તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આંકડા છૂપાવાનો ખેલ ખુલ્લો:રાજકોટ જિલ્લામાં કોરોના મોતનો આંકડો આજદિન સુધી છૂપાવાયો, આરોગ્ય કર્મીએ ભૂલથી મેસેજ સો.મીડિયામાં મુક્યો, 1333 દર્દીના મોત સામે આવ્યા

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોગ્ય કર્મીથી સોશિયલ મીડિયાના ગ્રુપમાં ભૂલથી મેસેજ મૂકાય ગયો. - Divya Bhaskar
આરોગ્ય કર્મીથી સોશિયલ મીડિયાના ગ્રુપમાં ભૂલથી મેસેજ મૂકાય ગયો.
  • આરોગ્ય કર્મીને ભૂલ સમજાતાં તુરંત મેસેજને ડિલીટ કર્યો હતો

કોરોનાના પ્રથમ કેસથી લઈને હજારો કેસ નોંધાઈ જવા સુધીમાં મોતના આંકડા ‘છુપાવી’ રાખવાના ‘ખેલ’માં વ્યસ્ત તંત્ર ટેક્નિકલ ક્ષેત્રે ભૂલ ખાઈ જતાં તેણે સંતાડી રાખેલા આંકડા ભૂલથી જાહેર થઈ ગયા છે. જિલ્લા આરોગ્ય વિભાગમાં કાર્યરત એક અધિકારી દ્વારા ભૂલથી કોરોનાને કારણે રાજકોટ જિલ્લામાં કેટલા મોત થયા તેના આંકડા જાહેર કરી દેવામાં આવ્યા હતા. જોકે આ ભૂલ સમજાય જતાં તેમણે તુરંત જ આ મેસેજને ડિલિટ પણ કરી દીધો હતો. ડિલિટ કરાયેલા આ મેસેજમાં સ્પષ્ટ લખેલું હતું કે, જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે 248 અને અન્ય બિમારીના કારણે 1085 લોકોના મોત થયા છે. આ રીતે કોરોનાને કારણે અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 1333 દર્દીઓના મોત થયા હોવાનું સામે આવ્યું છે.

‘પબ્લિક હેલ્થ અપડેટ્સ રાજકોટ’ નામનું એક સોશિયલ મીડિયામાં ગ્રુપ
રાજકોટ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં દરરોજ નોંધાય રહેલા કેસ, કેટલા સેમ્પલ લેવાયા, અત્યાર સુધીમાં કેટલા કેસ નોંધાયા છે તે સહિતની વિગતો આપવા માટે ‘પબ્લિક હેલ્થ અપડેટ્સ રાજકોટ’ નામનું એક સોશિયલ મીડિયામાં ગ્રુપ બનાવવામાં આવ્યું છે. આ ગ્રુપમાં ગઇકાલે આરોગ્ય વિભાગના અધિકારીએ સવારે 9 વાગ્યે એક મેસેજ મુક્યો હતો. જેમાં લખ્યું હતું કે, રાજકોટ રૂરલ મતલબ કે જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન ત્રણ કેસ નોંધાયા છે તો 24 કલાક દરમિયાન 1125 આરટી-પીસીઆર અને એન્ટીજન સેમ્પલ લેવામાં આવ્યા છે. તારીખ 16 જૂન સુધીમાં કુલ 166 દર્દીની સારવાર ચાલી રહી છે તો અત્યાર સુધીમાં રાજકોટ જિલ્લામાં કુલ 14863 કેસ જાહેર કરવામાં આવ્યા છે. જિલ્લામાં અત્યારે 55 ધન્વંતરી રથ કાર્યરત છે. જેમાં સરેરાશ 120 જેટલી ઓપીડી નોંધાઈ રહી છે.

તસવીર પ્રતિકાત્મક છે.
તસવીર પ્રતિકાત્મક છે.

અત્યાર સુધી મૃત્યુનો ઉલ્લેખ આરોગ્ય વિભાગે કર્યો નથી
મેસેજમાં આટલી વિગત લખ્યા બાદ છેલ્લે એવી વિગત ટાંકવામાં આવી છે કે, જિલ્લામાં કોવિડ ડેથ 248 અને નોન-કોવિડ ડેથ 1085 જેટલા નોંધાયા છે. આ મેસેજ 8.56 વાગ્યે મુકવામાં આવ્યા બાદ 9 વાગ્યે અધિકારી દ્વારા આ મેસેજ ડિલીટ કરી દેવામાં આવ્યો હતો. જે સ્પષ્ટતા કરી રહ્યું છે કે, જિલ્લા આરોગ્ય વિભાગ મોતના આંકડા છૂપાવી રાખવા માંગે છે. પરંતુ અધિકારી દ્વારા 4 મિનીટ સુધી મેસેજ ગ્રુપમાં યથાવત રાખવાને કારણે ગ્રુપમાં સામેલ મોટાભાગના લોકોએ આ મેસેજ ‘સીન’ મતલબ કે જોઈ લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા રાજકોટ જિલ્લામાં દરરોજ કેટલા કેસ નોંધાય રહ્યા છે તેની માહિતી આપતો મેસેજ દરરોજ આ ગ્રુપમાં મુકવામાં આવે છે. પરંતુ તેમાં ક્યારેય મૃત્યુનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો ન હોતો.

તસવીર પ્રતિકાત્મક છે.
તસવીર પ્રતિકાત્મક છે.

રાજકોટ જિલ્લામાં થયેલા મૃત્યુનો આંકડો છતો થઈ ગયો
એવું પણ બની શકે કે આ અધિકારી કોઈ બીજા ગ્રુપમાં આ મેસેજ મુકવા ગયા હોયને ભૂલથી ત્યાં મુકવાનો મેસેજ ‘મીડિયા ગ્રુપ’માં મૂકાઈ ગયો હોય! જોકે તેમની ટેક્નિકલી ભૂલને કારણે રાજકોટ જિલ્લામાં થયેલા મૃત્યુનો આંકડો છતો થઈ ગયો છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. આ અધિકારીએ ભૂલથી તો ભૂલથી આ મેસેજ મુકી દીધો હશે પરંતુ તેમણે મેસેજમાં લખેલા મૃત્યુના આંકડા ઘણા ચોંકાવનારા અને ચિંતાજનક છે. કેમ કે. જિલ્લામાં કુલ 1333 મોત થયા છે જે ન તો ક્યારેય તંત્ર દ્વારા કે ન તો ક્યારેય સરકાર દ્વારા જાહેર કરવામાં આવી રહ્યા છે. કોરોનાની પ્રથમ લહેરથી જ સરકાર અને તંત્ર આંકડાઓ છૂપાવી રહ્યાના આક્ષેપ થઈ રહ્યા છે. પરંતુ તંત્ર હંમેશા ઢાંકપીછોડો કરવામાં જ માનતું હોવાથી કોરોનાની સાચી પરિસ્થિતિથી ક્યારેય લોકોને વાકેફ કરી શક્યું જ નથી.

અન્ય સમાચારો પણ છે...