-વ્યવસ્થાની જાળવણી કરવા અને જળસૃષ્ટિ પર વિપરીત અસર થતી અટકાવવાના હેતુસર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરની ભાગોળે જુદા-જુદા સાત સ્થળોએ ગણેશ મૂર્તિ વિસર્જિત કરવાનું નક્કી કરાયું છે.

ગણેશ મહોત્સવના પ્રારંભે જેટલા ઠાઠ-માઠથી, વાજતે-ગાજતે, ઢોલ-નગારા સાથે અને રાસ-ગરબાની રમઝટ સાથે દુંદાળાની સ્થાપના કરવામાં આવી હતી. એટલા જ જોશ, ઉત્સાહ અને ભાવભેર વિઘ્નહર્તાની રવિવારે વિદાય પણ ભાવિકો કરશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ પ્રતિમાને વિસર્જિત કરવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા સાત સ્થળો નક્કી કર્યા છે પરંતુ કોરોના મહામારીની ગાઈડલાઈનને ધ્યાનમાં રાખીને અને જાહેરનામાનું પાલન કરીને ભાવિકો ગણેશ વિસર્જન કરી શકશે. વિસર્જન સ્થળે મનપાની ફાયર વિભાગની ટીમ પણ કાર્યરત રહેશે જેઓ મૂર્તિ વિસર્જિત કરાવશે. પાણીની અંદર જઈને કોઈપણ ભાવિકને મૂર્તિ વિસર્જિત કરવાની પરવાનગી નહીં આપવામાં આવે.

આ 7 સ્થળે મનપાની ફાયર વિભાગની ટીમ કાર્યરત રહેશે

  • આજીડેમ ઓવરફલો પાસે ખાણ નં.1
  • આજીડેમ ઓવરફલો પાસે ખાણ નં.2
  • આજીડેમ ઓવરફલો ચેક ડેમ
  • પાળ ગામ, જખરાપીરની દરગાહ પાસે, મવડી ગામથી આગળ
  • ન્યારાના પાટિયા પાસે, ન્યારા રોડ, ખાણમાં જામનગર રોડ.
  • બાલાજી વેફર્સની સામે વાગુદળ પાટિયા પછી પૂલ નીચે, કાલાવડ રોડ
  • એચ.પીના પેટ્રોલપંપ સામે રવિવારી બજારવાળું મેદાન, આજી ડેમ પાસે, ભાવનગર રોડ

જાહેરનામું | વિસર્જનમાં મહત્તમ 15 લોકો એક વાહનમાં જઈ શકશે
શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેર કરાયેલા જાહેરનામામાં દર્શાવાયું છે કે પોલીસ કમિશ્નરેટ વિસ્તારમાં સાર્વજનિક ગણેશ મહોત્સવમાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી શકાશે નહીં. ગણેશ મૂર્તિ સ્થાપન તેમજ વિસર્જન માટે મહત્તમ 15 વ્યક્તિઓ એક જ વાહન મારફત કરી શકશે. ઘર પર સ્થાપન કરવામાં આવેલ ગણેશનું વિસર્જન ઘર પર જ કરવામાં આવે તે હિતાવહ રહેશે. સાર્વજનિક ગણેશ સ્થાપનનું વિસર્જન સ્થાનિક સત્તામંડળ દ્વારા તૈયાર કરેલ કૃત્રિમ વિસર્જન કુંડમાં વિસર્જન કરવાનું રહેશે. આ પધ્ધતિ સિવાયની કોઇપણ
પધ્ધતિથી મૂર્તિ વિસર્જન થઇ શકશે નહી. અન્યથા જાહેરનામા ભંગનો ગુનો બનશે.

મુહૂર્ત | વિસર્જન માટે રવિવારે સવારે 8.07થી શુભ મુહૂર્ત શરૂ થશે
શુભ ચોઘડિયું સમય
ચલ સવારે 8.07થી 9.38 કલાક સુધી
લાભ સવારે 9.38થી 11.09 કલાક સુધી
અમૃત સવારે 11.09થી બપોરે 12.40 કલાક સુધી
શુભ બપોરે 2.12થી 3.43 કલાક સુધી

અન્ય સમાચારો પણ છે...